Tue Oct 20 2026

Logo

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસઃ પોલીસે હુમલાખોરોની બાઈક જપ્ત કરી, ત્રણ-ત્રણ વાર બદલાયા છે માલિક

2026-10-19 11:37:00
Author: Mumbai Samachar Team
ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસઃ પોલીસે હુમલાખોરોની બાઈક જપ્ત કરી, ત્રણ-ત્રણ વાર બદલાયા છે માલિક

મુંબઈઃ ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં ઉપયોગમાં લેવાયેલી બાઈક પોલીસે પકડી પાડી છે. હુમલાખોરોએ આ બાઈકનો ઉપયોગ એક્ટર પર હુમલો કરવા કર્યો છે.પોલીસે બાઈકના પૂર્વ માલિકની પૂછપરછ કરી છે. અંધેરી રેલવે સ્ટેશન પાસેથી આ બાઈક મળી આવ્યું છે. પોલીસ બાઈકના માલિકની પૂછપરછ કરી રહી છે. આ બાઈક અત્યાર સુધીમાં ત્રણવાર વેચાઈ ચૂક્યું છે. પોલીસે આ પહેલા જોગેશ્વરી વિસ્તારમાં રહેતા બાઈકના પૂર્વ માલિકની પૂછપરછ કરી હતી. 

આ કારણે થયો તપાસમાં વિલંબ
માલિકે પોલીસને જણાવ્યું હતું કે, બાઈક કોઈ બીજા વ્યક્તિને વેચી દેવામાં આવી છે. આ પછી પોલીસને બાઈકના બીજા માલિકની પૂછપરછ કરી હતી. આ વ્યક્તિએ પણ બાઈકને બીજા વ્યક્તિને વેચી મારી હતી. હવે ત્રીજા માલિકે જણાવ્યું હતું કે, આ બાઈક જે શુટર્સ છે એને વેચી દેવાઈ હતી. પણ બાઈકને લઈ ડૉક્યુમેન્ટમાં નામ ટ્રાંસફર થયું નથી. આ જ કારણે હવે પોલીસને શુટર્સ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. હાલમાં આ પલ્સર બાઈકને પોલીસે જપ્ત કરી લીધી છે.

પોલીસ શુટર્સ સુધી પહોંચવા માટે નાનામાં નાની લીડ પર ગંભીરતાથી કામ કરી રહી છે. રવિવારે બનેલી ઘટના બાદ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે એક્ટર ટાઈગર શ્રોફના ઘરે મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. એક્ટરને તથા પરિવારને શક્ય એટલી મદદ કરવા ભરોસો આપ્યો હતો. આ મુલાકાતના ફોટો સામે આવ્યા છે જેમાં તેના હાથમાં ઈજા થઈ છે અને છાતી પર બન્ડેજ લગાવી છે. શિંદેએ ઉમેર્યું હતું કે, આ એક મોટી ઘટના છે. પાંચ રાઉન્ડ ફાયર થયા છે અને રાહતની વાત છે કે, ટાઈગર શ્રોફને કંઈ થયું નથી. ગોળીવાગી નથી. એના હાથમાં કાચના ટુકડા વાગ્યા છે. અન્ય ટુકડા છાતી પર વાગ્યા છે. આ ઘટનાથી એની માતા અને બહેને આઘાતમાં છે. 

શું કહ્યું મિકાસિંહે?
આ ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. રાજ્ય સરકાર શક્ય એટલી તમામ મદદ કરવા માટે તૈયાર છે. આ કેસ મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓને સોંપી દેવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે 15 પોલીસ અધિકારીઓની ટીમ તૈયારી કરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. મહારાષ્ટ્ર રાજ્ય સરકારે કહ્યું હતું કે, કલાકારોને મળતી કોઈપણ ધમકીઓને રાજ્ય સરકાર સહન નહીં કરે, નાનામાં નાની ધમકીઓને પણ ગંભીરતાથી લઈ કામ કરવામાં આવશે.

વિગત એવી મળી રહી છે કે, ફાયરિંગ થતા જ ટાઈગર શ્રોફ આગળના ભાગે ઝુકીને છુપાઈ ગયો હતો. આ કારણે તે બચી ગયો હતો. મુંબઈ પોલીસના સૂત્રોમાંથી આ જાણકારી મળી છે. ફાયરિંગ થયું એ સમયે બારીનો કાચ તૂટી જતા એના હાથમાં એક ટુકડો વાગી ગયો અને બીજો ટુકડો છાતીના ભાગે વાગ્યો હતો. આ કારણે તેને ઈજા ઓછી થઈ છે.  આ સમગ્ર ઘટના પર ગાયક મિકાસિંહે કહ્યું કે, ટાઈગર પર થયેલા ફાયરિંગ બાદ અમારી સુરક્ષા સંબંધિત કેટલાક મુદ્દાઓ સામે ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. કોઈ આ ડર સાથે જીવી ન શકે.