Thu Jun 11 2026

Logo

મણિપુર હિંસા વધુ ઉગ્ર બની! 28 દિવસથી ગુમ 6 નાગા પુરુષોના મૃતદેહ મળ્યા, જાણો શું છે સમગ્ર મામલો

2026-06-10 22:37:55
Author: Vimal Prajapati
Article Image

IANS


કાંગપોકપીઃ મણિપુરમાં ચાલી રહેલા વંશીય તણાવ વચ્ચે એક ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કાંગપોકપી જિલ્લાના નાગા ગામ કોંસખુલમાંથી છેલ્લા 28 દિવસથી ગુમ થયેલા છ નાગા પુરુષોના મૃતદેહ આજે બપોરે સુરક્ષાદળોએ રિકવર કર્યા છે. પોલીસને આશંકા છે કે, આ એ જ લોકો છે જેમનું ગત 13 મેના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટના એવા સમયે પ્રકાશમાં આવી છે જ્યારે તેના એક જ દિવસ પહેલા નાગા જૂથોએ સેનાપતિ જિલ્લામાં બંધક બનાવેલા 14 કુકી પુરુષોને માનવતાના ધોરણે મુક્ત કર્યા હતા. નાગા સંગઠનો સતત માંગ કરી રહ્યા હતા કે તેમના સમુદાયના ગુમ થયેલા 6 લોકોને શોધીને પરત સોંપવામાં આવે!

સુરક્ષાદળોનું 24 કલાકનું મહા સર્ચ ઓપરેશન

મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર, આ મૃતદેહોને શોધવા માટે એક મોટું જોઈન્ટ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જેમાં મણિપુર પોલીસ, સીઆરપીએફ અને આસામ રાઇફલ્સના આશરે 450 જેટલા જવાનો સામેલ હતા. આ ટીમને મદદ કરવા માટે સ્નિફર ડોગ્સ અને ફોરેન્સિક નિષ્ણાતોની વિશેષ ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી. સતત 24 કલાક સુધી ચાલેલા આ સઘન સર્ચ ઓપરેશન બાદ બુધવારે બપોરે તમામ છ શબો મળી આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ એવું માનવામાં આવે છે કે, મૃતકો એ જ લોકો છે જેમને 13 મેના રોજ લેઇલોન વાઇફેઇ વિસ્તારમાંથી બંધક બનાવવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા જરૂરી કાનૂની પ્રક્રિયાઓ અને ફોરેન્સિક તપાસ ચાલી રહી છે.. એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર, આ મૃતદેહો લેઇલોન વાઇફેઇ અને ખરામ વાઇફેઇ વચ્ચેના એક જંગલી વિસ્તારમાંથી મળી આવ્યા છે. આ સ્થળ એ જ જગ્યાની નજીક છે જ્યાંથી 13 મેના રોજ મોટી સંખ્યામાં લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું.

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ‘થાડૌ બેપ્ટિસ્ટ એસોસિએશન’ના ત્રણ ચર્ચ નેતાઓની ઘાતકી હત્યા બાદ આ બંને સમુદાયો વચ્ચે હિંસા અને પરસ્પર અવિશ્વાસની ભાવના ખૂબ વધી ગઈ હતી. કુકી જૂથોનો આરોપ હતો કે આ હુમલા પાછળ નાગા સશસ્ત્ર સંગઠનોનો હાથ હતો. જેના વળતા પ્રહાર રૂપે લગ્ન પ્રસંગમાંથી પાછા ફરી રહેલા કેટલાક નાગા ગ્રામીણોનું અપહરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ ગુમ થયેલા છ નાગા પુરુષોની મનુ થિઉમાઈ (ગોવાળ), કેનપિબૂ (ગોવાળ), દિલીપ થિઉમાઈ, ફેન્રિલુંગબૂ, કાલીવાંગબૂ અને ફેનરોંગવિબૂ તરીકે ઓળખ થઈ છે. આ અપહરણના વિરોધમાં નાગા જૂથોએ પણ સેનાપતિ જિલ્લામાંથી કુકી જનજાતિના બે ડઝનથી વધુ લોકોને બંધક બનાવી લીધા હતા.

બંધક સંકટ અને સોદાબાજીનો કરુણ અંત

આ વિવાદને ઉકેલવા માટે 15 મેના રોજ બંને પક્ષો વચ્ચે મધ્યસ્થતા થઈ હતી, જેમાં બંને તરફથી 14-14 બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, નાગા જૂથોએ બાકીના 14 કુકી લોકોને પોતાની કસ્ટડીમાં રાખ્યા હતા અને માંગ કરી હતી કે જ્યાં સુધી તેમના 6 નાગા પુરુષો મુક્ત નહીં થાય ત્યાં સુધી તેઓ બાકીના લોકોને નહીં છોડે. બીજી તરફ, કુકી સંગઠનોનો દાવો હતો કે તેમણે પોતાના તમામ બંધકોને છોડી દીધા છે અને તેમને આ 6 નાગા પુરુષો ક્યાં છે તેની કોઈ માહિતી નથી. કેન્દ્ર સરકાર અને ચર્ચ સંગઠનોના હસ્તક્ષેપ બાદ આ મડાગાંઠ અટકાવવા માટે મંગળવારે નાગા જૂથોએ બાકીના 14 કુકી પુરુષોને મુક્ત કરીને કાંગપોકપીના તાફૌ ગામમાં વહીવટીતંત્રને સોંપ્યા હતા. પરંતુ તેના બીજા જ દિવસે આ 6 નાગા પુરુષોના મૃતદેહ મળતાં સમગ્ર વિસ્તારમાં ફરી એકવાર તણાવ અને શોકનું મોજું ફરી વળ્યું છે. સુરક્ષા એજન્સીઓ હાલ એલર્ટ પર છે જેથી સ્થિતિ વધુ ન વણસે.