Sun Jul 26 2026

Logo

તિરુપતિમાં વાળનું દાન કરવાની પ્રથા 900 વર્ષથી ચાલી આવે છે!

2026-07-20 09:51:00
Author: Umesh Trivedi
Article Image

ઉમેશ ત્રિવેદી

તિરુપતિ બલાજી મંદિરમાં માથાના વાળનું દાન કરીને મૂંડન કરાવવાની પ્રથા પણ સદીઓ જૂની છે. અહીં જે દર્શન કરવા આવે છે એ પુરુષો અને ઘણી સ્ત્રીઓ પણ વાળ ઉતરાવી નાખે છે. વાળ એ પુરુષ અને મહિલા બંને માટે ખાસ ગણાય છે, પણ મૂંડન કરાવવાથી તેમના જીવનમાં થી અહંકાર, મિથ્યાભિમાન વગેરેનો નાશ થાય છે. માથા પરના કાળા ભમ્મર વાળ પુરુષ અને મહિલાના સૌંદર્યનું પ્રતિક છે, પણ તિરુપતિ બાલાજીમાં આ વાળનું દાન કરીને લોકો ભગવાન વેંકેટેશ્વર પ્રત્યે પોતાનો આદર અને ભક્તિભાવ દર્શાવે છે.

વાળનું દાન કરવાની પ્રથા આજથી નવ સદી એટલે કે 12મી સદીની છે, તે વખતની કથા પ્રમાણે રાજકુમારી પદ્માવતી અને કેટલાક ભક્તજનોએ ભગવાન વેંકેટેશ્વર પાસે મદદ માગી હતી અને કહ્યું હતું કે ‘જો મને ડાકુઓના હુમલામાંથી ઉગારશો તો હું મારા માથાના વાળ દાનરૂપે આપના ચરણોમાં ચઢાવીશ.’ ભગવાન વેંકેટેશ્વરે તેમની પ્રાર્થના સાંભળી અને તેને બચાવી તેના બદલામાં પદ્માવતીએ મૂંડન કરાવ્યું અને બધાં જ વાળ પ્રભુના ચરણમાં મૂકી દીધા. આમ, મૂંડન પ્રથા અને વાળનું દાન કરવાની પ્રથા તિરુપતિ બાલાજીમાં શરૂ થઇ.

તિરુપતિ બાલાજી પ્રત્યેની આસ્થા અને ભક્તિ દર્શાવવા માટે, પોતાની ઇચ્છા પૂરી થઇ હોય એટલે મૂંડન કરાવે છે, તો ઘણા આ વાળનું દાન કરીને ધન્યતા અનુભવે છે. મંદિરની આસપાસના વિસ્તારમાં વાળનું દાન કરવા માટેની અનેક જગ્યાઓ છે. આ કેન્દ્રો અહીં આવનારને સારી વ્યવસ્થા પૂરી પાડે છે. 

મૂંડન કરતાં પહેલાં વાળનું દાન આપવા ઇચ્છતા ભક્તજનોના વાળ ધોવામાં આવે છે, પછી વાળ કાપવાની શરૂઆત કરવામાં આવે છે. પણ અહીં વાળંદની સામાન્ય દુકાનની જેમ વાળ જમીન પર પડવા દેવામાં આવતાં નથી. કપાયેલા વાળને એક સ્વચ્છ કપડામાં ઝીલવામાં આવે છે અને પછી એ કપડાં સાથે જ તે વાળ મંદિરના સત્તાવાળાઓને આપવામાં આવે છે.

આ વાળ પ્રભુના ચરણ સુધી પહોંચાડવામાં આવ્યા પછી મંદિરના સત્તાવાળાઓ આ વાળ વીગ બનાવનારાઓને વિદેશમાં વેચી દે છે. આમાંથી મંદિરને સારી એવી કમાણી થાય છે. દર વર્ષે લગભગ દોઢસો ટન કરતાંય વધારે વાળની નિકાસ કરીને રૂપિયા 150થી 200 કરોડની કમાણી થાય છે જે મંદિરની દાનપેટીમાં જમા થાય છે.

તિરુપતિ બાલાજીને પ્રસાદ તરીકે ચઢાવાતા લાડુ અને તેનો વિવાદ

તિરુપતિ મંદિરના શુદ્ધ ઘીમાં બનાવાતા લાડુમાં ભેળસેળ થતી હોવાની અને પ્રાણીઓની ચરબી વપરાતી હોવાના આરોપથી ખળભળાટ મચી ગયો હતો, પણ અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું એટલે ભક્તજનોની આસ્થાને ઠેસ ન પહોંચે એ ધ્યાન રાખીને બધું સમુંસુતરું પાર પડ્યું હતું. તિરૂપતિ બાલાજી કે ભગવાન વેંકેટેશ્વરને ધરાવવામાં આવતા લાડુ સ્વાદિષ્ટ તો છે જ પણ તેનો ઇતિહાસ પણ ભવ્ય છે. મંદિરના ઇતિહાસ પ્રમાણે સન 1803થી ભગવાન વેંકેટેશ્વરને લાડુ ધરાવવાની પરંપરા શરૂ થઇ હતી, ત્યારે બુંદીનો લાડુ ધરાવવામાં આવતો હતો.

હાલમાં મંદિરમાં જે લાડુ પ્રસાદ તરીકે મળે છે, તેની શરૂઆત સન 1940માં થઇ છે. ચણાના લોટમાંથી પ્રથમ બુંદી તૈયાર કરવામાં આવે છે. આ બૂંદીને ધીમા તાપે ઘીમાં તળવામાં આવે છે અને પછી ગોળમાંથી બનાવેલી ચાસણીમાં તેને પલાળવામાં આવે છે, ત્યાર બાદ તેમાં બદામ, કાજુ અને પિસ્તા ઉમેરીને લાડુ તૈયાર કરવામાં આવે છે.

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્મ્ (ટીટીડી)નાં જણાવ્યા અનુસાર માત્ર વૈષ્ણવ કુળના બ્રાહ્મણો જ આ લાડુ બનાવી શકે છે. અનેક દાયકાઓથી આ પ્રથા ચાલતી આવી છે. હાલમાં તિરુપતિમાં દરરોજ ચાર લાખથી 4.5 લાખ લાડુ તૈયાર કરવામાં આવે છે. આ લાડુને 2009માં જીઆઇ ટેગ આપવામાં આવ્યો છે. અગાઉ એ લાડુની નકલ કરીને વેચવામાં આવતા હોવાથી જીઆઇ ટેગ આપવામાં આવ્યો છે. છતાં ભાવિકોને લાડુ મેળવવા માટે કલાકો સુધી લાઇનમાં રહેવું પડે છે.

ટીટીડીમાં જે લાડુનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે તેને શ્રીવરી લાડુ પ્રસાદમ્ કહેવામાં આવે છે. આ લાડુ મંદિરના ખાસ રસોડામાં તૈયાર કરવામાં આવે છે. આ રસોડાને પોટુ તરીકે ઓળખવામાં આવે છે. મંદિરમાં આપવામાં આવતા દરેક મોટા લાડુનું વજન 700 ગ્રામ હોય છે, તેમાં 23.5 ગ્રામ કાજુ, 12.5 ગ્રામ કીસમીસ અને 8.2 ગ્રામ બદામ તેમજ 6.2 ગ્રામ સાકર હોય છે.

2008માં એક લાડુ ઉપરાંત પ્રસાદ સ્વરૂપે આપવામાં આવતા બે લાડુની કિંમત રૂપિયા 25થી વધારીને રૂપિયા 50 કરી દેવાતાં વિવાદ થયો હતો. હાલમાં દરેક લાડુની કિંમત રૂપિયા 50 નક્કી કરવામાં આવી છે. આ લાડુ બ્રાહ્મણો દ્વારા જ બનાવવામાં આવે એવા નોટિફિકેશન સામે પણ હોબાળો થયો હતો. ત્યારે ટીટીડીએ એમ જણાવ્યું હતું કે, અમે વર્ષો જૂની પરંપરાને જ અનુસરીએ છીએ.

તિરુપતિ મંદિરમાં ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને હવે લાડુ મશીન દ્વારા બનાવવામાં આવે છે, એવાં અહેવાલને પગલે લાગણી દુભાઇ હતી. તેમાંના કેટલાકે વિરોધ નોંધાવી પ્રસાદની પવિત્રતા માટે સંપૂર્ણ વિધિવત રીત અને હાથથી જ લાડુ બનાવવાં જોઇએ એવી માગણી કરી હતી. આમ, તિરૂપતિ બાલાજી મંદિર તેનાં વિવાદોને કારણે પણ ‘ચમક્યા’ કરે છે.