દેવલ શાસ્ત્રી
તમારી પાસે તમામ પ્રકારનું સુખ છે. તમારો સ્વભાવ પણ એવો નથી કે કોઈના સુખની તમને ઈર્ષા થતી હોય. અનેક સારા ગુણો હોવા છતાં એ માણસ સુખી દેખાતો નથી. આપણે વિચારીએ કે ભગવાનની દયાથી તે બધા સુખ અને સગવડો ભોગવી રહ્યો હોવા છતાં તેના ચહેરા પર ખુશીઓ દેખાતી કેમ નથી?
કુદરતની બનાવેલી આ દુનિયામાં ભાત ભાત કે લોગ જેવી સ્થિતિ છે. માણસ પાસે બધું જ હોવા છતાં એક સમસ્યા મૂંઝવતી હોય છે. સુખની ક્ષણમાં પણ તેના મનમાંથી અવાજ આવતો હોય છે કે, આટલું જ? મારી લાયકાત મુજબ મને વધુ મળવું જોઈએ હતું. એને બીજાને સુખ સામે વાંધો નથી પણ પોતાના સુખ બનાવેલા માપદંડ સામે તકલીફ છે.
માણસ સુખ કે દુ:ખની સ્થિતિમાં એક જ વિચારથી પીડિત છે, મારામાં ઘણી લાયકાત હોવા છતાં મારી સાથે જ હંમેશાં અન્યાય કેમ થાય છે? આ લાગણીને આપણે અવિરત ચાલતી અન્યાયની મનોદશા કહીએ છીએ. તે એટલી તીવ્ર અને વ્યાપક હોય છે કે તે સુખની ક્ષણોને પણ ઝેરી બનાવી દે છે અને દુ:ખને પસંદ કરતો થઇ જાય છે. તેને સુખ કરતા દુ:ખમાં રહેવું ગમવા લાગે છે (ફિલ્મના પરદે જાણે સદાય દુ:ખી રહેતી મીનાકુમારી !), માણસને સતત અન્યાય થઇ રહ્યો છે એવી ગુનાહિત લાગણીઓ પસંદ પડે છે.
પ્રશ્ન એ થાય કે માણસને સુખમાં પણ દુ:ખી થવું કેમ ગમે છે? માણસનું મગજ ભગવાને એવી રીતે ઘડ્યું છે કે સુખનો પ્રસંગ ઝટ દઈને યાદ નહીં રહે, પણ દુ:ખની નાનકડી ઘટના દાયકાઓ સુધી યાદ રહે છે. નકારાત્મક અનુભવોને યાદ રાખવા માટે આપણા મગજની રચના થઇ હોય એવું લાગે છે. આ સમસ્યાને ‘નેગેટિવિટી બાયસ’ કહેવામાં આવે છે. માણસનું મગજ સુખની ક્ષણોને સામાન્ય માને છે, પણ જરા સરખા અન્યાય અથવા કોઈ નાનકડો ઠપકો આપ્યો હશે એને પોતાના વ્યક્તિત્વ પરનો મોટો હુમલો ગણવા લાગે છે.
હજારો વર્ષ પહેલા માણસજાતનો વિકાસ થઇ રહ્યો હતો ત્યારે તે ભૂતકાળના અનુભવોમાંથી શીખતો હતો. પરિણામે આપણા મગજનું ઘડતર પણ એ રીતે થયું છે. આધુનિક યુગમાં નકારાત્મક અનુભવ યાદ રાખવા માટે તેનું સર્જન થયું હોય એવું વર્તન કરે છે.
નોકરીમાં તેના પરફોર્મન્સના વખાણ થાય અથવા પરિવારમાં કોઈ મહિલાના કામના વખાણ થાય એટલે થોડીવાર માટે તે ખુશ થાય. થોડા સમયમાં નકારાત્મક લાગણીઓ હાવી થવા લાગે છે. તરત જ વિચારવા લાગે કે વખાણ કર્યા પછી પણ નોકરીમાં પ્રમોશન મળ્યું નથી તો એ વખાણને શું કરવાના? ઘરમાં પણ મહિલાઓ આ જ રીતે વિચારીને દુ:ખી થાય છે.
પોતાને જ અન્યાય થાય છે એ ભાવના પાછળ એક મનોવૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર છે. ‘જસ્ટ વર્લ્ડ હાઇપોથેસિસ’ નામનો સામાજિક સિદ્ધાંત મનોવિજ્ઞાની મેલ્વિન લર્નરે 1960ના દાયકામાં આપ્યો. એ મુજબ આપણે અંદરથી માનીએ છીએ કે વિશ્વ ન્યાયી છે અને દરેકને તેના કર્મ પ્રમાણે ફળ મળે છે. જ્યારે હકીકતમાં એવું જોવા મળતું નથી ત્યારે મગજ અન્યાયની લાગણીથી ઊભરાઈ જાય છે.
એક અભ્યાસ મુજબ આત્મહત્યાના જોખમમાં પણ અન્યાયની લાગણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અન્યાયની લાગણી જેના મનમાં વધુ હોય તે વ્યક્તિઓમાં ડિપ્રેશન, એંગર અને સુસાઇડલ વિચારો વધુ હોય છે. છેલ્લા દાયકામાં થયેલા વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ અન્યાયની લાગણી અને ડિપ્રેશન વચ્ચે મજબૂત સંબંધ છે. કેન્સરના દર્દીઓમાં 88 ટકા લોકોમાં અન્યાયની લાગણી અને 51 ટકામાં ડિપ્રેશન જોવા મળ્યું છે.
વ્યક્તિ સફળ થાય તો અલગ વાત છે , પણ નિષ્ફળ નીવડે તો બધી જ હદ પસાર કરી દે છે. તેને લાગે છે કે જીવનમાં નિષ્ફળતા મારી સાથે જ કેમ? આ લાગણી કોઈ એક વ્યક્તિની નથી, આ લાગણીઓ સાર્વત્રિક છે. ધનિક હોય કે ગરીબ, શિક્ષિત હોય કે અશિક્ષિત, યુવાન હોય કે વૃદ્ધ સહિત દરેકને ક્યારેક અકારણ અન્યાયની પીડા અનુભવાય છે. આ પીડાનું મૂળ આપણા મનની રચનામાં છે. મન વાસ્તવિકતાને જેમ છે તેમ સ્વીકારવાને બદલે તેને પોતાની અપેક્ષાઓના ફિલ્ટરમાંથી દરેક ઘટનાઓને પસાર કરે છે.
ભગવદ ગીતામાં મનના ભાવ પર ઘણો પ્રકાશ પાડ્યો છે.
મૂળ વાત છે, માણસ અપેક્ષાઓ સાથે જીવે છે. તે માને છે કે જો હું સારું વર્તન કરું તો મારું સારું જ થવું જોઈએ. જ્યારે વાસ્તવિકતામાં એવું કંઈ થતું નથી. એ સમયે તેના મનમાં અન્યાયની લાગણી જન્મે છે.
એનો અર્થ એ થયો કે અન્યાયની લાગણીને પૂરેપૂરી દૂર કરવી શક્ય નથી કારણ કે તે મનુષ્ય સ્વભાવનું એક અંગ છે, પરંતુ તીવ્રતા ઘટાડીને તેની અસરમાંથી મુક્ત થઇ શકાય. જે પરિસ્થિતિ છે એનો સ્વીકાર કરવાની માણસે પ્રેક્ટિસ કરવી જોઈએ.
ડિજિટલ યુગમાં માણસ માફ કરવાનો પ્રોસેસ ભૂલવા લાગ્યો છે. એકાદ સેવાભાવી સંસ્થા માટે કામ કરીએ તો ખબર પડે કે દુનિયામાં કેટલાં બધાં દુ:ખો છે, એની સામે હું ઘણો સુખી છું એ ભાવના આપોઆપ કેળવાવા લાગશે. સૌથી સરસ ઉપાય છે કે દરરોજ સવારે અને સાંજે ત્રણ વસ્તુઓ લખવી જેની આપણે કૃતજ્ઞ છીએ. આ પ્રેક્ટિસ મગજને નકારાત્મક વિચારોથી હકારાત્મક તરફ વાળી દે છે.
મનમાં અન્યાયની લાગણી ઊઠે ત્યારે સ્વયંને ત્રણ પ્રશ્ન પૂછવા જોઈએ. જેમાં પહેલો પ્રશ્ર્ન છે કે શું આ ખરેખર અન્યાય છે કે મારી અપેક્ષા વધારે છે? બીજો પ્રશ્ન : મારા સ્થાને કોઈ અન્ય હોત તો શું તેને પણ આવું જ લાગત? અને અંતે ત્રીજો પ્રશ્ર્ન : આ સ્થિતિમાં હું શું કરી શકું છું? આ પ્રશ્નોના જવાબમાં ઘણી સમસ્યાઓના નિરાકરણ છુપાયેલા છે.
ધ એન્ડ :
જ્યાં સુધી કિનારાઓ તરફ જોવાનું બંધ નહીં કરો ત્યાં સુધી નવી ક્ષિતિજ તરફ ક્યારેય તરી શકશો નહીં. (વિલિયમ ફોલ્કનર)