અમદાવાદ/નવી દિલ્હીઃ દેશમાં ગરમીનો પ્રકોપ ધીમે ધીમે વધી રહ્યો છે. વિદર્ભના અમરાવતીમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. એટલું જ નહીં દેશના 10 સૌથી ગરમ શહેરોમાં વિદર્ભના છ શહેરો હતા. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રણામ થોડું ઘટ્યું છે. જોકે તેમ છતાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.
અમદાવાદમાં 39.5 ડિગ્રી, ડીસામાં 39 ડિગ્રી, ગાંધીનગરમાં 38 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 38.7 ડિગ્રી, વડોદરામાં 39.2 ડિગ્રી, સુરતમાં 39.2 ડિગ્રી, દમણમાં 37 ડિગ્રી, ભુજમાં 38.4 ડિગ્રી, નલિયામાં 35 ડિગ્રી, કંડલા પોર્ટમાં 36.8 ડિગ્રી, રાજકોટમાં 39.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 38.8 ડિગ્રી, મહુવામાં 37.4 ડિગ્રી, કેશોદમાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
વિદર્ભના અમરાવતીમાં સૌથી વધુ 41.8 ડિગ્રી, મધ્ય મહારાષ્ટ્રના નંદુરબારમાં 41.5 ડિગ્રી, વિદર્ભના અકોલામાં 41.5 ડિગ્રી, વિદર્ભના બ્રહ્મપુરીમાં 41.4 ડિગ્રી, વિદર્ભના વર્ધામાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
Heat wave conditions prevailed in some pockets of Vidarbha, while they abate from West Madhya Pradesh and Saurashtra & Kutchh as of today, 13th March 2026. pic.twitter.com/hjK8CEcPQd
— India Meteorological Department (@Indiametdept) March 13, 2026
આગામી અઠવાડિયાના અંતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે, જેમાં 18 માર્ચના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં હળવા વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. ત્યારબાદ 19 માર્ચના રોજ વરસાદનો વ્યાપ વધી શકે છે, જેમાં ઉત્તર ગુજરાત ઉપરાંત વડોદરા, સુરત, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના ભાગો અને રાજકોટ, અમરેલી, ભાવનગર જેવા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગના તાજા પૂર્વાનુમાન મુજબ, 14 માર્ચથી એક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતમાં પ્રવેશ કરશે. તેની અસર પહાડી અને મેદાની વિસ્તારોમાં જોવા મળશે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ તથા ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ગાજવીજ, વીજળીના કડાકા અને હળવા વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

દેશના કેટલાક હિસ્સાઓ, ખાસ કરીને ગુજરાત અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ગરમી અને લૂની અસર યથાવત રહેવાની આશંકા છે. 14 અને 15 માર્ચે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ અને બરફ વર્ષા થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં વાવાઝોડું અને વીજળી પડવાની ઘટનાઓ પણ બની શકે છે.