Sat Sep 12 2026

Logo

દેશમાં મોસમનો બેવડો મિજાજ, ક્યાંક લૂ તો ક્યાંક વરસાદ, જાણો આજનું હવામાન

2026-04-17 08:46:00
Author: Mayur Patel
દેશમાં મોસમનો બેવડો મિજાજ, ક્યાંક લૂ તો ક્યાંક વરસાદ, જાણો આજનું હવામાન

AI Image


 

અમદાવાદ/નવી દિલ્હીઃ એપ્રિલમાં જ દેશમાં મોસમનો બેવડો મિજાજ જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં વરસાદ,  કરા અને બરફવર્ષા થઈ રહી છે, તો બીજી તરફ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. 

ગુજરાતમાં પણ ગરમીએ માજા મુકી છે. રાજ્યમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન થતાં આકાશમાંથી અગનજવાળાઓ વરસી રહી છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. તેમજ કામ સિવાય ઘરમાંથી બહાર ન નીકળવાનું ટાળવા અપીલ કરી છે. 

હવામાન વિભાગે આગામી દિવસોમાં મધ્ય, પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરી છે. પૂર્વ અને પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં 17 થી 20 એપ્રિલ વચ્ચે હીટવેવની સંભાવના છે. મહારાષ્ટ્રના અકોલામાં સૌથી વધુ 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

IMD મુજબ, અરુણાચલ પ્રદેશમાં 18 થી 20 એપ્રિલ દરમિયાન અને આસામ-મેઘાલયમાં 17 થી 19 એપ્રિલ વચ્ચે ભારે વરસાદની શક્યતા છે. નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં ગાજવીજ અને તેજ પવન ફૂંકાશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદ, હિમવર્ષા અને ભારે પવનનું અનુમાન છે. જ્યારે પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં 17 એપ્રિલે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સિવાય બિહાર, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ અને હરિયાણામાં પણ હળવો વરસાદ થઈ શકે છે.

બિહાર એપ્રિલમાં પણ મે-જૂનની ગરમીનો અનુભવ કરી રહ્યું છે, પરંતુ બિહારના લોકોને આગામી 48 કલાકમાં થોડી રાહત મળવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં બિહારમાં હળવો વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. હિમાચલ પ્રદેશમાં 17 થી 20 એપ્રિલ સુધી વરસાદની સંભાવના છે. શિમલા હવામાન કેન્દ્રે શુક્રવાર અને શનિવારે 12 જિલ્લાઓમાંથી ચારથી સાતમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા, વીજળી અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત છે.