ભાણદેવ
(ચારધામ યાત્રાની શ્રેણી)
4. નીલધારા અને નીલેશ્વર:
ગંગાજીના સામેના કિનારાની બાજુએ રહેલા પહાડને નીલપર્વત કહે છે. આ નીલપર્વતની બાજુમાંથી વહેતી ગંગાજીની ધારાને ‘નીલધારા’ કહે છે. આ નીલધારા જ ગંગાજીની મૂળ ધારા છે. હરિદ્વારમાં હર કી પૈડી પાસે વહેતી ગંગા તો નહેર બનાવીને તેમાં વહેતી ધારા છે. અલબત્ત, તે પણ ગંગાજીના પટમાં જ વહેતી ધારા છે અને એ પણ સત્ય છે કે પ્રાચીન કાળમાં ગંગાજી બ્રહ્મકુંડના સ્થાન પાસેથી જ વહેતાં હતાં. ગંગા-યમુના જેવી વિશાળ નદીઓનો પટ ઘણો વિશાળ હોય છે. કોઈક સ્થળે આ મૂળ પટમાં પણ અનેક ધારાઓ વહેતી હોય છે અને કાળાંતરે આ ધારાઓમાં ઘણાં પરિવર્તનો પણ આવતાં હોય છે.
નીલધારાની સામે પાર, નીલપર્વતની નીચે નીલેશ્વર મહાદેવનું મંદિર છે. ઘણું પ્રાચીન મંદિર છે. બહુ ઓછા યાત્રીઓ અહીં પહોંચે છે. પહાડની ગોદમાં ગંગાજીના કિનારે વનરાજીથી ઘેરાયેલું આ રમણીય સ્થાન છે. નીલેશ્વર મંદિરની બાજુમાં ગૌરીશંકર મહાદેવનું મંદિર પણ છે.
5. ચંડીદેવી:
નીલપર્વતની ટોચ ઉપર ચંડીદેવીનું મંદિર છે. ગૌરીશંકર મંદિર પાસેથી એક રસ્તો જાય છે, પણ તે કઠિન રસ્તો છે. બીજો રસ્તો કામરાજ કાલી મંદિર પાસેથી જાય છે તે સારો રસ્તો છે. એક રસ્તેથી ચડીને બીજે રસ્તેથી ઊતરીએ તો કામરાજ કાલી, ચંડીદેવી, ગૌરીશંકર, નીલેશ્ર્વર વગેરે બધાં મંદિરોનાં દર્શન થઈ શકે છે. ચંડીદેવીનું મંદિર પહાડની ટોચ પર અને જંગલની વચ્ચે છે. અહીં જંગલી પ્રાણીઓનો ભય રહે છે, તેથી સામાન્યત: રાત્રે અહીં કોઈ રહેતું નથી. નીલપર્વતની પાછળના ભાગમાં ગાઢ જંગલ છે. આ જંગલમાં હાથીઓનાં ટોળાં જોવા મળે છે. વાઘ તથા દીપડાની વસ્તી પણ છે. ચંડીદેવીના મંદિરની પાસે અંજનીમંદિર છે.
6. બિલ્કેશ્વર:
હરિદ્વાર રેલવે સ્ટેશનથી હર કી પૈડી જતાં રસ્તામાં લલતારો નદીનો પુલ આવે છે. આ પુલ પાસેથી ડાબી બાજુએ એક રસ્તો જાય છે. આ રસ્તા પરથી બિલ્કેશ્વર જવાય છે. રેલવે લાઈનની બાજુમાં બિલ્વ નામનો પહાડ દેખાય છે. આ પહાડની ગોદમાં બિલ્કેશ્વર મહાદેવનું મંદિર છે. પહેલાં અહીં બીલીનું મોટું ઝાડ હતું. આ ઝાડનાં મૂળ પાસે બિલ્કેશ્વરનું શિવલિંગ છે. હવે બાજુમાં એક શિવમંદિર પણ બન્યું છે અને તેમાં પણ બિલ્કેશ્વર મહારાજનું સ્વરૂપ બિરાજે છે. મંદિરથી થોડે આગળ જતાં ગૌરીકુંડ નામનો સુંદર જલસ્રોત છે. અહીં સ્નાનનું માહાત્મ્ય છે. અહીંથી શિવધારાનું ઝરણું વહે છે.
7. મનસાદેવી:
હર કી પૈડી પાસે એક ઊંચો પહાડ દેખાય છે. તેના પર મનસાદેવીનું મંદિર છે. એવી માન્યતા છે કે આ દેવી દર્શનાર્થીની મન:કામના પૂરી કરે છે તેથી તેમને મનસાદેવી કહે છે. અહીંથી ગંગાજીનો વિશાળ પટ અને તેની બધી જ ધારાઓ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે તેમ જ હરિદ્વારનાં ચંડીદેવી મંદિર, નીલપર્વત વગેરે અનેક સ્થાનોનું વિહંગમ-દૃશ્ય અહીંથી જોવા મળે છે. ગંગાના પ્રવાહની રચના સમજવા માટે આ સ્થાનથી ગંગાનું દર્શન કરવું જોઈએ. મનસાદેવી જવા માટે રોપ-વેની વ્યવસ્થા છે. (ક્રમશ:)