(અમારા પ્રતિધિ તરફથી)
મુંબઈ: ચોમાસાનું આગમન નજીક છે ત્યારે ચોમાસા પહેલા મુંબઈમાં ચુસ્ત સુરક્ષાના પગલા લાગુ કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ તમામ અધિકારીઓ સાથે બેઠક કરીને તૈયારીઓ વધુ તીવ્ર બનાવવાના નિર્દેશ આપ્યાં હતા, જેમાં ચોમાસામાં મુંબઈમાં એક પણ મેનહૉલ ખુલ્લો ના રહે તે માટે અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. તેમ જ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના સ્થળે દીર્ધકાલીન અને કાયમી ઉપાયયોજના માટે યોજના તૈયાર કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. એ સાથે જ મુંબઈમાં ચાલી રહેલા કૉંક્રીટાઈઝેશનના કામ ૩૧ મે, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
પાલિકા મુખ્યાલયમાં શનિવારે યોજાયેલી માસિક સમીક્ષા બેઠકમાં કમિશનરે અધિકારીઓને વરસાદના આગમન પહેલા મુંબઈમાં કડક સલામતી પ્રોટોકોલ લાગુ કરવા માટે સૂચના આપી હતી. તેમ જ ભારે વરસાદ શરૂ થાય તે પહેલાં જ મુંબઈના તમામ મેનહોલ પર રક્ષણાત્મક જાળીઓ લગાડવાનો નિર્દેશ આપ્યો હતો અને મુંબઈમાં કોઈપણ સંજોગોમાં એક પણ મેનહૉલ ખુલ્લો રહેવો જોઈએ નહીં એવી સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી પણ આપી હતી.
મુંબઈમાં ૨૦૨૪માં ચોમાસા દરમ્યાન ૪૫ વર્ષીય મહિલાના મૃત્યુ પછી પાલિકાએ મેનહૉલને કારણે મૃત્યુ થાય નહીં તેના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તે પહેલા સપ્ટેમ્બર ૨૦૧૭માં પ્રખ્યાત ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. દીપક અમરાપુરકરે ખુલ્લા મેનહૉલમાં પડી જતા તેમનો જીવ ગુમાવ્યો હતો.
આ દરમ્યાન પૂર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચોમાસા પહેલાની તૈયારીની સમીક્ષા કરતા કમિશનરે અધિકારીઓને તમામ ક્રોનિક પાણી ભરાવવાના સ્થળોએ પૂરતી તૈયાર રાખવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં ડીવોટરિંગ પંપ અને કટોકટીના સાધનો કાર્યરત રાખવાનો સમાવેશ થાય છે. આ વર્ષે પાલિકાએ મુંબઈમાં ૪૯૬ વરસાદી પાણી ભરાઈને પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થઈ શકે તેના ક્રોનિક પોઈન્ટ ઓળખી કાઢયા છે, જે નીચાણવાળા વિસ્તારો છે, જયાં મધ્યમ અથવા ભારે વરસાદ દરમ્યાન પાણી ભરાઈ શકે છે. ગયા વર્ષે મુંબઈમાં ક્રોનિક પોઈન્ટની સંખ્યા ૪૫૩ હતી.
પાલિકાના સ્ટોર્મ વોટર ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈમાં દર વર્ષે નીચાણવાળા પૂરના નવા સ્થળો ઊભરી ઓ છે. આ એક સામાન્ય પેટર્ન છે, જે જમીનના ઉપયોગ કરવાની પદ્ધતિમાં ફેરફાર અને એકંદરે કુદરતી ડ્રેનેજ પેટર્ન સાથે સીધી રીતે સંકલાયેલી છે. દક્ષિણ મુંબઈના વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા પાયે બાંધકામ જોવા મળ્યું છે, તેને કારણે કચરો અને બાંધકામના કાટમાળને કારણે ગટરો ચોકઅપ થઈ જાય છે અને પછી ભારે વરસાદ પછી ટૂંકા ગાળામાં આ સ્થળો પર પાણી ભરાઈ જાય છે.
કમિશનરે અધિકારીઓને ભારે વરસાદ દરમ્યાન પાણીનું વહેણ અટકે નહીં તે માટે ખાસ કરીને એવા વિસ્તારો જયાં મોટા માળખાકીય પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. અંડર ગ્રાઉન્ડ યુટિલીટીઝ નેટવર્કનું નિયમિત નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે.
રસ્તાના કામ પણ ઝડપથી પૂરા કરવાનો આદેશ
મુંબઈમાં હાલ મોટા પ્રમાણમાં રસ્તાનું સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનનું કામ ચાલી રહ્યું છે ત્યારે પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેેએ શનિવારે રસ્તાના ડેવલપમેન્ટના કામનો અહેવાલ લીધા બાદ અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે હાલ ચાલી રહેલા રસ્તાના તમામ કામ ૩૧મે, ૨૦૨૬ સુધીમાં પૂરા કરવાના રહેશે. રસ્તાના કામ ટુકડા-ટુકડામાં કરવાને બદલે એક છેડાથી લઈને બીજા છેડા સુધીમાં ગુણવત્તા જણવાઈ રહે તે પદ્ધતિએ પૂરા કરવાના રહેશે. જે ઠેકાણે હવે ચોમાસું નજીક હોઈ કૉંક્રીટાઈઝેશન શકય નથી ત્યારે વરસાદના આગમન પહેલા ડામરના રસ્તા બનાવી નાખવાના રહેશે. એક્સિડન્ટ થાય નહીં તે મુજબ નાગરિકની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રસ્તાના કામ કરવાના રહેશે.