Fri May 01 2026

Logo

ભાજપે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા કયા દિગ્ગજ નેતાને સોંપી જવાબદારી?

2026-03-30 09:52:00
Author: MayurKumar Patel
Article Image

 

અમદાવાદઃ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાનના કારણે ખાલી પડેલી વિધાનસભા બેઠક પર કેન્દ્રીય ચૂંટણી પંચે થોડા દિવસ પહેલા પેટા ચૂંટણીની જાહેરાત કરી હતી. આ જાહેરાત અનુસાર આજે એટલે કે 30 મી માર્ચ, 2026 ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ગુજરાત ભાજપે ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે પૂર્વ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની નિરીક્ષક (ગાર્ડિયન) તરીકે અને હસમુખ પટેલ (આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ)ની ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરી હતી.

23 એપ્રિલે મતદાન થશે

ઉમેરઠ વિધાનસભા સીટની પેટા ચૂંટણી માટે તા.6  એપ્રિલ,  સુધીમાં ઉમેદવારી પત્રક ભરી શકાશે. 7 એપ્રિલે  ઉમેદવારી પત્રકોની ચકાસણી થશે. 9 એપ્રિલે સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. 23 એપ્રિલે મતદાન યોજાશે અને 4થી મેના રોજ પરિણામની જાહેરાત કરવામાં આવશે.  

2.42 લાખથી વધુ મતદારો લેશે ભાગ

ઉમરેઠ પેટા ચૂંટણીમાં 2.42 લાખથી વધુ મતદારો ચૂંટણીમાં ભાગ લેશે. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી જે.એસ,પટેલની નિમણૂક કરાઈ છે અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ઉમરેઠના મામલતદાર એન.પી.પારેખ અને આણંદ ગ્રામ્ય મામલતદાર વી.કે.ગોહિલની મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત 19 નોડલ અધિકારીઓ પણ નિમાયા છે.

ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમરેઠ અને આણંદ મળીને કુલ બે તાલુકાની કુલ 49 ગ્રામ પંચાયત અને ત્રણ નગરપાલિકાનો સમાવેશ થાય છે.