Thu Aug 20 2026

Logo

રૂ. 2000થી વધુના UPI પેમેન્ટ પર લાગશે 'ચાર્જ', જાણો આમ આદમી પર શું થશે અસર?

2026-08-05 14:51:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ જો તમે તમામ પેમેન્ટ યુપીઆઈથી કરતા હો તો આ સમાચાર તમારા માટે છે. સરકાર ટૂંક સમયમાં 2000 રૂપિયાથી વધુની યુપીઆઈ ચૂકવણી પર ચાર્જ લગાવી શકે છે. આ ચાર્જ માત્ર મર્ચન્ટને કરવામાં આવેલા પેમેન્ટ પર જ લાગુ થશે. એક વ્યક્તિથી બીજા વ્યક્તિને કરવામાં આવતા પેમેન્ટ પર લાગુ નહીં થાય. 

ચાર્જ 0.25થી લઈને 0.4 ટકાની વચ્ચે હોઈ શકે

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે સંસદમાં ટેક્સેશન એન્ડ અધર લૉઝ (અમેન્ડમેન્ટ) બિલ રજૂ કર્યું હતું. આ બિલનો મુખ્ય હેતુ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને કેટલાક નિર્ધારિત ઇલેક્ટ્રોનિક પેમેન્ટ મોડ પર મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાદવાની છૂટ આપવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રસ્તાવને ક્યારથી અમલમાં મૂકવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ આખરી નિર્ણય લેવાયો નથી. આ મર્ચન્ટ ચાર્જ 0.25 ટકાથી લઈને 0.4 ટકાની વચ્ચે હોઈ શકે છે.

ટ્રાન્ઝેક્શનના માત્ર 5 ટકા હિસ્સાને કરશે અસર

સરકારી આંકડા મુજબ, રૂ. 2,000ની આ મર્યાદા તમામ UPI ટ્રાન્ઝેક્શનના માત્ર 5 ટકા હિસ્સાને જ અસર કરશે, પરંતુ જો ટ્રાન્ઝેક્શનના કુલ મૂલ્યની વાત કરીએ તો 65 ટકા હિસ્સો આ જ શ્રેણીમાં આવે છે. આનાથી સામાન્ય લોકોને ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે દૂધ, શાકભાજી, કરિયાણાનો સામાન કે ઓટો-ટેક્સીના ભાડા જેવા રોજીંદા પેમેન્ટ્સ પર આની કોઈ અસર નહીં પડે. 

જુલાઈમાં થયા હતા 23.7 અબજ UPI ટ્રાન્ઝેક્શન 

જુલાઈ મહિનામાં દેશમાં કુલ 23.7 અબજ UPI ટ્રાન્ઝેક્શન થયા હતા, જેનું કુલ મૂલ્ય રૂ. 29.9 લાખ કરોડ હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, જો આ નિયમ લાગુ કરવામાં આવે તો પણ 95 ટકા ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે MDR મુક્ત રહેશે. આ ઉપરાંત, આ ચાર્જ એટલો નજીવો હશે કે તમામ વેપારીઓ આ નાના ચાર્જનો બોજ સીધો ગ્રાહકોના ખિસ્સા પર નહીં નાખે.

ચાર્જની મહત્તમ મર્યાદા પણ નક્કી કરી શકે

સરકાર આ ચાર્જની મહત્તમ મર્યાદા પણ નક્કી કરી શકે છે. ક્રેડિટ કાર્ડથી વિપરીત UPIમાં કોઈ ફંડિંગ કોસ્ટ સામેલ હોતી નથી, તેથી ખર્ચ પૂરો થયા પછી એક ચોક્કસ મર્યાદા નક્કી કરવી તાર્કિક રહેશે. હાલમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર પહેલેથી જ MDR લાગુ છે, પરંતુ સ્પર્ધાના કારણે મોટા ભાગના વેપારીઓ તેને ગ્રાહકો પાસેથી વસૂલવાને બદલે પોતે જ ભોગવે છે. અહીં એ જણાવવાનું કે દેશમાં કુલ રજિસ્ટર્ડ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ યાને યુપીઆઈ યૂઝર્સની સંખ્યા 55.59 કરોડથી વધુ છે, જ્યારે વાર્ષિક ટ્રાન્ઝેક્શન પણ 2025-26માં 24,161 કરોડથી વધુ હતો.