Tue Mar 10 2026

Logo

ગુજરાત - મહારાષ્ટ્રમાં માર્ચમાં જ થશે કાળઝાળ ગરમીનો અનુભવ

6 days ago
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ માર્ચ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં ગરમીનો અનુભવ થશે. ભારતીય હવામાન વિભાગએ આગામી થોડા દિવસો દરમિયાન સમગ્ર ગુજરાતમાં મહત્તમ અને લઘુત્તમ બંને તાપમાનમાં ક્રમિક વધારાની આગાહી કરી છે, જ્યારે 8 માર્ચ સુધી રાજ્યભરમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં ધીમે-ધીમે 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે. ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

હવામાન વિભાગ મુજબ, 4 માર્ચથી 7 માર્ચ દરમિયાન ગુજરાત  અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની પૂરેપૂરી સંભાવના છે. આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. 

મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન

મંગળવારથી મહારાષ્ટ્રના વાતાવરણમાં પણ મોટો ફેરફાર જોવા મળશે. રાજ્યના અનેક વિસ્તારમાં આજથી ભીષણ ગરમીની શરૂઆત થશે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, કોંકણ સહિત મહારાષ્ટ્ર માટે આ વર્ષનો ઉનાળો આકરો રહેશે. કોંક્રના સિંધુદુર્ગ અને રત્નાગિરી જિલ્લામાં તાપમાન 37 ડિગ્રીને પાર કરી જશે. મહારાષ્ટ્રમાં પણ અનેક સ્થળોએ પારો 40 થી 46 ડિગ્રીની વિક્રમી સપાટીએ પહોંચશે તેવી આગાહી કરવામાં આવી છે.

દેશમાં કેવું રહેશે હવામાન

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. માર્ચની શરૂઆતથી જ દિલ્હી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગ મુજબ હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં 3 અને 4 માર્ચના રોજ 20 થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અનેક રાજ્યોમાં તાપમાન સામાન્યથી વધારે રહેશે.  આઈએમડી મુજબ ઉત્તર પ્રદેશ, બિહાર ,મધ્ય પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમામાં 2-5 ડિગ્રી સેલ્સિયસ વધારો થશે.

ઉત્તર ભારતના પહાડી રાજ્યો ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારમાં 3 થી 7 માર્ચ દરમિયાન હળવો વરસાદ અને બરફવર્ષની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં પણ આવું જ વાતાવરણ રહી શકે છે.