આજના સમયમાં રોકડ (Cash) ના બદલે UPI દ્વારા ડિજિટલ પેમેન્ટ કરવાનો ક્રેઝ ખૂબ વધી ગયો છે. જોકે, ઘણીવાર ટેકનિકલ ખામી કે નેટવર્ક પ્રોબ્લેમ આપણને મુશ્કેલીમાં મૂકી દે છે. એક જ ટ્રાન્ઝેક્શન માટે બે વાર ખાતામાંથી પૈસા કટાઈ જવા એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આવી સ્થિતિમાં લોકો ગભરાઈ જાય છે કે તેમના પૈસા ફસાઈ ગયા છે. પરંતુ જો તમારી સાથે પણ આવું થાય, તો યોગ્ય અને સરળ પગલાં ભરીને તમે તમારું રિફંડ સુરક્ષિત રીતે પાછું મેળવી શકો છો.
પૈસા કપાઈ જાય ત્યારે સૌથી પહેલાં શું કરવું?
સૌથી પહેલાં તમારા યુપીઆઈ એપમાં જઈને બંને ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ જુઓ કે બંને પેમેન્ટ સક્સેસફુલ થયા છે કે પછી કોઈ એક પેમેન્ટ પેન્ડિંગ/ફેઇલ બતાવે છે. બંને પેમેન્ટની ટ્રાન્ઝેક્શન આઈડી અને 12 ડિજિટનો આરઆરએન નોંધીને રાખવો અને સાથે તેના સ્ક્રીનશોટ પણ સેવ કરી લો.
જો ટ્રાન્ઝેક્શન ફેઇલ થયું હોય તો શું કરવું?
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમો અનુસાર, જો તમારા ખાતામાંથી પૈસા કપાઈ ગયા હોય પણ સામે વાળી વ્યક્તિ કે વેપારીના ખાતામાં ન પહોંચ્યા હોય (ટ્રાન્ઝેક્શન ફેઇલ થયું હોય), તો નક્કી કરેલી સમયમર્યાદામાં રકમ આપમેળે તમારા ખાતામાં જમા થઈ જાય છે. આવા કિસ્સામાં તમારે અલગથી કોઈ અરજી કરવાની જરૂર પડતી નથી.
જો વેપારીને બે વાર પેમેન્ટ પહોંચી ગયું હોય તો શું કરવું?
જો તમારા બંને ટ્રાન્ઝેક્શન સફળ થઈ ગયા હોય અને વેપારીના ખાતામાં બે વાર રકમ જમા થઈ ગઈ હોય, તો પૈસા ઓટોમેટિક પાછા આવતા નથી. આ માટે રિફંડની પ્રક્રિયા અલગ હોય છે-
જે એપથી પેમેન્ટ કર્યું હોય, તેમાં હેલ્પ હિસ્ટ્રી સેક્શનમાં જઈને તરત જ કમ્પ્લેઇન નોંધાવો.
જો જરૂર પડે તો તમારી બેંકના કસ્ટમર કેર પર કોલ કરો. ફરિયાદ નોંધાવતી વખતે ટ્રાન્ઝેક્શન આઈડી આરઆરએન નંબર, તારીખ, રકમ અને વેપારીની વિગતો સાથે રાખો. બેંક આ માટે વિવાદની પ્રક્રિયા શરૂ કરી શકે છે.
તમે સીધા વેપારી સાથે વાત કરીને પણ બીજી વાર થયેલા પેમેન્ટનું રિફંડ મેળવી શકો છો.
રિફંડના નામે થતી સાયબર ઠગાઈથી કેવી રીતે બચવું?
1. ધ્યાન રાખો કે પૈસા મેળવવા કે રિફંડ લેવા માટે ક્યારેય યુપીઆઈ પિન દાખલ કરવાની જરૂર પડતી નથી.
2. તમારો યુપીઆઈ પીન, ઓટીપી કે બેંકિંગ વિગતો કોઈ સાથે શેર ન કરો.
3. રિફંડ મેળવવાના નામે કોઈ અજાણી વ્યક્તિના કહેવાથી ક્યુઆર કોડ સ્કેન ન કરો.