Fri Sep 04 2026

Logo

યોગી આદિત્યનાથની માતા પર અભદ્ર ટિપ્પણી કરનાર બિહારના મૌલાનાની ધરપકડ

2026-03-31 20:32:26
Author: Mumbai Samachar Team
યોગી આદિત્યનાથની માતા પર અભદ્ર ટિપ્પણી કરનાર બિહારના મૌલાનાની ધરપકડ

બહરાઇચ (યુપી): ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (યુપી એસટીએફ) એ સોમવારે મોડી સાંજે બિહારના પૂર્ણિયા જિલ્લામાંથી મૌલાના અબ્દુલ્લા સલીમની ધરપકડ કરી હતી. મૂળ અરરિયાના રહેવાસી મૌલવીએ એક ધાર્મિક કાર્યક્રમમાં ગૌહત્યા કાયદા પર ચર્ચા દરમિયાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની માતા અને ગાય વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી.

આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી બલરામપુર અને બહરાઇચ સહિત અનેક જિલ્લાઓમાં કેસ નોંધાયા હતા. યુપી પોલીસની અનેક ટીમો એલર્ટ પર હતી અને સાદા વસ્ત્રોમાં એસટીએફે સ્થાનિક પોલીસની મદદથી પહોંચી અને મૌલવીને કસ્ટડીમાં લીધો હતો. અહીંની એક કોર્ટે આરોપી મૌલવીને  જેલમાં મોકલ્યો હતો

પોલીસે કહ્યું હતું કે બિહારના અરરિયા જિલ્લાના રહેવાસી મૌલાના અબ્દુલ્લા સલીમ કાસમીની સોમવારે સાંજે પૂર્ણિયાથી યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) ગોરખપુર યુનિટે ધરપકડ કરી હતી અને મે 2024ના એક કાર્યક્રમના વિવાદાસ્પદ ભાષણ મામલે બહરાઇચ લાવવામાં આવ્યો હતો જે આ મહિનાની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર સામે આવ્યું હતું, જેના કારણે વિરોધ પ્રદર્શનો થયા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, તેની સામે બીએનએસ કલમ 196 (ધર્મ, જાતિ, જન્મસ્થળના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 299 (ઇરાદાપૂર્વક અને દુર્ભાવનાપૂર્ણ કૃત્યો, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુથી) અને 353 (જાહેર દુષ્કર્મ માટે જવાબદાર નિવેદનો) હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

દેવીપાટન રેન્જના પોલીસ મહાનિરીક્ષક અમિત પાઠકે જણાવ્યું હતું  કે "તાજેતરના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં બિહારના અરરિયા જિલ્લાના રહેવાસી મોહમ્મદ સલીમ નામના વ્યક્તિ જાહેર મંચ પર ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરતો જોવા મળ્યો હતો. આ સંદર્ભમાં બલરામપુર અને બહરાઇચ જિલ્લામાં કેસ નોંધાયા હતા,".

સર્કલ ઓફિસર (શહેર) નારાયણ દત્ત મિશ્રાએ પીટીઆઈને જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદના કાનૂની સેલના જિલ્લા સંયોજક અને વકીલ અજિત પ્રતાપ સિંહની ફરિયાદ પર 8 માર્ચે બહરાઇચના કોતવાલી નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. બહરાઇચ લાવ્યા પછી આરોપીને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.