Thu Aug 20 2026

Logo

ક્લોઝ અપ: વિરોધની દુનિયા... દુનિયાભરના વિવિધ વિરોધ

2026-08-02 10:36:00
Author: Bharat Ghelani
Article Image

 

 

 

શાંત લાગતો પ્રતિકાર કેવો તેજાબી હોય શકે છે એનું પ્રત્યક્ષ દૃષ્ટાંત હમણાં આપણને જોવા જાણવા મળ્યું. દેશની યુવા શક્તિએ સશક્ત ગણાતી સરકારને ઝુકાવી દીધી. એમાં જનરેશન ઝીની એક નવા જ પ્રકારની ઊર્જા જોવા મળી... અહીં આપણે જાણીએ આ વિરોધની ખાસિયત તથા આવા અનેકવિધ વિરોધ-પ્રતિકાર વિશે...

 

- ભરત ઘેલાણી

 

 પાટનગરમાં કિસાનોનું ટ્રેક્ટર આંદોલન, નવી પેઢીનો પડકાર

 

આ શબ્દમાં જ એક વિશેષ પ્રકારનું આકર્ષણ છે. એ સાંભળતા- વાંચતાં  જ જિજ્ઞાસા જાગે. આપણી ઈચ્છા -મરજી ન હોય કે જેની સાથે સહમત નથી એ વાત સામે આવે ત્યારે આપણે જે પ્રતિક્રિયા વ્યકત કરીએ એનું નામ વિરોધ. વિરોધ એ માનવીની જન્મજાત વૃત્તિ -પ્રવૃત્તિ છે. જન્મતાંની સાથે જ રડવું એ વિરોધ દર્શાવાનો શિશુનો પહેલો પ્રયાસ છે... માતાની આરામદાયક કૂખમાંથી નવી દુનિયામાં પ્રવેશવા સામેની એ કદાચ અસહમતિ હોય શકે..!

 

હમણાં 25 જુલાઈના જ કેન્દ્ર સરકાર સામે આક્રોશભેર વિરોધે ચઢેલી જનરેશન ઝીએ એની મુખ્ય ત્રણ માંગણી મનાવી લઈને એનું 37 દિવસનું આંદોલન ગજબની કુનેહ સાથે આટોપી લીધું. કેન્દ્ર સરકારની વાહિયાત શિક્ષણ નીતિ -રીતિ સામે ‘યુદ્ધે’ ચઢેલા ત્યારે મોટાભાગના લોકો માનતા હતા કે આ એક રાબેતા મુજબનો વિરોધ છે. ગયા વર્ષે નેપાળ, બાંગ્લા દેશમાં આવાં આંદોલન થયા પછી રાજકારણના નિષ્ણાતો કહેતા હતા આ પ્રકારનો કોઈ પ્રતિકાર કંઈ આપણી જનરેશન ઝી ન કરે... પણ એ બધા ભોઠા પડી જાય એ હદે ખોટા ઠર્યા કે ભારતીય જનરેશન ઝીનો એક નવો ચહેરો અને નવો મિજાજ દુનિયાને જોવા મળ્યો...

 

આ 37 દિવસના આંદોલનમાં શું શું થયું એની વિગતોમાં આપણે ન પડીએ,પણ એક વાત ચોક્કસ હતી કે આજની આ પેઢીએ એમની તાસીર મુજબ જ એમના હમસફરને આ ‘યુદ્ધ’માં સામેલ કરી લીધા એમાં સચોટ સ્લોગન્સ સૂત્રોનો- મીમ્સનો સોશ્યલ મીડિયા પર બહુ બે-ખૂબીથી ઉપયોગ કરી જાણ્યો છે. ‘ઈન્કલાબ ઝિન્દાબાદ’ જેવાં વર્ષો જૂના પરિચિચ સૂત્રથી લઈને આજના યુવાનોને પોતીકાં લાગે મનમાં વસી જાય એવાં સ્માર્ટ સચોટ વાક્યો (‘તુમારે અચ્છે દિન વાપસ લો... હમારે બૂરે દિન વાપસ દો !’ ) નો પણ અહીં ઉપયોગ થયો છે.

એમનાં સૂત્રો ટૂંકાટચ અને સચોટ હતાં. સોશ્યલ મીડિયા પર એમની મીમ્સ અને રીલ્સ પણ એવી જ રહી. શબ્દો અને સમય કયાંય વેડફ્યા વિના યુવા શક્તિએ એમની ‘મન કી બાત’ કહી દીધી...ના, સંભળાવી દીધી !

 

જ્યારે પણ તમારી વાત શાસક કે આમ પ્રજા સમક્ષ મૂકો એમાં  કંઈક નવીનતા હોય તો જ એ બધાનું ધ્યાન ખેંચે. અત્યારનું આ આંદોલન એના પ્રથમ તબક્કામાં સફળ નીવડ્યું છે. કેટલું સફળ રહ્યું તો એ સમય જ કહેશે.

 

 જોકે આવું જ દેશ આખાનું ધ્યાન દોરે એવું એક આંદોલન આજથી પાંચ વર્ષ પહેલાં થયું હતું. 2020-21માં ભારતભરના ખેડૂતોએ પાટનગરમાં પોતાનો વિરોધ સાવ અલગ રીતે દર્શાવ્યો હતો.

 

વિશાળ ટ્રેકટર માર્ચ દ્વારા વિરોધ પ્રગટ કરવાના એમનો વિચાર બધાને વિસ્મય પમાડી ગયો હતો. દૂર દૂરનાં સ્થળોથી પાટનગરના રાજમાર્ગ પર અંદાજિત 15 હજાર ટ્રેકટર્સ ખડકીને ખેડૂતોએ સત્તાવાળાને પરેશાનની પરાકાષ્ઠાએ પહોંચાડી દીધા હતા !

 

આપણે ત્યાં એ પ્રકારનો પહેલો વિરોધ હતો. જો કે, આપણી પહેલાં પણ નેધરલેન્ડમાં આ પ્રકારની ટ્રેકટર માર્ચ દ્વારા વિરોધ થઈ ચૂકયો છે. ‘દેશમાં વધતા જતા પ્રદૂષણ માટે ખેડૂતો જવાબદાર છે.’

 

એવો ત્યાંની સરકારે આક્ષેપ કર્યો એમાં ખેડૂતો બગડયા. એમણે એનાં વિરોધમાં દેશભરમાંથી 10 હજાર ટ્રેકટર સાથે હેગ સિટી તરફ પ્રયાણ કરીને 998 કિલોમીટરના માર્ગ- હાઈ-વે એવા જામ કરી નાખ્યા કે સરકાર તોબા પોકારી ગઈ ને ખેડૂતો સામેના આક્ષેપો પાછા ખેંચીને સમાધાન કરવું પડ્યું.

 

આવો જ ટ્રેકટર મોરચો ફ્રાન્સ તેમ જ અમેરિકામાં સફળતાપૂર્વક યોજાયો હતો. વોશિંગ્ટનની એ ટ્રેકટર-રેલીથી ત્યાંના સત્તાવાળા એવા ઊંઘતા ઝડપાયા કે રેડ પાડવી- છાપો મારવો પરથી ‘ટ્રેકટર-રેડ્સ’ શબ્દ ત્યાંની રોજિંદી બોલીમાં ઉમેરાઈ ગયો..!

 

આમ જાતભાતની ચળવળ અને વિરોધી પ્રદર્શનને કારણે અનેક સરકાર કે સત્તાવાળા મુસીબતમાં મુકાતા આવ્યા છે. અલબત્ત, આવી બધી ચળવળ પાછળ મોટેભાગે વિદ્યાર્થી અને યુવાનો જ આગળ હોય છે.

 

ઉદાહરણ તરીકે, દેશમાં ઊતરતું જતું શિક્ષણનું સ્તર ને મોઘું થતું ભણતર તરફ સરકારનું ધ્યાન દોરવા ચીલીના પાટનગર સેન્ટિયાગોમાં 100 જેટલાં સ્ટુડન્ટસે જાહેરમાં ‘ચુંબન મહોત્સવ’ યોજ્યો, જ્યાં એ લોકો ખુલ્લેઆમ એકમેકને કીસ કરતાં હતાં. આજુબાજુ પોસ્ટર્સ લગાડ્યાં કે ‘અહીં પ્રેમ ફ્રીમાં મળે છે ને ભણતર મોંઘું છે..!’

 

જાહેર સ્થળો પર આ પ્રકારના સતત પ્રદર્શનના પરિણામે સત્તાવાળાએ શિક્ષણ-લોનનું વ્યાજ તાબડતોબ ઘટાડી દીધું..!

 

આ જ રીતે કેનેડાની કોલેજોમાં વધતી જતી ફી સામે વિરોધ દર્શાવવા ત્યાંના કૂયુબેક- મોનટ્રિયલ- ટોરેન્ટોમાં આશરે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓએ અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન શરૂ કર્યું. માત્ર જાંગિયાભેરની આ ચળવળ ત્રણેક મહિના ચલાવી ને આખરે ફીમાં ધરખમ ઘટાડો કરીને સત્તાવાળા એમની વાત માનવી પડી.

 

આમ જુવો તો આ પ્રકારના અર્ધ કે પૂર્ણ નગ્ન અવસ્થા કે જાહેરમાં સમૂહ ચુંબન દ્વારા થતાં વિરોધ કે પ્રદર્શનની તાત્કાલિક ચર્ચા જરૂર થાય, પણ હવે એ બહુ સહજ થઈ ગયા છે. એમાં નવીનતા રહી નથી. તમારા વિરોધને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવો હોય એની વાત - ચર્ચા સાગમટે કરે એ માટે વિશાળ જનસમુદાયના સરઘસ-મોરચા જરૂરી છે ને એમાંય કશુંક નવું તત્ત્વ-નાવીન્ય હોવું જરૂરી છે.

 

એક ઉદાહરણ લઈએ થોડાં વર્ષ અગાઉ ‘વેલેન્ટાઈન ફેસ્ટિવલ’ વખતે મેંગ્લોરના એક પબમાં બિયર પીતી કેટલીક યુવતી પર ‘શ્રી રામ સેના’ નામના એક સ્થાનિક ગ્રુપના અમુક યુવકોએ ‘આ ભારતીય નારીની સંસ્કૃતિ નથી’ એવું કહીને ફટકારી. બસ,પછી તો નિશા સુસાન નામની એક મહિલા પત્રકાર એવી વિફરી કે બીજી મહિલાઓને એકઠી કરીને પેલા યુવાનોને પાઠ ભણાવવા એમની સંસ્થા પર પિન્ક નીકર-ગુલાબી ચડ્ડીઓનો ઢગલો કર્યો એમની આ અનોખી ચળવળને દેશભરમાં એવો જબરો પ્રતિસાદ મળ્યો કે ગણતરીના દિવસોમાં જ 50 હજારથી વધુ ગંદી ગુલાબી નીકર પેલાઓ પર વરસી..! આ ઘટના પછી પબ કે બારમાં જતી કોઈ યુવતી-મહિલાને કોઈ કનડતું નથી! 

 

જોકે, આ બધા વચ્ચે આપણે એ સદા યાદ રાખવું જોઈએ કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સત્તાને કઈ કઈ રીતે હંફાવી ને સ્વતંત્રતા મેળવવી અને એ પણ તદન અહિંસક રીતે એના આપણને કેવા અદ્ભુત પાઠ શીખવ્યા છે : ધરના- ભૂખ હડતાલ-સવિનય અસહકાર અનાદર, વિગેરે. એમની આ નીતિ- રીતિ અનેક દેશને એમની આઝાદી માટે કેવી ઉપકારક નીવડી એ આપણે જાણીએ છીએ.

 

અગાઉ ભૂમિપુત્રોની ટ્રેક્ટર ચળવળ-વિરોધ સામે સરકાર એમનાં ટ્રેકટર પાટનગરમાં ન પ્રવેશી જાય એ માટે કાંટાળી વાડ-સિમેન્ટનાં અવધોરક અને લોખંડના ખિલ્લાં જમીનમાં જડી દીધા છે ત્યારે એ ખિલ્લાંને ખસેડીને આપણા જગતના તાતે ત્યાં પુષ્પોના છોડ વાવ્યાં છે.

 

આ પણ એક ગાંધીગીરી જ છે..!