કોલકાતા: પશ્ચિમ બંગાળમાં સત્તામાંથી હાથ ધોયા બાદ પૂર્વ મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. 28 ઓગષ્ટના રોજ પશ્ચિમ બંગાળ તૃણમૂલ છાત્ર પરિષદ (WBTMCP) ના સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન કલકત્તા હાઈકોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ હેસ્ટિંગ્સ પોલીસ સ્ટેશનમાં મમતા બેનર્જી અને કાર્યક્રમના આયોજકો સામે FIR નોંધવામાં આવી છે. કેથેડ્રલ રોડ પર આયોજિત આ કાર્યક્રમમાં અદાલતના નિર્દેશોનો સરેઆમ ભંગ કરી ટ્રાફિક વ્યવસ્થા ખોરવી નાખવાનો ગંભીર આરોપ તેમના પર લાગ્યો છે.
પોલીસ ફરિયાદ અનુસાર, કાર્યક્રમ દરમિયાન તૃણમૂલ છાત્ર પરિષદના સમર્થકોએ સુરક્ષા માટે લગાવેલા બેરિકેડ્સ બળજબરીપૂર્વક તોડી નાખ્યા હતા અને ફરજ પરના પોલીસકર્મીઓ સાથે ધક્કામુક્કી કરી હતી. આ હંગામાને કારણે કેથેડ્રલ રોડ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. આ ઉપરાંત, આયોજકો પર હાઈકોર્ટ દ્વારા નક્કી કરાયેલી સમયમર્યાદા પૂરી થયા બાદ પણ કાર્યક્રમ ચાલુ રાખવાનો આરોપ છે. હેસ્ટિંગ્સ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની ગંભીર કલમો ગુનાહિત કાવતરું, આદેશની અવગણના, અન્યના જીવને જોખમમાં મૂકવું, સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ અને હુમલો તથા જાહેર માર્ગમાં અવરોધ હેઠળ કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોલકાતા હાઈકોર્ટે આ સભા રોડની એક તરફ યોજવા અને બાજુની લેનમાંથી વાહનોની અવરજવર ચાલુ રાખવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો. જોકે, ભારે ભીડને કારણે ટ્રાફિક જામ થતાં મમતા બેનર્જીએ પોતાનું ભાષણ અધવચ્ચે રોકીને સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પોલીસની કથિત નબળી વ્યવસ્થા પર નારાજગી વ્યક્ત કરતાં આક્ષેપ કર્યો હતો કે આ તેમના કાર્યક્રમને ખોરવી નાખવાનું એક મોટું કાવતરું છે. અદાલતના આદેશ મુજબ, સત્તાવાર જૂથ કેથેડ્રલ રોડ પર અને ઋતબ્રત બેનર્જીના બળવાખોર જૂથે એસ્પ્લેનેડના રાણી રાશમોની એવન્યુ પર કાર્યક્રમ યોજ્યો હતો, જ્યારે કોઈને મેયો રોડ પર સભાની મંજૂરી અપાઈ ન હતી.
આ સભાને સંબોધતા મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ભાજપે બંગાળની સત્તા ચોરી છુપીથી કબજે કરી છે, પરંતુ ટૂંક સમયમાં જ બંગાળમાં નવો બદલાવ આવશે અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ફરીથી સત્તામાં વાપસી કરશે. ભાજપ પર બાહુબળ અને અરાજકતા ફેલાવવાનો સીધો આરોપ લગાવતા તેમણે પડકાર ફેંક્યો હતો કે, "મને બહાર નીકળતા રોકવાની વાતો કરનારાઓમાં કેટલી હિંમત છે તે હું જોવા માંગુ છું, બધું માત્ર બાહુબળથી ન ચલાવી શકાય."