ભરત ભારદ્વાજ
અમેરિકા અને ઇરાન વચ્ચેનો યુદ્ધવિરામ કામચલાઉ સાબિત થયો છે અને બંને પાછા એકબીજા સામે યુદ્ધે ચડી ગયા છે. ઇરાને હોર્મુઝની ખાડીમાં ક્રૂડ ઓઈલ લઈ જતાં ત્રણ ટેંકરોને નિશાન બનાવ્યાં તેને બહાનું બનાવીને અમેરિકાએ પાછી ધડબડાટી બોલાવી તેમાં બંને વચ્ચેના શાંતિ કરારનું સુરસુરિયું થઈ ગયું છે.
અમેરિકાએ ઇરાનને ધમરોળી નાંખવા માટે 100થી વધારે ઠેકાણે હુમલા કર્યા છે. સામે ઇરાને પણ વળતો પ્રહાર કરીને મિડલ ઈસ્ટમાં અમેરિકાનાં સાથી એવાં કુવૈત, બાહરીન અને કતારમાં મિસાઈલો છોડી છે.
ઇરાનના હુમલામાં આ ત્રણ દેશોમાં નુકસાનના કોઈ સમાચાર નથી પણ ઈરાનમાં ઠેકઠેકાણે વિસ્ફોટ થયા હોવાનું ઇરાનના સરકારી મીડિયાએ જ સ્વીકાર્યું છે. ઇરાનના સરકારી મીડિયાના રિપોર્ટ પ્રમાણે દક્ષિણ ઈરાનના દરિયાકાંઠે આવેલાં ચાબહાર, કોનારાક, બંદર અબ્બાસ અને સિરિક સહિતનાં સ્થળે અમેરિકાએ હુમલા કર્યા છે.
આ હુમલામાં કેટલું નુકસાન થયું તેનો ફોડ ઇરાને નથી પાડ્યો પણ આ શહેરો ઇરાનનાં મહત્ત્વનાં બંદરો છે તેથી અમેરિકા ઇરાનને આર્થિક રીતે પાયમાલ કરી દેવાની જીદે ચડ્યું છે એ સ્પષ્ટ છે. અમેરિકાએ ઇરાનના સર્વોચ્ચ વડા અલી ખામનેઈની અંતિમવિધિ થવાની છે એ શહેર તરફ જતા બે પુલ પણ ઉડાવી દીધા છે.
ઇરાન શહરનો એક એરબેઝ પણ અમેરિકાનું ટાર્ગેટ બન્યો છે પણ સૌથી મોટો હુમલો બુશેહરનો છે. બુશેહર ઇરાનના ન્યુક્લિયર પ્રોગ્રામનું સેન્ટર મનાય છે. બુશેહરમાં ઇરાનનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આવેલો છે. અમેરિકાનું માનવું છે કે, ઇરાને પરમાણુ પાવર પ્લાન્ટ તો ખાલી દેખાડા ખાતર ઊભો કર્યો છે, બાકી બુશેરહના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કોમ્પલેક્સમાં ઇરાન યુરેનિયમ એનરિચમેન્ટ કરીને પરમાણુ શસ્ત્રો બનાવી રહ્યું છે.
અમેરિકા અને ઇરાન વચ્ચેના શાંતિ કરારમાં ઇરાને પોતે પરમાણુ શસ્ત્રો નહીં બનાવે તેની ખાતરી આપેલી. ઇરાને આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોને પોતાનાં પરમાણુ મથકોનું નિરીક્ષણ કરવાની પણ મંજૂરી આપી છે. એ છતાં અમેરિકાએ બુશેહરને ટાર્ગેટ બનાવ્યું તેનો અર્થ એ થાય કે, ઇરાન ખાનગીમાં પરમાણુ કાર્યક્રમ ચલાવી રહ્યું હોવાના અમેરિકા પાસે ઈન્ટેલિજન્સ રિપોર્ટ છે.
આ રિપોર્ટ પણ ઈઝરાયલે જ આપ્યા હશે કેમ કે મિડલ ઈસ્ટમાં અમેરિકા ઈઝરાયલ પર જ નિર્ભર છે. ઈઝરાયલને ઈરાન સાથેના કરાર મંજૂર નથી તેથી આ રિપોર્ટ ખરેખર સાચો છે કે નહીં એ ખબર નથી પણ અત્યારે તો અમેરિકાએ તેને સાચો માનીને ઇરાનની વાટ લગાડવાનો કાર્યક્રમ પૂરજોશમાં ચાલુ કરી દીધો છે.
અમેરિકાએ ઇરાન પર કરારની શરતોનો ભંગ કરવાનો આક્ષેપ મૂક્યો છે. અમેરિકાનું કહેવું છે કે, ઇરાન હોર્મુઝની ખાડીમાં કોઈ પણ ઓઈલ ટેન્કરને પરેશાન નહીં કરવા અને નિર્વિઘ્ને પસાર થવા દેવા તૈયાર થયેલું પણ સઉદી અરેબિયાના એક અને કતારનાં બે ટેન્કરને ટાર્ગેટ કરીને ઇરાને કરારનું પાલન કર્યું નથી તેથી ફરી હુમલા કરીને ઇરાનને પાંસરું કરવા સિવાય બીજો વિકલ્પ બચતો નથી.
ઇરાનનું કહેવું છે કે, આ જહાજો નક્કી કરેલા સત્તાવાર રૂટના બદલે બીજા રૂટ પરથી જતાં હતાં તેથી તેમની હિલચાલ શંકાસ્પદ લાગી તેથી તેમને ચેતવવા માટે મિસાઈલ છોડેલાં પણ તેમાં કોઈ જાનહાનિ થઈ નથી કે નુકસાન પણ થયું નથી તેથી કરારનો ભંગ ના કહેવાય.
ઇરાન સાચું બોલતું હોય અને ખરેખર સઉદી અરેબિયા અને કતારનાં જહાજ સત્તાવાર રીતે નક્કી કરેલા રૂટના બદલે બીજા રૂટ પરથી જતાં હોય તો ઇરાને મિસાઈલ છોડીને કશું ખોટું કર્યું નથી. ક્રૂડના બદલે કમર્શિયલ જહાજોમાં શસ્ત્રો અને સૈનિકો મોકલીને ઇરાનમાં ઘૂસવાનો કે હોર્મુઝ સ્ટ્રેઈટ પર કબજો કરવાનો કારસો ઘડાયો હોવાની શક્યતા નકારી ના શકાય એ જોતાં ઇરાનને પોતાનાી સરહદની રક્ષા માટે ટેન્કરો પર મિસાઈલ છોડવાનો અધિકાર છે જ.
અમેરિકા અને ઈઝરાયલ ગમે તે કરી શકે એ જોતાં ઇરાને કશું ખોટું કર્યું નથી પણ તેના કારણે ટ્રમ્પને ફરી હુમલાનું બહાનું મળી ગયું. ટ્રમ્પે ઈરાન સાથે કરાર કરતાં તો કરી નાંખ્યો પણ ઈઝરાયલની નારાજગીના કારણે ઇરાન સાથેનો કરાર તોડી નાખવા એ કયારના ઊંચાનીચા થતા જ હતા. ઇરાને સઉદી અને કતારનાં ટેન્કરોને નિશાન બનાવીને એ બહાનું આપી દીધું.
અમેરિકાએ આ હુમલા દ્વારા નાગાની પાંચશેરી ભારે એ કહેવતને સાચી સાબિત કરી છે. અમેરિકા અને ઇરાન વચ્ચે કરાર થયા તેમાં લેબેનોન સહિતનાં કોઈ પણ ઠેકાણે હુમલા નહીં કરવા એવું નક્કી થયેલું પણ ઈઝરાયલ કરારની ઐસીતૈસી કરીને લેબેનોન પર હુમલા કર્યા કરે છે અને ઇરાન પર પમ હુમલા કરે છે. ડોનલ્ડ ટ્રમ્પે દુનિયાને દેખાડવા માટે ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુને ખખડાવ્યા.
તેમને ઈડિયટ જેવાં વિશેષણોથી નવાજ્યા પણ ના હુમલા રોકાવ્યા કે ના ઈઝરાયલ સામે કોઈ પગલાં લીધાં. ઇરાન સામેના યુદ્ધમાં અમેરિકા અને ઈઝરાયલ એક છાવણીમાં છે એ જોતાં શાંતિ કરારનું પાલન ઈઝરાયલ પણ કરે એ જરૂરી હતું પણ ટ્રમ્પ એ મુદ્દે ચૂપ છે જ્યારે ઇરાને ત્રણ ટેન્કરને નિશાન બનાવ્યાં તેમાં તો ફરી લડવા કૂદી પડ્યા. ટ્રમ્પનું વલણ જરાય ન્યાયી નથી પણ આ નમૂનાને સમજાવે કોણ ?
અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ ભડકતાં આખી દુનિયા ફરી ટેન્શનમાં આવી ગઈ છે. ઇરાન-અમેરિકા યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેઈટમાંથી ફરી ક્રૂડ ઓઈલનાં ટેન્કરોની અવરજવર પર નિયંત્રણ આવી જશે. તેના કારણે પાછી પેટ્રોલ-ડીઝલ નહીં મળવાની રાડારાડ શરૂ થશે. અમેરિકાએ ઇરાનને ક્રૂડ ઓઈલ વેચવાની મંજૂરી આપેલી એ પણ પાછી ખેંચી લીધી છે. તેના કારણે પણ બજારમાં ક્રૂડનો જથ્થો ઓછો આવશે ને ક્રૂડ મોંઘું થશે. ક્રૂડ ઓઈલના ભાવ વધશે તેથી પેટ્રોલ-ડીઝલ પણ મોંઘાં થશે એટલે સામાન્ય લોકોની હાલત કફોડી થઈ જવાની.
ઇરાને તો અત્યારથી જાહેર કરી જ દીધું છે કે, હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા દરેક ઓઈલ ટેન્કરે ઇરાનને ફી ચૂકવવી પડશે. સઉદી અરેબિયા સહિતના અમેરિકાના ગોઠિયા દેશો આ ફી ચૂકવવા તૈયાર નથી પણ ભારત સહિતના મિડલ-ઈસ્ટના ક્રૂડ પર નિર્ભર દેશોએ જખ મારીને ફી ચૂકવવી પડશે. સરવાળે બધો ભાર ક્ધયાની કેડે આવશે ને પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે. યુદ્ધના કારણે બીજી નિકાસને પણ અસર થશે તેથી એકંદરે દુનિયાના મોટા ભાગના દેશોનાં અર્થતંત્ર ડામાડોળ થઈ જશે. બે આખલાની લડાઈમાં ઝાડનો ઘાસનો સોથ વળે એમ અમેરિકા અને ઇરાન તો યુદ્ધ કરીને અહમ સંતોષવાની મજા લેશે પણ બીજા દેશોની હાલત બગડી જશે.