ડૉ. બળવંત જાની
પારેવાળા ખાતેનો વિહતઆઈનો મઢ. મારું મોટું સંભારણું. દાદા સાથે પારેવાળા (તા.જસદણ) ગયો હોઉં, એટલે પહેલા મઢે. ત્યાં ચારણ ડાયરો બેઠો હોય. ભાત-ભાતની વાતો થતી હોય. પિતાશ્રી સાથે ગયો હોઉં ત્યારે સીધો રામભા રાયખાની ડેલીએ. પહેલા સોનામાં અને પછીથી માકબાઈ ફૂઈનું આતિથ્ય પામવાનું. આખા દૂધની ચા, જર્મન કપ-રકાબીમાં મળે. ચૈત્ર માસે, ઓખાહરણ, પુરુષોત્તમ માસની કથા પણ હું કરતો. આ બધું ઈ.સ.1978 સુધી ચાલ્યું. પુરુષોત્તમ માસની પૂજા-વિધિ માટે પણ જવાનું બનતું.
કદાચ 1972, 73નું વર્ષ હશે. પુરુષોત્તમ માસે ચારણ નારીવૃંદ સવારમાં ગામની નદીએથી વિહતમાતાને મઢે આવે. ત્યાં કથા-વાર્તા-ધૂન-ર્ક્તિન ચાલે. અમારે ત્યાં જઈને એકાદશી કે એવા કોઈ વ્રતના સંકલ્પ કરાવવાના અને પછી સીધુ (લોટ, ગોળ, ઘી, ખીચડી જેવી ખાદ્ય સામગ્રી) લઈને ઘરે કમળાપુર પરત થાઉ. ત્યાં અને કથામાં મારે વિહતમાની વીશી સાંભળવાનું બનતું. એનો ઢાળ, એની હલક મને ગમતી. મેં માકબાઈ ફૂઈ (રામભા રાયખાના પુત્ર દેશળભાના પત્ની અને ગગીમાની દીકરી)ને કહેલું મને આ વીશી ઉતારી આપજો. એમણે એમની દીકરી ઈન્દુ પાસે ઉતરાવીને મને સુલભ કરાવેલી.
લોકડાઉનના દિવસોમાં બધું ગોઠવતા આ સામગ્રી હાથવગી થઈ. મને લાગે છે કે આજથી પિસ્તાલિસેક વરસ પહેલા કંઠસ્થ પરંપરામાં પ્રચલિત રહીને ગવાતી રહેલી આ વીશી-ચરજ. એમાંની ભાષાને કારણે બીજા પચાસેક વરસ ગણીએ તો સોએક વર્ષ જૂની જણાય છે. પારેવાળા, ભોંયરા ગામે પરજીયા ચારણ સમાજની વસ્તી પણ ઘણી. આ બે ગામ વચ્ચે અમારું આવન-જાવન પણ ઘણું. હમણાં ઘણાંને મે આ વીશી ચરજ બતાવી.પણ બાયાબાઈ બાવડી નામછાપની કે કર્તાની કોઈને ઓળખ ન હતી.
સન્મિત્ર યશવંત લાંબાને પૃચ્છા કરેલી તો કહે મૂળ અટક બાવડા હોય પણ કવિતામાં બાવડી ર્ક્યું હોય. હોય તો એ બાજુની, અથવા બોરાણાની કે સોખડાની નહીં પણ સ્થાનિક જ હોવાની શક્યતા. હું માનું છું કે પંચાળ વિસ્તારના દુહાગીર પાલરવભા પાલિયાની સમકાલીન અને આ વિસ્તારની જ ચારણ સન્નારીએ ચરજના ઢાળમાં વીશી અંકની રચના કરી હશે. એમાં કાંટ-છાંટ કે ઉમેરણ પણ હશે. પાઠમાં ક્યાંક ન સમજાય તેવા શબ્દો છે. કેટલાક પાઠ અશુદ્ધ પણ હશે. કોઈ મિત્રો સૂચવશે તો બાયાબાઈની વાણીને અર્ધ્ય આપ્યો ગણાશે.
મેં આ વાચનાને અવલોક્વા માટે સ્વ.શ્રી યશવંત લાંબા (ગઢવી), નિરંજન રાજયગુરુ અને અરવિંદ બારોટને પાઠવેલી. અરવિંદભાઈએ ઘણાં અર્થો સ્પષ્ટ ર્ક્યા. ભાઈશ્રી યશવંતભાઈએ અનેક પાઠ માટે સંભવિત પાઠ અને અર્થો સૂચવ્યા. નિરંજનભાઈએ તો રચના વાંચીને કહ્યું કે મેં ક્યાંક વાંચેલી છે. થોડાં દિવસ પછી ફોનથી કહ્યું કે આ રચના ઊર્મિનવરચનાના નારી વિશેષાંક માં કરશન પઢિયારે માતાજીની આરણ્ય અને ઝીલણિયા શીર્ષકના લેખમાં પાંચેક રચના પ્રકાશિત કરી છે એ અક્ષરશ: મળતી આવે છે. પણ એમાં નામછાપ નથી.
અંક મારી પાસે સંદર્ભ તરીકે ઉપલબ્ધ જ હતો એમાંના દાદુભાઈ, રતુદાનજીના લેખોના સંદર્ભો પણ લીધેલા. બીલકુલ આ જ રચના. એમાં શીર્ષક શ્રી વિહોત (વીસહથ્થી) માતાજીના દોહા. માત્ર પ્રથમ દોહો મારી વાચનામાં વધારાનો છે. ધ્રુવ પંક્તિમાં વધન તપવા વીહળીને બદલે મારી વાચનામાં વિઘન વાળવા વિહળી એમ છે કેટલાક અશુદ્ધ પાઠને બદલે મને પ્રાપ્ત વાચનામાં શુદ્ધ ગણી શકાય એવા પાઠ છે. કૃતિનું ર્ક્તૃત્વ બાયાબાઈનું હોય કે ન પણ હોય.
અજ્ઞાતર્ક્તા પણ ગણી શકાય. પણ યશવંત લાંબા કહે કરશનભાઈ ડાકલિયા રાવળ હતા. અમે મઢે માતાજીની સ્થાપના કરી હોય ત્યારે રાવળ આવે. એક-એક દુહો સ્વતંત્ર રીતે માતાજીની પરાક્રમી છબી, ચમત્કારોને વર્ણવતો હોયે એ કહે પણ ખરા. પણ વિસોતમા, પારેવાળાને મઢ, ચારણો સાથેનું જોડાણ તથા વળોટને કારણે એને ચરજ વીશી ગણી શકાય. કોઈ ચારણી રાવળનું ર્ક્તૃત્વ હોય તો કરશનભાઈએ કહ્યું હોત. સંભવ છે કે વીશી-ચરજ ચારણી મહિલા વૃંદમાં વિશેષ પ્રચલિત થઈ હોય અને બાયાબાઈ બાવડાનું નામ છાપ જોડાઈ ગયું પણ હોય.