Thu Apr 30 2026

Logo

ભાત ભાત કે લોગઃ પોચિંગ પેરેડાઈઝ વચ્ચેથી થઈ રહી છે દુર્લભ ગેન્ડાઓની ઘરવાપસી

2026-03-28 09:34:00
Author: Jashwant Pandya
Article Image

 

જ્વલંત નાયક

ચારે તરફ યુદ્ધ, અછત અને ઊર્જા સંકટની વાતો ચાલી રહી છે. બીજી તરફ ભારતમાં મધ્યમવર્ગથી માંડીને મહિને કરોડોનો ઊથલો કરનારા લોકોને માર્ચ એન્ડિંગની ચિંતા સતાવી રહી છે. અને ત્રીજી તરફ હજી એપ્રિલ શરૂ નથી થયો એ પહેલા જ માથાફાડ ગરમી શરૂ થઇ ગઈ છે. આવા વાતાવરણમાં કોઈ બીજા-ત્રીજા વિષયની લપમાં પડવાને બદલે મનને ટાઢક આપે એવા વિષય પર વાત કરવી જોઈએ. નસીબજોગે એવી એક ઘટના બની ય ખરી, પણ બીજા ભારેખમ સમાચારો વચ્ચે મીડિયામાં એની બહુ ચર્ચા ન થઇ. આ ઘટના એટલે યુગાન્ડાના એક નેશનલ પાર્કમાં સવા ચાર દાયકા બાદ થયેલી ગેન્ડાની ઘરવાપસી.

આફ્રિકા ખંડની મધ્યમાં આવેલો દેશ યુગાન્ડા બાયોડાયવર્સિટીથી સમૃદ્ધ છે. અહીં 10 જેટલા નેશનલ પાર્ક્સ - એટલે કે અભયારણ્યો છે. આ નેશનલ પાર્ક્સના સુચા સંચાલન અને યુગાન્ડા સરકારની નીતિઓને પ્રતાપે વીતેલા થોડા દાયકાઓ દરમિયાન વન્યજીવોની કેટલીક પ્રજાતિઓની વસતિ વધી છે, પરંતુ કેટલીક હજુ પણ જોખમમાં છે.

વન્યજીવોના નિકંદન પાછળ માનવવસાહત સાથેનો સંઘર્ષ અને ઇકો સિસ્ટમમાં ઊભી થતી ગરબડ તો જવાબદાર હોવા ઉપરાંત પોચિંગ પણ બહુ મોટો ભાગ ભજવે છે. આ પોચિંગ વિશે જાણતા પહેલા યુગાન્ડાની થોડી પ્રાથમિક જાણકારી મેળવવી જોઈએ.

માઉન્ટેન ગોરીલા તરીકે ઓળખાતી વાંદરાઓની પ્રજાતિને નષ્ટપ્રાય: સજીવોની યાદીમાં મૂકવામાં આવેલી. વિશ્વમાં માઉન્ટ ગોરીલાની કુલ સંખ્યાના અડધોઅડધ ગોરીલા યુગાન્ડાનાં જંગલોમાં જોવા મળે છે. 2018માં અહીં માત્ર એકાદ હજાર ગોરીલા બચેલા, પણ અત્યારે એમની વસતિ ખાસ્સી એવી વધી છે. 2026માં ફરીથી ગોરીલાઓની વસતિ ગણતરી થવાની છે. વિજ્ઞાનીઓને આશા છે કે આવનારાં થોડાં વર્ષોમાં માઉન્ટેન ગોરીલા નષ્ટપ્રાય: સજીવોની યાદીમાંથી હેમખેમ બહાર આવી જશે.

અહીં સિંહની સંખ્યા પણ સારી, પણ શિકાર થવાથી અને ઝેરી મારણ ખાવાથી સિંહ ઝડપથી ખતમ થઇ રહ્યા છે.

આફ્રિકા જેના માટે પ્રખ્યાત છે એ મદમસ્ત હાથીઓ અહીં પાંચેક હજાર જેટલી મોટી સંખ્યામાં છે. જો કે શિકારનું જોખમ તો એમના માથે ય તોળાતું રહે છે. અને આ બધા વચ્ચે અન્ય એક મોટું પ્રાણી એટલે ગેન્ડો. હાથીની માફક જ ગેન્ડા પણ આફ્રિકા ખંડની ઓળખ ગણાય, પણ હાથી અને ગેન્ડાને માથે પણ પેલા `પોચિંગ'નો મોટો ભય છે.

આ `પોચિંગ' એટલે શું? 

સરળ ભાષામાં કહીએ તો જ્યારે કોઈ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરીને જંગલી પ્રાણીઓને મારે, પકડે અથવા તેમના શરીરના અંગો મેળવવા માટે પ્રાણીઓને નુકસાન પહોંચાડે એને પોચિંગ કહે છે. 

પોચિંગના પાપે નિકંદન શા માટે?

ખાસ કરીને હાથીના દાંત, ગેન્ડાના શિંગડા અને વાઘના હાડકા બ્લેક માર્કેટમાં બહુ ઊંચા ભાવે વેચાય છે. આથી આ અંગ મેળવવા માટે પ્રાણીઓનો આડેધડ શિકાર કરવામાં આવે છે.1970-80ના દશકમાં યુગાન્ડા રાજકીય કટોકટી અને સામાજિક અનિશ્ચિતતાના માહોલમાં અટવાયેલું હતું. એ સમયે પોચિંગ બહુ જોરમાં ચાલ્યું. ત્યારે દેશમાં આશરે સાતસો જેટલા ગેન્ડા હતા. ઘાસ પર નભતા આ શાકાહારી ગેન્ડાઓ જંગલના મુક્ત વાતાવરણમાં ત્રણથી ચાર દાયકા જેટલું જીવન તો આરામથી જીવી નાખે. 

જો અભયારણ્યમાં પૂરતી દેખરેખ હેઠળ રાખવામાં આવે તો ઘણા ગેન્ડા અડધી સદી ય પાર કરી જાય. સામાન્ય રીતે આટલું લાંબું જીવન જીવી શકતાં પ્રાણીઓ બહુ ઝડપથી નષ્ટ નથી થઇ જતા, પરંતુ પોચિંગના પાપે 1983માં છેલ્લા ગેન્ડાનો ય શિકાર થઇ ગયો. ગેન્ડાનું શિંગડું પોચર્સને બહુ આકર્ષે છે. એવી વાયકા છે કે ગેન્ડાના શિંગડામાંથી અનેક પ્રકારની દવાઓ- એમાંય ખાસ કરીને જાતીય શક્તિ વધારતી દવા બને છે. જો કે એને કોઈ વૈજ્ઞાનિક આધાર સાંપડતો નથી, પણ આ વાયકાને કારણે ગેન્ડાનું શિંગડું બ્લેક માર્કેટમાં સોના સરીખા મોંઘા ભાવે વેચાય છે. આમાં ને આમાં યુગાન્ડામાંથી સધર્ન વ્હાઈટ રાયનો તરીકે ઓળખાતી પ્રજાતિનું સૌથી મોટા પ્રમાણમાં નિકંદન નીકળી ગયું!

આખરે ગેન્ડાની ઘરવાપસી...

આવા માહોલ વચ્ચે મજાની વાત એ છે કે હવે આખું ચિત્ર બદલાવાની શરૂઆત થઇ છે. માર્ચ 2026માં યુગાન્ડાની વાઇલ્ડ લાઇફ ઓથોરિટીએ કિડેપો વેલી (Kidepo Valley) નેશનલ પાર્કમાં સધર્ન વ્હાઇટ રાઇનોને પાછા લાવીને મૂક્યા.

ક્યાંથી આવ્યા આ ગેન્ડા?

સરકારે એક વિશેષ પ્રોગ્રામ હેઠળ ઝિવા રાયનો સેન્કચ્યુરી નામના અભ્યારણ્યમાં જન્મીને ઉછરેલા ગેન્ડાઓનું કિડેપો વેલી ખાતે પુનર્વસન કર્યું. એમને વિશેષ પ્રકારના ક્રેટમાં ટ્રાન્સપોર્ટ કરીને પાર્કમાં રિલીઝ કરવામાં આવ્યા. જો અહીં લવાયેલા ગેન્ડા નવા વાતાવરણમાં અનુકૂલન સાધી શકશે તો નજીકના ભવિષ્યમાં કિડેપો વેલીમાં ફરી એક વાર ગેન્ડાઓ ફરતા-ચરતા દેખાશે. પર્યાવરણવિદો આ ઘટનાને કિડેપો વેલી નેશનલ પાર્કમાં 43 વર્ષ પછી થયેલી ગેન્ડાની ઘરવાપસી તરીકે જોઈ રહ્યા છે.

કન્ઝર્વેશનિસ્ટ-વન્યજીવોની સુરક્ષા માટે કામગીરી બજાવતા લોકો માટે ગેન્ડાની ઘરવાપસી એક માઇલસ્ટોન સમાન ઘટના છે. જો આ પ્રક્રિયાને સફળતા મળશે તો આફ્રિકાના બીજા વિલુપ્ત થઇ રહેલાં પ્રાણીઓની વસતિ પણ પુન:વસવાટ દ્વારા વધારવાના પ્રયાસો થશે. પ્રાણીઓના આ રીતના પુન:વસવાટથી ખોરાક માટે નવા વિસ્તારો મળી રહે છે. વળી પોચિંગ જેવી આફતોથી સુરક્ષા આપનારો અભયારણ્યોમાં સામૂહિક નિકંદનનો ખતરો ઘણે અંશે ટળી જાય છે.

હવે જરા વિચારો કે માણસ માત્ર પોતાની ખોટી માન્યતાઓ (જેમ કે શિંગડામાંથી દવા બનાવવી) ત્યજવા તૈયાર થાય તો પૃથ્વી પર વિચરતી કેવડી મોટી જીવસૃષ્ટિના માથેથી પોચિંગનો ખતરો ટળે, પણ માણસ એકબીજાનું નિકંદન કાઢવામાંથી નવરો પડે તો બાકીની જીવસૃષ્ટિનો વિચાર કરે ને!