મુંબઈઃ ઉરણ તાલુકાના નાગરિકો અને ઔદ્યોગિક વિસ્તાર માટે જીવાદોરી સમાન રાનસઈ ડેમ રવિવારે મોડી રાત્રે સંપૂર્ણ ભરાઈ ગયો છે. ઉરણ તાલુકાના નાગરિકો અને ઔદ્યોગિક વિસ્તારને પાણી પૂરું પાડતું રાનસઈ ડેમ આખરે રવિવારે મોડી રાતે ભરાઈ ગયો. માત્ર પાંચ દિવસના ધોધમાર વરસાદથી આ ડેમ ભરાઈ ગયો હતો, જે અત્યાર સુધીનો એક રેકોર્ડ છે.
જૂન મહિનામાં વરસાદ ન આવવાને કારણે નિયમિતપણે પાણી કાપ રહેતા મંગળવાર અને શુક્રવાર સિવાય, એમઆઇડીસીએ રવિવારે પણ વધારાનો પાણી કાપ લાગુ કર્યો હતો. રાનસઈ ડેમની ૧૧૬ ફૂટની ઊંચાઈમાંથી ૮૬ ફૂટ એ ડેડ સ્ટોરેજની સપાટી છે. આ સપાટી ઘટીને ૮૧ ફૂટ પર પહોંચી ગઈ હતી.
જુલાઈમાં ચોમાસાના જોરદાર આગમનને પગલે એમઆઇડીસીએ રવિવારનો પાણી કાપ રદ કર્યો હતો. આનાથી નાગરિકોને મોટી રાહત મળી છે અને આગામી સમયમાં બે દિવસનો પાણી કાપ પણ રદ કરવામાં આવશે.
ઉરણના લોકોને દરરોજ ૪૧ મિલિયન લિટર પાણીની જરૂર પડે છે. જોકે, એમઆઇડીસી પાસે ફક્ત ૩૦ મિલિયન લિટર પાણી હોવાથી, દરરોજ ૧૦ મિલિયન લિટર પાણીની અછત છે, તેથી આ પાણી પુરવઠો જૂન મહિના સુધી પૂરો પાડી શકાય તે માટે પાણીમાં કાપ મૂકવામાં આવે છે.