Sat May 30 2026

Logo

ટ્વિશા કેસ કંઈક કહે છે-  કાન દઈને સાંભળો ...

2026-05-28 09:25:00
Author: Kaushik Mehta
Article Image

કૌશિક મહેતા

ડિયર હની,
લગ્ન બે વ્યક્તિ વચ્ચે અને બહુ-બહુ તો બે પરિવાર વચ્ચે થતાં હોય  છે. એમાં દહેજ કે એ માટે ઉત્પીડન માટે કોઈ જગ્યા જ નથી હોતી,  છતાં આ  દૂષણ હજુય વકરેલું છે. રોજ એવા કિસ્સા બહાર આવે છે. એમાં ટ્વિશાના કિસ્સાએ સમાજ માટે ફરી એકવાર લાલબતી ધરી છે કે, આપણે શિક્ષિત જરૂર થયા પણ સુધર્યા નથી. આ ટ્વિશા  કેસ આપણને ઘણું બધું કહી જાય છે અને એ વાત કાન દઈને સાંભળવા જેવી છે.

મને આપણાં લગ્નની વાત યાદ આવે છે. મારા પરિવાર તરફથી કોઈ દબાણ તમારા પરિવાર પર હતું નહિ કે,  `આમ વ્યવહાર કરજો કે દીકરીને આટલું તો આપવું જ પડશે... આમ જ હોવું જોઈએ.. '  પણ બધાં લગ્નોમાં એવું હોતું નથી.

`મિસ પુણે' થયેલી અને મોડલ-ઍક્ટ્રેસ એવી ભોપાળની ફૂટડી ટિ્વશા એક વકીલ પરિવારમાં પરણી. એનાં સાસુ તો જજ રહી ચૂકેલાં, છતાં પાંચ માસમાં જ ટિ્વશા આપઘાત કરે છે અને એનાં માતા-પિતા સાસરિયાં પર દહેજ અને ઉત્પીડનના આક્ષેપો કરે છે. આખો મામલો આજે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે.

આવા બીજા કિસ્સા પણ ઓછા નથી. ભારતમાં દરરોજ થતા અંદાજે 16 દહેજ મૃત્યુ માત્ર એક જ સત્ય દર્શાવે છે: મહિલાઓની સુરક્ષા કે સશક્તીકરણ એ કોઈ એવા ટુકડાઓનો સરવાળો નથી જે પ્રગતિ અથવા આધુનિકતાના પ્રતીક હોય. તેમનું શિક્ષણ/વ્યાવસાયિક સિદ્ધિઓ, આર્થિક સુરક્ષા કે સમૃદ્ધિ, સામાજિક પ્રતિષ્ઠા, આરોગ્ય સેવાઓ સુધી પહોંચ, અધિકારો પ્રત્યેની જાગૃતિ... આમાંનું કંઈ પણ દહેજની માગણીઓ, પજવણી, માનસિક અને શારીરિક ત્રાસ કે હત્યા સામે મદદરૂપ ન નીવડ્યું. 

દુ:ખદ વાત એ છે કે, પ્રેમ લગ્નમાં પણ મહિલા બે પરિવારો વચ્ચેનાં લગ્નના કરારના ભાગરૂપે આ બધું જોખમ ખેડે છે. કદાચ કોઈની પણ ભૂમિકા એટલી બોજારૂપ નથી હોતી જેટલી એક યુવાન પુત્રવધૂની હોય છે, જેને નાનપણથી જ ખતરનાક રીતે અનુકૂળ થવા માટે સમજાવાતું  હોય છે. આ જ વાત તેમના જીવનને જોખમમાં મૂકે છે.

મને એ સવાલ કોરી ખાય છે કે, ટિ્વશા  જેવી આધુનિક દીકરી પણ પોતાના જીવનું જોખમ હોવાની વાત કરે છે ત્યારે ટિ્વશાનાં માતા-પિતાએ `દીકરી, સાસરિયાંમાં થોડું `ઍડ્જસ્ટ' કરી લેજે' એવું કહીને મોં ફેરવી લીધુંના  અહેવાલ છે... મા-બાપ શું વિચારીને આ રીતે મોં ફેરવી લેતા હશે? 

આપણે દીકરીઓના શાળાકીય શિક્ષણ અને કૉલેજમાં પ્રવેશની સિદ્ધિઓ વિશે ખૂબ ગૌરવ લઈએ છીએ, છતાં મહિલાઓની સુરક્ષા ચર્ચાનો મોટો વિષય છે. જ્યારે તે સુરક્ષા પરિવારની અંદર ના મળે તો એ ક્યાં જાય? જ્યારે 20થી 40 વર્ષની પરિણીત મહિલા મદદ માગે છે ત્યારે કોણ મોં ફેરવી લે છે? દહેજપ્રથા દાયકાઓથી ગેરકાનૂની હોવા છતાં તે સામાન્ય જેવી બની ગઈ છે. ખાસ કરીને ઉત્તર ભારતનાં રાજ્યો, યુપી, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, એમપીમાં આવા વધુ કેસ જોવા મળતા, પરંતુ હવે તે સમગ્ર ભારતમાં વધી રહ્યા છે.

આધુનિક દહેજ પ્રથાઓ વિશેના વિવિધ અભ્યાસ તો દર્શાવે છે કે દહેજ-મૃત્યુના કિસ્સાઓ ઓછા નોંધાય છે. દહેજની પજવણી અને ક્રૂરતા અવારનવાર મહિલાના મૃત્યુ પછી જ પ્રકાશમાં આવે છે. પીડિત મહિલા બે પરિવાર   વચ્ચે માત્ર વસૂલાત કે વ્યવહારનું એક સાધન બનીને રહી જાય છે. 2024ના સરકારી આંકડાઓ કહે છે કે દહેજની ફરિયાદો વધી છે, પણ સમસ્યા ન્યાય મળવાની છે. 

87 ટકા કેસોમાં ચાર્જશીટ ફાઇલ થાય છે. અદાલતોમાં 90 ટકા કેસો પડતર છે. દહેજ-મૃત્યુના કેસોમાં દોષિત સાબિત થવા કરતાં નિર્દોષ છૂટી જવાનું પ્રમાણ 50 ટકાથી વધુ છે. આટલાં વર્ષોમાં બદલાવ શું આવ્યો છે? 1980-1990ના દાયકામાં જે વહુને સળગાવી દેવાતી હતી. આજે એનું રૂપાંતર આત્મહત્યા છે, કારણ કે આત્મહત્યા માટે ઉશ્કેરણી સાબિત કરવી ખૂબ અઘરી છે.

ચોંકાવનારો આંકડો એ પણ છે કે, મહિલાઓ સામેના ગુનાઓમાં જેટલા પણ લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છ તેમાંથી 47 ટકા  લોકો દહેજ-ઉત્પીડનના આરોપીઓ હતા.

સાચું કહું તો પરિવારની અંદર થતી ક્રૂરતા વાસ્તવિક છે. આર્થિક શોષણ કોઈ આર્થિક વર્ગ (ગરીબ કે અમીર) જોતું નથી. મહિલાઓના જીવનને નુકસાન પહોંચાડનારો દહેજ આજે પણ સૌથી મોટો સ્રોત છે. જે પુત્રવધૂઓ પોતાના સાસરીમાં જોખમ અનુભવે છે, તે કેમ તે ખતરનાક ઘર છોડીને બહાર નીકળી શકતી નથી? આ એક એવો પ્રશ્ન છે જે ક્નયાનાં માતા-પિતા, પોલીસ અને સરકારોને પૂછવા જેવો છે. પણ કેટલા પૂછે છે અને પૂછે તો એનો જવાબ કેટલા આપે છે? 

આ બદી નવા સ્વરૂપે વકરતી જાય છે. સભ્ય સમાજ માટે આ વાત શરમજનક ગણાવી જોઈએ પણ એ સામે જાગૃતિ ક્યાં? 
માતા-પિતા-પરિવારજનોએ આ મુદે ગંભીરતાથી વિચારવું પડશે.       
દીકરીથી વહુ બનવાની સફર સુખી હોવી જોઈએ એ દુ:ખભરી કહાણી બનતાં અટકે એ જવાબદારી આપણી જ છે.
તારો બન્ની.