Sun Aug 30 2026

Logo

અયોધ્યામાં માથે પચાસ હજાર રૂપિયાનું ઇનામ ધરાવતા રીઢા આરોપીની ઘાટકોપરથી ધરપકડ

2026-05-18 18:29:00
Author: Yogesh D. Patel
અયોધ્યામાં માથે પચાસ હજાર રૂપિયાનું ઇનામ ધરાવતા રીઢા આરોપીની ઘાટકોપરથી ધરપકડ

2020થી સાથીદાર સાથે મળીને ચેનચોરીના અનેક ગુના આચર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: અયોધ્યામાં માથે પચાસ હજાર રૂપિયાનું ઇનામ ધરાવતા રીઢા આરોપીને ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે (એસટીએફ) મુંબઈના ઘાટકોપર વિસ્તારથી ઝડપી પાડ્યો હતો. આરોપીએ 2020થી સાથીદાર સાથે મળીને ચેનચોરીના અનેક ગુના આચર્યા હતા અને પોલીસ છેલ્લાં પાંચ વર્ષથી તેને શોધ રહી હતી.

એસટીએફના અધિકારીઓએ શનિવારે સાંજના ઘાટકોપરથી ઝડપી પાડેલા આરોપીની ઓળખ આદિલ નસરુલ્લા અન્સારી તરીકે થઇ હોઇ તે અયોધ્યા, થાના કોતવાલી નગર ખાતે અસ્ફાકઉલ્લા કોલોનીમાં રહેતો હતો. છેલ્લા કેટલાક દિવસથી વોન્ટેડ અને માથે ઇનામ ધરાવતા આરોપીઓ ફરી સક્રિય થઇને ગુનાઓ આચરી રહ્યા હોવાની માહિતી પોલીસને મળી રહી હતી. આથી આવા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. દરમિયાન ફરાર આદિલ અન્સારી મુંબઇના ઘાટકોપરમાં નામ બદલીને રહેતો હોવાની માહિતી મળતાં એસટીએફના અધિકારીઓ તેને પકડવા માટે મુંબઈ આવ્યા હતા અને ઘાટકોપરથી તેને શોધી કાઢ્યો હતો.

આદિલ અન્સારીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે 2020માં મોનુ નામના યુવકના સંપર્કમાં આવ્યો હતો. મોનુએ ઓછા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચ આપી તેને ગેન્ગમાં સામેલ કરી લીધો હતો. બાદમાં બંને ચેનચોરીના ગુના આચરવા લાગ્યા હતા. મોનુ મોટરસાઇકલ ચલાવતો હતો અને તે નિર્જન સ્થળો પર મહિલાઓના ગળામાંની ચેન-મંગળસૂત્ર આંચકતા હતા. આ અંગે અનેક ફરિયાદો મળ્યા બાદ પોલીસે આરોપીઓને પકડવા કમર કસી હતી. પોલીસ આદિલના ઘર પર પણ નજર રાખી રહી હોવાથી તે મુંબઈ ભાગી છૂટ્યો હતો.