Thu Jun 11 2026

Logo

ટીએમસીમાં બળવા વચ્ચે મહુઆ મોઇત્રાએ કહ્યું,  હું સુવેન્દુ અધિકારીનું સન્માન કરું છું

2026-06-10 22:49:38
Author: Chandrakant Kanoja
Article Image

કોલકાતા : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ મમતા બેનર્જીની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં ધારાસભ્યોના બળવો બાદ હવે સાંસદોએ પણ અલગ જૂથ બનાવ્યું છે. આ દરમિયાન હવે મમતા બેનર્જીની નજીકના ગણાતા સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું છે કે હું  સીએમ સુવેન્દુ અધિકારીનું સન્માન કરું છું. તેમની સાથે મારે  ખૂબ જ સારો વ્યક્તિગત સંબંધ છું. જોકે, તેમણે પાર્ટી છોડી ત્યારથી મારો તેમની સાથે કોઈ સંપર્ક નથી.આ વાત તેમણે એક મીડિયા સાથેની મુલાકાતમાં કહી હતી. 

મહુઆ મોઇત્રાએ કહ્યું લોકો સ્વતંત્ર છે 

મહુઆ મોઇત્રાએ સુષ્મિતા દેવે પાર્ટીમાંથી રાજીનામાં આપવા અંગે  પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, લોકો સ્વતંત્ર છે; આ એક આઝાદ દેશ છે. તે કોંગ્રેસ સાથે હતા અને તે કોંગ્રેસ છોડીને અમારી સાથે જોડાયા હતા. અમે તેમને ફક્ત એક વાર નહીં  પરંતુ બે વાર રાજ્યસભાની બેઠક આપી  કારણ ગમે તે હોય તેમણે જ જવાબ આપવો પડશે કે તેઓ કેમ ગયા. હું તેમના કાર્યો માટે જવાબદાર નથી. અમારી પાસે 13 રાજ્યસભા સાંસદો છે. તેમાંથી સુખેન્દુ શેખર રોયે રાજીનામું આપ્યું છે અને હવે સુષ્મિતા દેવે પણ રાજીનામું આપી દીધું છે. 

મહુઆ મોઇત્રાએ કહ્યું પક્ષમાં શુદ્ધિકરણ પ્રક્રિયા 

મહુઆ મોઇત્રાએ જણાવ્યું કે, કેટલાક કિસ્સામાં અમે  ખરેખર ખુશ છીએ કારણ કે 'શુદ્ધિકરણ' પ્રક્રિયા  ચાલી રહી છે.  કુશળતા અને નેતૃત્વના ગુણો હોવા છતાં મમતા દીદી ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છે જે લોકો સાથે મજબૂત સંબંધો બનાવે છે અને લાંબા ગાળે વફાદાર રહે છે. તેનાથી વિપરીત ભાજપ સંપૂર્ણ નિર્દયતાથી કાર્ય કરે છે.લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને સુષ્મા સ્વરાજ જેવા વ્યક્તિઓને સંપૂર્ણપણે બાજુ પર રાખવામાં આવ્યા હતા. 

ટીએમસી છોડનારા 19 સાંસદોની એક યાદી પ્રકાશમાં આવી 

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ  બંગાળમાં કારમી હાર બાદ મમતા બેનર્જીની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં તેમની પાર્ટી ટીએમસીમાં આંતરિક બળવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ટીએમસી છોડનારા 19 સાંસદોની એક યાદી પ્રકાશમાં આવી છે. જેમાં શત્રુઘ્ન સિંહા અને યુસુફ પઠાણ જેવા અગ્રણી નામો પણ છે. આ સાંસદોએ અલગ સંસદીય જૂથ બનાવવા માટે ના સમર્થનમાં સહી કરી છે. જેના પગલે  પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયું છે. જોકે, આ સંદર્ભે પક્ષ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

વધુ જુઓ...