Sat Sep 05 2026

Logo

કચ્છની અનોખી પહેલ: દેશી ગૂગળના વાવેતરથી સજીવન થશે ગૌચર, જાણો વિગત

2026-08-25 09:10:00
Author: Mumbai Samachar Team
કચ્છની અનોખી પહેલ: દેશી ગૂગળના વાવેતરથી સજીવન થશે ગૌચર, જાણો વિગત

ભુજઃ ભાતીગળ પ્રદેશ કચ્છના ગામડાઓમાં આવેલી પરંપરાગત ગૌચર એટલે કે સામૂહિક ચરાણ જમીનોની નવરચના અને પ્રદેશની લુપ્તપ્રાય ઔષધીય વનસ્પતિઓના સંવર્ધન અર્થે એક સરાહનીય પર્યાવરણીય ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કચ્છના ત્રણ તાલુકાના પાંચ ગામોમાં ખાારા અને મીઠા ગૂગળનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ ગૌચર ભૂમિની ફળદ્રુપતા વધારવા સાથે સ્થાનિક લોકોને સંરક્ષણ કાર્યમાં જોડી પર્યાવરણીય વારસો સાચવવાનો છે.

૩,૭૫૦ ગૂગળના છોડનું વાવેતર કરાયું

આ નવતર કાર્યક્રમ ભુજ, નખત્રાણા અને બંદરીય માંડવી તાલુકામાં આવેલા આણંદસર, લક્ષ્મીપર, ભડલી,ઉખેડા અને વિરાણી નાની ગામોની ગૌચર જમીન પર અમલી બનાવાયો છે. નેચર ફાઉન્ડેશનના પંકજ જોશી અને તેમની ટીમ દ્વારા હાથ ધરાયેલા આ અભિયાન હેઠળ પ્રત્યેક ગામમાં ૨૫૦ મીઠા ગૂગળ અને ૫૦૦ જેટલા ખારા ગૂગળ મળીને કુલ ૩,૭૫૦ ગૂગળના છોડનું રોપણ કરવામાં આવ્યું છે. કચ્છ ક્ષેત્રમાં અતિ દુર્લભ ગણાતા મીઠા ગૂગળનું કુદરતી વાતાવરણમાં રોપણ કરી તેનું સ્થાનિક સ્તરે જતન કરવું એ આ પ્રકલ્પનું મહત્વનું પાસું છે.

ગૂગળની સાથે બીજા શેનું વાવેતર 

પર્યાવરણીય તુલનાત્મક સમતોલન જાળવવા માત્ર વૃક્ષારોપણ કરવાના બદલે આખી ઈકો સીસ્ટમને પુનઃજીવિત કરવાની વ્યુહરચના અપનાવવામાં આવી છે. ગૂગળ ઉપરાંત દરેક ગામમાં ૫૦ શતાવરીના છોડ, ખારાશ અને દુષ્કાળ સામે ટકી શકતી ૭ પ્રકારની દેશી ઘાસની પ્રજાતિઓ તથા ૧૦થી વધુ સ્થાનિક વૃક્ષો અને ઝાડીઓના બીજનું વાવેતર કરાયું છે. આ મિશ્ર વાવેતરથી ગૌચરમાં માત્ર વૃક્ષોની સંખ્યા વધારવાને બદલે પશુઓ માટે ચારો, વન્યજીવો માટે આશ્રય, જમીનમાં ભેજસંગ્રહ અને ભૂગર્ભ જળ રિચાર્જ ક્ષમતામાં સુધારો થશે.

આ સંરક્ષણ અભિયાનમાં ગ્રામજનો, મહિલા મંડળો, યુવાનો અને શાળાના વિદ્યાર્થીઓને સીધા સાંકળવામાં આવ્યા છે. બાળપેઢી ગૌચર જમીનને માત્ર ખુલ્લી જગ્યા ન ગણતાં જૈવવિવિધતાના કેન્દ્ર તરીકે ઓળખે તે માટે ખાસ માહિતી અને શિક્ષણ સામગ્રી દ્વારા જાગૃતિ ફેલાવાઈ રહી છે. આગામી સમયમાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ માટે વાવેતર સ્થળોની શૈક્ષણિક મુલાકાતોનું આયોજન કરી તેમને કુદરતી વારસાના રક્ષક બનાવવાનો લક્ષ્યાંક છે. સ્થાનિક પંચાયતો અને સંસ્થાઓના સહિયારા પ્રયાસોથી આ નવસાધ્ય ગૌચરોનું લાંબા ગાળાનું મોનિટરિંગ કરી કચ્છની લુપ્ત થતી ઔષધીય સંપદાને પૂર્વવત કરવાનો આશાસ્પદ માર્ગ કંડારાયો છે.

(ઉત્સવ વૈદ્ય)