વડોદરાઃ AAP પ્રમુખ-પુત્ર સામે રેપની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. યુવતીને દારૂ પિવડાવી અશ્લીલ વીડિયો ઉતારીને દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આ વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી.
શું છે મામલો
AAPના વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા અને તેના પુત્ર સામે પક્ષની જ હોદ્દેદાર મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. AAP નેતાએ મહિલાને દારૂ પીવડાવી અશ્લીલ વીડિયો ઉતારી દુષ્કર્મ આચર્યું હતું. તેમજ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ વીડિયોના આધારે મહિલાનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. ઉપરાંત બ્લેકમેલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ફરિયાદ પ્રમાણે, આરોપી અશોક ઓઝાએ મહિલાના પતિને સારી નોકરી આપવાની લાલચ આપીને તેના ઘરે બોલાવી હતી. જ્યાં દારૂ પીવડાવી શરીરસંબંધ બાંધ્યો હતો અને વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયોના આધારે બ્લેકમેલ કરી તેને વિવિધ હોટલો અને અન્ય જગ્યાએ લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો. આ ઉપરાંત થોડા સમય પહેલા અશોક ઓઝાના પુત્રએ પીડિતાના ઘરે જઈને વીડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.
ફરિયાદી મહિલાના જણાવ્યા મુજબ, જ્યારે તેમણે આ બાબતે અશોક ઓઝાની પત્નીને વાત કરી, તો તેમણે પણ ઝઘડો કરી ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. આ ઉપરાંત તેની પુત્રી પણ તેને ફોન કરીને પિતા સાથે વાત કરવા દબાણ કરતી હતી. બીજી તરફ, AAP પ્રમુખ અશોક ઓઝાએ પોલીસ કમિશનરને લેખિત અરજી આપીને મહિલા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમનું કહેવું છે કે, તેમણે માનવતાના નાતે આ મહિલા અને તેના બાળકને પોતાનું મકાન મફતમાં રહેવા આપ્યું હતું અને આર્થિક મદદ પણ કરી હતી. હવે આ મહિલા મકાન ખાલી કરવાના બદલામાં રૂ 20 લાખની ખંડણી માંગી રહી છે. તેમજ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના ખોટા કેસમાં ફસાવવાની અને બદનામ કરવાની ધમકી આપે છે. આ ઘટનાના પગલે વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.