Sun May 03 2026

Logo

દહિસર-ભાયંદર લિંક રોડ સાઈટ પર ક્રેન તૂટી પડતા બેના મોત

2026-05-02 22:48:00
Author: સપના દેસાઈ
Article Image

એક્સિડન્ટની વીજેટીઆઈના નિષ્ણાતોની ટીમ કરશે તપાસ દોષી સામે આકરા પગલાનું પાલિકાનું આશ્વાસન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: દહિસર-ભાયંદર લિંક રોડ પ્રોેજેક્ટના કાસ્ટિંગ યાર્ડમાં  શનિવારે પ્લેટફોર્મ તૂટી પડતા બે કામદારનાં મૃત્યુ થયાં હતાં.  આ દુર્ઘટના બાદ મુંબઈ મહાનગરપાલિકાએ પૂરી દુર્ઘટનાની તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરવાનું આશ્ર્વાસન આપ્યું હતું અને તપાસમાં કામગારોની સુરક્ષામાં ત્રુટી જણાઈ આવી તો સંબંધિત કૉન્ટ્રેક્ટર સામે આકરાં પગલાં લેવાની ચીમકી આપી હતી. તેમ જ પૂરી ઘટનાની વીરમાતા જિજાબાઈ ટૅક્નોલૉજીકલ ઈન્સ્ટિટ્યૂટ (વીજેટીઆઈ)ના નિષ્ણાતો દ્વારા તપાસનો આદેશ પણ આપ્યો હતો.

દહિસર-ભાયંદર લિંક રોડના કામ માટે એલ એન્ડ ટી કંપનીએ ઊભા કરેલા ક્ધસ્ટ્રકશન સાઈટ પર શનિવારે બપોરના ૧૨.૩૦ વાગે કામ ચાલી રહ્યું હતું ત્યારે ત્યાં ઊભું કરવામાં આવેલું  પ્લેટફોર્મ તૂટી પડયું હતું, જેમાં બે કામગાર ગંભીર રીતે જખમી થયા હતા. મૃતકમાં ૨૮ વર્ષનો રઘુનાથ દાસ અને ૪૫ વર્ષના કના સિંહનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં અન્ય કામદારો પણ જખમી થયા હતા. આ સંદર્ભમાં ભાયંદર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.

દહિસર-ભાયંદર લિંક રોડ પ્રોજેક્ટ કોસ્ટલ રોડ(વેસાવે-ભાયંદર) પ્રોજેક્ટનો ભાગ છે. શનિવારે આ દુર્ઘટના બાદ ઘટના સ્થળે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા હતા. દુર્ઘટના સ્થળની માહિતી મેળવ્યા બાદ ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે વર્કસાઈટ પર કામગારોની સુરક્ષા માટે પ્રમાણિત કાર્યપદ્ધતિ (એસઓપી) નિશ્ર્ચિત કરવામાં આવી હોઈ તેનું પાલન કરવામાં આવ્યું હતું કે તેની તપાસ કરવામાં આવશે. તેમ જ પાલિકા તરફથી પણ આ પૂરી ઘટનાની તપાસ કરવામાં આવશે અને નિયમભંગ કરનારા વિરુદ્ધ આકરા પગલાં લેવામાં આવશે.

આ દુર્ઘટનાની તપાસ નિષ્પક્ષ અને ઊંડાણમાં કરવા માટે વીજેટીઆઈના પ્રોફેસરોની નિષ્ણાતોની ટીમની નિમણૂક કરવામાં આવી છે. આ ટીમ તપાસ કરીને અહેવાલ રજૂ કરશે. અહેવાલના નિષ્કર્ષના આધારે સંબંધિત કૉન્ટ્રેક્ટર વિરુદ્ધ આકરાં અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તેમ જ તમામ ઊંચા ગૅન્ટ્રી, કેન અને અન્ય મશીનોની થર્ડ પાર્ટી મારફત પુન:સુરક્ષા તપાસ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈમાં વિકાસના મોટા પ્રમાણમાં કામ ચાલી રહ્યા હોઈ કામગારોની સુરક્ષિતતા બાબતે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. કામગારોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને ઝીરો ટોલરન્સ ધોરણ રાખવામાં આવ્યું છે.