Thu May 07 2026

Logo

પુરુષની ઔકાત તેના કામ પરથી ક્યાં સુધી નક્કી થશે?

2026-05-07 10:01:00
Author: Ankit Desai
Article Image

એક જમાનાનો  સુપરહિટ હીરો એવા  રાહુલ રોયની પોસ્ટ એ સાબિતી છે કે માણસ ગમે તેટલો મોટો હોય,પણ સમાજની નજરોમાં તે હંમેશાં એક શિકાર જ રહે છે.આમ છતાં એણે  જે હિંમત બતાવીને ટ્રોલર્સને જવાબ આપ્યો એે દરેક પુરુષ માટે પ્રેરણારૂપ છે... 

મેલ મેટર્સ - અંકિત દેસાઈ

દુનિયામાં સ્ત્રીના ત્યાગ અને સમર્પણની વાતો તો હજારો વર્ષોથી થતી આવી છે,પણ એક પુરુષના મૌન સંઘર્ષ અને તેની અંદર ચાલતા દ્વંદ્વ વિશે બહુ ઓછું લખાયું છે. ખાસ કરીને જ્યારે રાહુલ રોય જેવા એક સમયના સુપરસ્ટારને તેના કામ માટે કે તેની જીવનશૈલી માટે ટ્રોલ કરવામાં આવે ત્યારે એ વાત ફરીથી સપાટી પર આવે છે કે પુરુષ હોવું એટલે સતત એક અદૃશ્ય અગ્નિપરીક્ષામાંથી પસાર થવું.      

પુરુષના જીવનની સૌથી મોટી વિટંબણા એ છે કે તેને જો તક મળે તો પણ દુ:ખ છે અને ન મળે તો પણ દુ:ખ છે. આ એક એવી વિચિત્ર પરિસ્થિતિ છે જ્યાં સમાજની અપેક્ષાઓનો બોજ તેને ક્યારેય હળવો થવા દેતો નથી. જો કોઈ પુરુષ સફળતાના શિખરે હોય તો તેણે એ શિખર ટકાવી રાખવા માટે લોહીનું પાણી કરવું પડે છે અને જો કદાચ સંજોગવશાત તે નીચે પટકાય તો આ જ દુનિયા તેને ‘નિષ્ફળ’નું લેબલ લગાવીને તેની મજાક ઉડાવતા જરાય ખચકાતી નથી. 

રાહુલ રોયની તાજેતરની પોસ્ટમાં જે પીડા છલકાતી હતી,તે માત્ર એક કલાકારની નથી,પણ એ દરેક પુરુષની છે, જે દિવસ-રાત પોતાની ગરિમા બચાવવા મથે છે.   આપણા સમાજમાં પુરુષની વ્યાખ્યા તેની ‘પ્રોવાઈડર’ તરીકેની ક્ષમતા પર ટકેલી છે. એક પુરુષ જે કમાય છે,જે હોદ્દો ધરાવે છે અને જે ગાડીમાં ફરે છે તેના પરથી જ તેનું મૂલ્ય અંકાય છે. રાહુલ રોયે જ્યારે કહ્યું કે હું જો ઓટોમાં ફરું કે સાદા કપડાં પહેરું તો તે મારી પસંદગી છે... અહીં  તેમણે એક બહુ મોટા સામાજિક દંભ પર પ્રહાર કર્યો હતો. પુરુષને તક મળે અને તે જો કામ સ્વીકારે,પછી ભલે તે કામ નાનું હોય કે તેની ક્ષમતા કરતાં  ઓછું હોય,   તો તરત જ લોકો તેના પર ‘પતન’ના સિક્કા મારવા લાગે છે. લોકો કહેશે કે ‘જુઓ, ક્યાં આ ‘આશિકી’ ફિલ્મનો  હીરો અને ક્યાં અત્યારે આવા વીડિયો બનાવે છે!’પણ આ જ લોકો એ નથી વિચારતા કે એ પુરુષ ખાલી બેસી રહેવાને બદલે કર્મ કરવું  કાર્યરત રહેવું  પસંદ કરી રહ્યો છે. જો તે કામ ન કરે અને ઘરે બેસી રહે   તો આ જ સમાજ તેને ‘બેકાર’ કે ‘નકામો’ ગણીને ધિક્કારશે. 

આમ  પુરુષ માટે રસ્તો કયો?કામ કરે તો ટ્રોલિંગનું દુ:ખ અને કામ ન કરે તો અસ્તિત્વ ભૂંસાઈ જવાનું દુ:ખ. આ રેટ-રેસમાં પુરુષ ક્યારેય જીતી શકતો નથી ,  કારણ કે ગોલપોસ્ટ સતત બદલાતી રહે છે.

પુરુષના જીવનમાં અહમ અને આત્મસન્માન વચ્ચે બહુ પાતળી રેખા  છે. જ્યારે તેને બ્રેન સ્ટ્રોક જેવી બીમારી આવે કે આર્થિક કટોકટી આવે,ત્યારે તેની શારીરિક પીડા કરતાં  વધુ તેની માનસિક પીડા એ હોય છે કે તે હવે પહેલાં જેવો ‘સક્ષમ’ રહ્યો નથી. રાહુલ રોયનું ઉદાહરણ આપણને એ પણ સમજાવે છે કે પુરુષે સતત સાબિત કરવું પડે છે કે તે હજી મેદાનમાં છે. આપણે ત્યાં મર્દાનગીને હંમેશાં મજબૂતી સાથે જોડવામાં આવી છે. પુરુષ રડી શકતો નથી,પુરુષ પોતાની લાચારી બતાવી શકતો નથી. જો તે પોતાની નબળાઈ જાહેર કરે,તો તે નબળો ગણાય છે. રાહુલ રોયે જ્યારે ટ્રોલર્સને જવાબ આપ્યો,ત્યારે તેમાં એક આક્રોશ હતો કે શા માટે મારે મારી ગરીબી કે અમીરીના પુરાવા આપવા પડે છે? શા માટે એક પુરુષ તરીકે મારે સતત એ સાબિત કરવું પડે છે કે મારી પાસે ઘર છે,ગાડી છે અને ખાવા માટે અનાજ છે? આ સવાલો એ દરેક મધ્યમવર્ગીય પુરુષના છે જે ફાટેલા ગંજી પર ઈસ્ત્રી કરેલું  શર્ટ પહેરીને ઓફિસે જાય છે જેથી દુનિયાને તેની તકલીફની ખબર ન પડે.

પુરુષલક્ષી સંવેદનામાં એક મોટું દુ:ખ એ પણ છે કે તેના કામને ક્યારેય સર્જનાત્મકતાના ચશ્માંથી જોવામાં આવતું નથી,પણ હંમેશાં નફા-નુકસાનના ગણિતથી જોવામાં આવે છે. સ્ત્રી જો કોઈ નાનું કામ કરે તો તેને ‘સ્વતંત્રતા’નું નામ આપવામાં આવે છે,પણ જો એક પુરુષ પોતાની કરિયરમાંથી નીચે ઊતરીને કોઈ નાનું કામ પકડશે તો તેને ‘લાચારી’ ગણવામાં આવશે. રાહુલ રોયે  ‘ઇન્સ્ટાગ્રામ’  પર જે રીતે પોતાના કામનો બચાવ કરવો પડ્યો,તે ખરેખર કરુણ છે. એક પુરુષ જ્યારે કોઈ નવી શરૂઆત કરવા માગતો હોય ત્યારે ભૂતકાળ તેની પાછળ ભૂત બનીને વળગે છે. લોકો તેને આગળ વધવા દેવાને બદલે તેના જૂના સુવર્ણ દિવસોની યાદ અપાવીને વર્તમાનમાં તેને અપમાનિત કરે છે. ‘તારા દિવસો ગયા’ આ વાક્ય કોઈ પણ પુરુષ માટે સૌથી વધુ ઘાતક હોય છે. આ શબ્દો તેની મહેનત અને તેના ઉત્સાહ પર ઠંડું પાણી ફેરવી દે છે. તક મળે તો તેને જ્ઞાતિ,ઉંમર કે ભૂતકાળના નામે રોકવામાં આવે છે અને ન મળે ત્યારે તેને નકામો જાહેર કરી દેવામાં આવે છે.

આ સંઘર્ષમાં પુરુષનું માનસિક સ્વાસ્થ્ય સાવ વેરવિખેર થઈ જાય છે. રાહુલ રોયની બાબતમાં પણ એવું જ થયું,તે જ્યારે સક્રિય થવાની કોશિશ કરે છે ત્યારે લોકો તેને ‘ક્રીન્જ’ કહે છે. આ ‘ક્રીન્જ’ શબ્દ આધુનિક યુગનું નવું હથિયાર છે , જે કોઈ પણ વ્યક્તિના આત્મવિશ્વાસને તોડી પાડવા માટે કાફી છે. એક પુરુષ માટે સૌથી મોટું સુખ એ છે કે તેને તેના કામ માટે ઓળખવામાં આવે,પણ જ્યારે એ જ ઓળખ તેની મજાકનું કારણ બને,ત્યારે તે જાય ક્યાં?સ્ત્રીઓ પાસે કદાચ લાગણીઓ વ્યક્ત કરવાના અનેક માધ્યમો છે,પણ પરુષ પાસે માત્ર તેનું કામ છે. જો તેનું કામ છીનવી લેવામાં આવે અથવા કામને અપમાનિત કરવામાં આવે તો પુરુષ માનસિક રીતે ભાંગી પડે છે.

રાહુલ રોયની પોસ્ટ એ સાબિતી છે કે માણસ ગમે તેટલો મોટો હોય,પણ સમાજની નજરોમાં તે હંમેશાં એક શિકાર જ રહે છે. પુરુષે પોતાના સંઘર્ષ વિશે બોલવું જોઈએ,પણ જ્યારે તે બોલે છે ત્યારે તેને સહાનુભૂતિ મળવાને બદલે જજમેન્ટ મળે છે. ‘મર્દ કો દર્દ નહીં હોતા’ જેવી ફિલ્મી વાતોએ પુરુષોનું સૌથી વધુ નુકસાન કર્યું છે. હકીકતમાં, પુરુષને સૌથી વધુ દર્દ ત્યારે થાય છે જ્યારે તેની મહેનતને લોકો ‘મજાક’ સમજી બેસે છે. રાહુલ રોયે જે હિંમત બતાવીને ટ્રોલર્સને જવાબ આપ્યો,તે દરેક એ પુરુષ માટે પ્રેરણારૂપ છે,  જે નાનું કે મોટું કામ કરીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથે છે. પુરુષને દુ:ખ તો બંને સ્થિતિમાં રહેવાનું છે,પણ એ દુ:ખની વચ્ચે પણ અડીખમ ઊભા રહીને હું કામ કરતો રહીશ’એમ કહેવું એ જ સાચી મર્દાનગી છે.