શ્રીલેખા યાજ્ઞિક
અંજીર નામ વાંચતાની સાથે જ મોં માં પાણી આવવા લાગે. કુદરતની કરામત તેવાં વિવિધ સૂકામેવામાં મીઠાશ પૂરતાં અંજીરની વાત નિરાળી છે. એકટાણું કે ઉપવાસમાં ખાસ શરીરને તાજગી બક્ષે છે. તેનું મુખ્ય કારણ છે અંજીરમાં ભરપૂર માત્રામાં કૅલ્શ્યિમ, પોટેશ્યિમ, ફોસ્ફરસ તેમ જ આયર્ન સમાયેલું છે.
ભારતમાં સૌથી વધુ અંજીરનું ઉત્પાદન કરતું રાજ્ય છે મહારાષ્ટ્ર. તેમાં પૂનાની આસપાસના વિસ્તારના અંજીરની વાત નિરાળી ગણવામાં આવે છે. સૂકા પ્રદેશમાં વધુ પાક આપતું ફળ ગણાય છે. પૂનામાં થતાં લીલા તેમ જ સૂકા અંજીરની માગ દેશ-વિદેશમાં જોવા મળે છે. આશરે 900 હેક્ટરમાં અંજીરની ખેતી કરવામાં આવે છે.
અંજીર વિશે એવું કહેવાય છે કે તેના ઉપયોગ દ્વારા શરીરને અનેક લાભ મળી રહે છે. ત્વચા, પિત્તાશય આંખ તેમ જ હાડકાંની માવજત માટે ગુણકારી ગણાય છે. અંજીર બે પ્રકારના જોવા મળે છે. પ્રથમ જેની ખેતી કરવામાં આવે છે. તેનો ઉપયોગ ખાવામાં કરી શકાય છે તેના પાન તેમ જ ફૂલ મોટા હોય છે. જ્યારે જે આપમેળે ઊગી જાય છેતેવાં જંગલી અંજીરના ફળ-મોટા પાન ધરાવતાં અંજીરની સરખામણીમાં નાના હોય છે.
અંજીરને ભારતની વિવિધ ભાષામાં અલગ-અલગ નામે ઓળખવવામાં આવે છે. જેમ કે સંસ્કૃતમાં અંજીરકમ કે ફ્લ્ગુજમ, કોંકણીમાં પન્ગારા, તેલુગુમાં સીમઈયટ્ટી, પંજાબીમાં ફેગેરી કે ફાગુ, મલયાલમમાં સીમાયટ્ટી, ઓરિયામાં પુષ્પોષુન્યો, અરેબિકમાં તેન અથવા તીન.
100 ગ્રામ અંજીરમાં 249 કૅલરી, પ્રોટીન 3.3 ગ્રામ, ફાઈબર 9.8 ગ્રામ, શર્કરા 47.92 ગ્રામ, કૅલ્શ્યિમ 162 મિલિગ્રામ, પોટેશ્યિમ 680 મિલિગ્રામ, વિટામિન કે 15.6 માઈક્રોગ્રામ, વિટામિન સી 1.2 મિલિગ્રામની માત્રા સમાયેલી છે.
અંજીર-વર્મિસેલી ખીર
સામગ્રી: 1 નાની વાટકી વર્મિસેલી, 3 નંગ પલાળેલાં અંજીર, 1 લિટર દૂધ, 3 ચમચી બદામ, 1 ચમચી પિસ્તાની કતરણ, 1-4 તાંતણાં કેસર, 2 મોટી ચમચી મિલ્કમેડ, 2 ચમચી દેશી ગુલાબના પાંદડા.
બનાવવાની રીત : સૌ પ્રથમ 2 ચમચી ઘીમાં બદામની કતરણ કે નાના ટૂકડાંને સાંતળી લો. ત્યારબાદ તેમાં પિસ્તા સાંતળવા. હળવેથી પિસ્તાને બહાર એક વાટકીમાં કાઢી લેવાં. વર્મિસેલી ધીમી આંચ ઉપર સાંતળવી. તેનો રંગ સોનેરી થાય ત્યાર બાદ તેમાં હૂંફાળું દૂધ ભેળવવું. દૂધ બરાબર ઉકળવા લાગે એટલે તેમાં અંજીરના નાના ટૂકડાં ભેળવીને દૂધમાં ભેળવવાં. ત્યારબાદ તેમાં 1 ચમચી દૂધમાં પળાળેલી કેસર, દેશી ગુલાબના પાન ઉમેરવાં બદામ-પિસ્તાની કતરણથી સજાવીને ખીરને ઠંડી કે ગરમ પીરસવી. ઓછી સાકરવાળી છતાં મીઠાશ વાળી અંજીર-વર્મિસેલીની ખીર સ્વાદમાં અત્યંત મધુર-સ્વાદિષ્ટ લાગે છે.
અંજીરના સ્વાસ્થ્યવર્ધક લાભ
પાચનતંત્રને મજબૂત બનાવે છે : અંજીરમાં રહેલી ડાયેટરી ફાઈબરની માત્રા લાંબા સમયથી રહેલી કબજિયાતની સમસ્યામાંથી રાહત અપાવે છે. વળી અજીરનું સેવન કરવાથી એસિડિટી, ગેસ જેવી સમસ્યાથી રાહત મળે છે. રાત્રિના પલાળીને નરણાં કોઠે તેનું સેવન કરવાથી પેટ સાફ થઈ જાય છે. પેટ હલકું બની જાય છે. ફાઈબર આંતરડાંની ગતિને નિયમિત કરવામાં મદદ કરે છે. ભોજનને પચાવવામાં મદદ કરે છે. તેથી જ પલાળેલાં અંજીરને કુદરતી રેચક ગણવામાં આવે છે.
હાડકાં મજબૂત બનાવે છે : અંજીરમાં મેગ્નેશ્યિમ, ફોસ્ફરસ તેમ જ કૅલ્શ્યિમ જેવાં મિનરલ્સની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. મિનરલ્સનું પ્રમાણ શરીરમાં જળવાઈ રહે તો હાડકાં તેમ જ દાંતની મજબૂતાઈ જળવાઈ રહે છે. જેને કારણે અંજીરનું સેવન કરવાથી હાડકાં બરડ બનતાં અટકે છે. કારણ કે વય વધવાની સાથે હાડકાં નબળાં પડે છે. વયસ્ક વ્યક્તિ માટે અંજીરનું સેવન અતિ આવશ્યક ગણાય છે.
ત્વચા તેમજ વાળ માટે લાભકારી : અંજીરમાં ઍન્ટિ ઓક્સિડન્ટનું પ્રમાણ હોય છે. જે ત્વચા તેમજ વાળ માટે અત્યંત લાભદાયક ગણાય છે. ખરતાં વાળ અટકે છે. તો ત્વચાની ચમક વધે છે. જેથી અંજીરનું સેવન કરવું નાના મોટા બધા જ માટે લાભકારક ગણાય છે. અનેક લોકો અંજીરને કુદરતી સૌંદર્ય વર્ધક ગણે છે. કેમ કે તેમાં સારા પ્રમાણમાં મિનરલ્સ તથા વિટામિન સમાયેલાં છે. જેથી ત્વચા તેમજ વાળની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે.
ઍનિમિયામાં લાભકારી : અંજીરમાં આયર્નની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. આયર્ન શરીરમાં હિમોગ્લોબીનના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. જેથી શરીરમાં ઑક્સિજન પૂરતાં પ્રમાણમાં પહોંચી શકે છે. જેને કારણે શરીરમાં નબળાઈ આવવી કે અચાનક ચક્ક્ર આવવાં જેવી તકલીફથી બચી શકાય છે. માસિક ધર્મ વખતે યુવતીઓ તેમજ મહિલાઓમાં લોહીની ઊણપ સર્જાય છે. જેથી તેમના માટે અંજીરનું સેવન વધુ લાભદાયક ગણી શકાય.
હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક : અંજીરમાં પોટેશ્યિમ તેમજ ઍન્ટિઓક્સિડન્ટનું પ્રમાણ ભરપૂર હોય છે. જે હૃદયના સ્વાસ્થ્ય માટે લાભકારક ગણાય છે. પોટેશ્યિમ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. ઍન્ટિઓક્સિડન્ટ ખરાબ કૉલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. જેને કારણે અચાનક ઊભી થતી હૃદય સંબંધિત બિમારીથી બચી શકાય છે. તેનો ભય ધટે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે : અંજીરમાં રહેલાં ઍન્ટિ-ઓક્સિડન્ટ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ફ્રિ રેડિકલ્સની સામે લડીને શરીરને અંદરથી સ્વસ્થ બનાવે છે. મોસમના બદલાવને કારણે થતાં રોગથી શરીરની રક્ષા કરે છે. નિયમિત અંજીર ખાવાથી દિવસભર વ્યક્તિ ઊર્જાવાન રહે છે. શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં સુધારો થાય છે.
નર-નારીની પ્રજનન શક્તિ સુધારે છે : અંજીરનું સેવન કરવાથી હોર્મોનની સમતુલા જળવાય છે. શરીર નવી ઊર્જાનો અનુભવ કરે છે. પ્રાચીન આયુર્વેદિક ગ્રંથ મુજબ અંજીરનું સેવન નર-નારીની પ્રજનન ક્ષમતા વધારવામાં ફાયદાકારક ગણાય છે.
ડાયાબિટીસમાં મર્યાદિત માત્રામાં લાભકારી : અનેક વખત એવું માનવામાં આવે છે કે અંજીર કુદરતી રીતે જ મીઠાશ ધરાવતું હોવાથી તેનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓ કરી શકે નહીં. પ્રમાણભાન રાખીને અંજીરનું સેવન ડાયાબિટીસના દર્દીઓ કરી શકે છે. કેમ કે અંજીરનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ મધ્યમ છે. તેથી નિષ્ણાત ડૉક્ટરની સલાહ બાદ અંજીરનું સેવન કરવાથી શરીરને ઊર્જાવાન બનાવી શકાય છે. પ્રમાણભાન રાખીને અંજીરનું સેવન અચૂક ગુણકારી બની રહે છે.
અંજીરનો ઉપયોગ કરીને વિવિધ મીઠાઈ તેમજ ચટણી બનાવી શકાય છે. અંજીરવાળું દૂધ કે અંજીરની સ્મૂધી નાન-મોટા પ્રત્યેકને ભાવતી હોય છે. અંજીરનો હલવો, અંજીરની બરફી, અંજીરની પૂરણપોળી, અંજીર -ખજૂરનો પાક શિયાળામાં ઘરે-ઘરે બનતો હોય છે. આજે આપણે અંજીર-વર્મિસેલી સેવની ખીરની રીત જોઈશું.