માવજી મહેશ્વરી
સનત મને કોઈ વ્યક્તિનાં મૃત્યુની વાત રડાવી જાય છે. મે કમલામાની તસ્વીર જ જોઈ છે. આપણે એવા લોકોને ભાવુક અથવા ધર્મભીરુ કહી શકીએ. પણ આવા લોકો બીજાને નુકસાન કરતા હોતા નથી. એક રીતે જોઈએ તો કમલામાનાં મૃત્યુને કારણે જ મારી મમ્મીનો રસ્તો ખુલ્લો થયો. કમલામા વિશે મેં જે વાતો સાંભળી છે તે પરથી એટલું સમજી છું કે તે જુદા પ્રકારની સ્ત્રી હશે.
કમલામાના મૃત્યુએ પપ્પાને અંદરથી હલબલાવી નાખ્યા હતા. દાદાને પણ સખત આઘાત લાગ્યો હતો. કમલામાના પિયરિયાં ખાસ્સા ગિન્નાયા હતા. દાદા અને પપ્પાનો રીતસર ઉધડો લીધો હતો. કમલામાના જવાથી ઘરમાં શુન્યાવકાશ છવાઈ ગયો. એમના જવાથી સૌથી મોટી અસર ઘરની વ્યવસ્થાઓ પર પડી. મારા ભાઈઓ નાના હતા. જોકે ઘરમાં નોકરો હતા. છતાં ઘરની સ્ત્રી જેવું તો કોઈ ન સાચવી શકે ને?
એક મહિનો પસાર થઈ ગયો. એ દરમિયાન મારા પપ્પા મુંબઈમાં જ રહ્યા. એવું બન્યું નહોતુ કે સળંગ એક મહિનો મારા પપ્પા મમ્મીને મળ્યા ન હોય. મમ્મીને સામેથી ફોન કરવાની ના હતી. છતાં મમ્મીને વિશ્વાસ હતો કે પપ્પા અચાનક આવશે અને મહિના પછી અચાનક જ મારા પપ્પા જયપુર આવ્યા. તે પણ સીધા નાનાના ઘેર. એમનો ઉતરેલો ચહેરો જોઈને જ મમ્મી સમજી ગઈ હતી કે કંઈક ચિંતાજનક બનાવ બન્યો છે.
પપ્પાએ આવીને સીધી મને ઉંચકી લીધી હતી. હું બે વર્ષની હતી. થોડું થોડું સમજતી હતી. હું એમને પપ્પા કહેવા લાગી હતી. મારા પપ્પાને ગુલાબની ફ્લેવર બહુ જ પ્રિય છે. તે દિવસે પહેલીવાર એમના કપડાંમાંથી મને ગમતીલી સુગંધ આવી નહોતી. મારા પપ્પાએ મને ઘણી બધી કીસ કરેલી. મારી મમ્મીનો હાથ પકડી કહેલું, ‘અંદર ચલ જરૂરી બાતેં કરની હૈ.’ મને યાદ છે કે, મારી મમ્મીને પલંગ પર બેસાડીને મારા પપ્પા રડી પડેલા. મારી મમ્મી એમને પૂછતી રહી કે, શું થયું, શું થયું. પણ પપ્પાના હિબકા બંધ થતા નહોતા.
એમને જોઈ મમ્મી પણ રડવા લાગી. એ બેયને રડતા જોઈ મેં મોટેથી ભેંકડો તાંણ્યો. મારું રડવું સાંભળી મારી નાની અંદર દોડી આવી. અંદરનું દૃશ્ય જોઈ નાની સ્તબ્ધ બની ગઈ. પણ મેં કહ્યું ને કે, મારી નાની અતિ ચતુર સ્ત્રી હતી. તે સમજી ગઈ કે અત્યારે વિશ્વાસ કેળવવાની ક્ષણ છે. તે મારા પપ્પાની બાજુમાં બેસી એમની પીઠ પર હાથ ફેરવવા લાગી. થોડીવાર પછી મારા પપ્પા શાંત થયા એટલે મારી નાનીએ રડવાનું કારણ પૂછ્યું પપ્પાએ કમલામાનાં મૃત્યુની વાત કહી.
માણસનું મન કેવું અજીબ છે. આમ તો એ મૃત્યુના ખબર હતા. પણ મારી ચતુર નાની પામી ગઈ કે એ ખબર એના માટે સારા છે. નાનીને ઊંડે ઊંડે એવું લાગ્યું હશે કે, જે સ્ત્રીને કારણે પોતાની દીકરીનો રસ્તો બંધ હતો તે સ્ત્રી મરી ગઈ છે. તેણે પપ્પાને કેટલાંય આશ્વાસન આપ્યાં. મારી મમ્મી કંઈ બોલી શકી નહોતી. તે દિવસે એક બીજી ઘટના પણ બની. બપોર પછી મમ્મી અને પપ્પા મને લઈને એક હોટેલમાં ચાલ્યા ગયા.
પૂરા બે દિવસ અમે સાથે રહ્યા. આમ તો રોમાંચક વાત છે પણ મને ગમે છે એટલે કહું છું. મારા પપ્પા અત્યંત રસિક પુરુષ છે. એ રાતે તેમણે મારી મમ્મીને માટે ખરીદેલા પેન્ટ શર્ટ પહેરાવ્યા હતા. પોતાના કેમેરાથી ફોટો લીધા હતા. મારી મમ્મી શરમાતી શરમાતી પોતાને પેન્ટ શર્ટમાં જોઈ રહી હતી. મારી મમ્મીનું એ સ્વરૂપ હું આજે પણ ભૂલી નથી. ખરેખર એ કપડાંમાં મમ્મી ખૂબ જ સુંદર લાગતી હતી.
‘જેમ તમે પેન્ટ શર્ટમા સુંદર દેખાઓ છો. બરાબરને?’
‘ના, હું મમ્મી અને પપ્પાનું કોકટેલ છું. મારી મમ્મી અસ્સલ રણ પ્રદેશનું પુષ્પ હતી. મને ત્યારે ક્યાં ખબર હતી કે જેનાથી છૂટી પડી રહી છું તે જ મને એક દિવસ કાયમ માટે તેડવા આવશે. મારા પપ્પા અમને મળીને મુંબઈ પહોંચ્યા તો દાદા ધૂંવાંપુંવાં હતા. એમણે પપ્પાને ધમકાવી નાખેલા. એમને ખબર હતી કે મારા પપ્પા અમને મળવા જ આવ્યા હતા. પપ્પાએ સાંભળી લીધું. પણ દાદાએ જ્યારે એવું કહ્યું કે, તારા સાળાનો ફોન હતો. તારા સાળાએ પુષ્પા માટે તારી વાત કાઢી હતી. તેણે કહ્યું કે, જો મોહનલાલ હા પાડે તો સાદાઈથી કરી નાખીએ. બોલ શું કરવું છે? પુષ્પાનું નામ સાંભળી પપ્પા ચોંક્યા.’
‘આ પુષ્પા વળી કોણ હતી?’
‘હતી નહીં હજીયે છે. પુષ્પા કમલામાની કાકાની દિકરી છે. એ આંખે ફાંગી છે એટલે જ પૈસાદાર ઘરની હોવા છતાં કુંવારી રહી ગઈ છે. મારા પપ્પાને પુષ્પા દીઠીયે ગમતી નહોતી. આમ તો મારા દાદા પણ આ વાતમાં રસ ન લેત, પણ એમને ખબર હતી કે રાજસ્થાનમાં એક સ્ત્રી બેઠી છે, જે ગમે ત્યારે દાવો કરી શકે છે કે, હું મોહનલાલની પત્ની છું. દાદાને એવી કલ્પના પણ નહોતી કે ખુદ પપ્પા જ મારી મમ્મીને કાયદેસર પત્ની તરીકે લઈ આવવાનું વિચારી ચૂક્યા હતા.’
‘સનત એક પુખ્ત છોકરી તરીકે હું કહી શકું છું કે તેમણે મારી મા ઉપરાંત બીજી સ્ત્રીઓ સાથે પણ સંબંધ રાખ્યા હશે. તેમ છતાં એમના કેટલાંક નિર્ણયો એવા હતા જે માટે હું એમને એક મર્દ ગણું છું. પોતાના ક્ષણિક આવેશને પરિણામે પેદા થયેલી છોકરીને દીકરી તરીકે સ્વીકારવી અને એ સ્ત્રીને પત્નીનો દરજ્જો આપવો તે હિંમતવાન પુરુષ જ કરી શકે. એ પુરુષના એક નિર્ણય થકી જ આજે એક યુવતી તમારી સાથે નિર્ભયપણે વાત કરી રહી છે.’
‘સોનલ તમને શું લાગે છે હું તમને ભૂલી શકીશ ખરો?’
‘મને લાગે છે તમારું વિમાન ફરી પર્સનલ એરપોર્ટ પર લેન્ડીંગ કરવા માડ્યું છે.’
‘પણ તમને હું ભુલી નહીં જ શકું.’ સનત ભીના અવાજે બોલ્યો.
ફીલહાલ એટલું સમજો કે આપણે વિચિત્ર સંજોગોમાં ભેગા થયેલા માત્ર અજાણ્યા વ્યક્તિ છીએ હું તમને નહીં પુછું કે તમે ક્યાંના છો, તમારા ઘરમાં કોણ કોણ છે.’
‘મને સમજાતું નથી કે તમે લાગણીહીન છો કે સેલ્ફીશ?’
‘ઓહ પણ ન તો હું સેલ્ફીશ છું, ન લાગણીહીન. વાસ્તવમાં તમે જે પ્રકારનું વર્તન મારી પાસેથી ઈચ્છો છો તે હું કરી શકું તેમ નથી. એ મારો સ્વભાવ નથી.’ કહીને સોનલે સનતનો હાથ પકડી જરા દબાવ્યો. બે શક સનતને સોનલની આ હરકત ગમી. તેણે નીચલો હોઠ દાંત તળે દબાવીને ત્રાંસી આંખે સોનલ સામે જોતાં કહ્યું.
‘બાય ધ વે પછી તમારા દાદા અને પપ્પા વચ્ચે શું બન્યું?’
‘દાદાને પાકા પાયે શંકા હતી કે પપ્પા પુષ્પ્પા બાબતે હા નહીં જ પાડે. પપ્પા સમજી ગયા હતા કે, આ વાતનો નિવેડો લાવવો પડશે. બાપ દિકરો બેય ઘણા સમય બાદ એક સાથે પીવા બેઠા હતા. પપ્પાને ખબર હતી કે જો આજે પોતે બેધ્યાન રહેશે તો વધેરાઈ જશે. એટલે તેમણે દાદાને વાતોમાં લપેટ્યા. તેમણે દાદાને જ પૂછી નાખ્યું, પપ્પા જો મારી જગ્યાએ તમે હો તો શું નિર્ણય લો?’
દાદા સમજી ગયા કે મોહન આજે જુદા રંગમાં છે. દાદાએ ભાવનાત્મક પાસો ફેંક્યો. તેમણે કહી દીધું, ‘હું મારો વિચાર ન કરું પણ મારા છોકરાની ચિંતા જરૂર કરું.’
પપ્પા ધીમેથી બોલ્યા, ‘તમને શું લાગે છે કે, મને મારા છોકરાની ચિંતા નહીં હોય? પણ એમની ચિંતાની સાથે મારોય વિચાર કરું કે નહીં? મને એની સાથે બહાર નીકળવામાંય શરમ આવે. દાદા પપ્પાનાય બાપ હતા. એ સમજી ગયા કે દીકરાને પુષ્પાની ફાંગી આંખોનું બહાનું મળી ગયું છે. તેમણે સમય ચોર્યા વગર કહી નાખ્યું.’
‘તો એમ કહેને કે તને રૂપાળી બાયડી જોઈએ છે. એમા ક્યાં મોટી વાત છે. જોઈએ એટલી મળી રહેશે. હું તારા સાળાને ના પાડી દઈશ. પણ તું હવે જલ્દી ઘરમાં વહુ લાવી દે. ઘરમાં કોઈ સ્ત્રી આવશે તો ઘર ભર્યું ભર્યું લાગશે. હું તપાસ કરું છું, પણ તું ફરી ન જતો.’
પપ્પાને લાગ્યું કે હવે ખુલ્લા થવાનો સમય આવી ગયો છે. તેમણે જરા ડરતાં ડરતાં કહી દીધું, ‘પપ્પા, તમે બધું જાણો છો. મારી એક પત્ની મરી ગઈ છે. પણ બીજી હજુ જીવે છે.’
દાદાનું ચાલ્યું હોત તો એ જ વખતે મારા પપ્પાને અડબોથ ચોડી દીધી હોત. ક્રોધથી ધ્રુજતા દાદાએ પીધેલો દારુ વરાળ થઈને ઉડી ગયો. પપ્પા એકદમ સ્વસ્થ હતા. દાદા એટલા ગુસ્સે થઈ ગયા હતા કે તેમને શબ્દો મળતા નહોતા. તેમણે એટલું જ કહ્યું, ‘મારા જીવતા એ કોઈ કાળે નહીં બને.’
પપ્પા હસ્યા. તેમણે શાંતિથી કહ્યું, ‘ઓકે. એ ન આવી શકે. હું તો એના ઘરમાં જઈ શકું ને?’
એટલે તું એ બે ટકાની બાયડી સારું તારા છોકરા અને બાપને મૂકી દઈશ એમ? દાદાનો ગુસ્સો સાતમે આસમાન પર હતો.
‘ના, હું તમને નહીં મૂકી દઉં તેમ એ છોકરીને પણ નહીં મૂકી દઉં જે મારું જ લોહી છે. પપ્પા તમને કદી તમારી પૌત્રીનું મોં જોવાની ઈચ્છા નથી થતી? એ આપણા ઘરની લક્ષ્મી છે. કેટલી પેઢીઓ પછી આપના પરિવારમાં કોઈ છોકરી જન્મી છે. હું એ છોકરીને ચાહુ છું. છોકરીને જ નહીં એ સ્ત્રીને પણ ચાહું છું જેણે મને દીકરી આપી છે. હું એમને રસ્તે રઝળતી મૂકી દઉં?’
‘તું ગમે તેને લઈ આવે અને કહી દે કે આ મારી છોકરી છે તો હું અપનાવી લઉં એમ?’
‘પપ્પા મને શું મૂર્ખ સમજો છો? તમારે મને કાઢી મુકવો હોય તો કાઢી મૂકો. પણ હું હવે ગંગા અને સોનલ સાથે જ રહીશ. મેં નક્કી કરી લીધું છે.’
‘વાહ! મણિરામ ઝવેરીનો દીકરો શું વાત કરી રહ્યો છે. એક વાત કાન ખોલીને સાંભળી લે મોહન, તું એ સ્ત્રીના મોહમાં અંધ બની ગયો છે. તને સારા નરસાનો વિચાર નથી આવતો. પણ એક બાપ તરીકે કહી દઉં છું કે, તેં જે કર્યું તેને માફ કરી દઉં છું પણ હવે જે કરવા માગે છે તે માફ નહીં કરું.’ મારા દાદા પ્રશ્ન સળગતો મૂકીને જતા રહ્યા. એ રાતે પપ્પાએ નિરાંતે પીધું. તે સ્વસ્થ હતા. તે પછી તેમણે સામેથી કદી કોઈ વાત ન ઉચ્ચારી. હા, દાદા જ્યારે વાત કાઢતા પપ્પાની એક જ વાત, ‘ગંગા આ ઘરમાં જ રહેશે અથવા હું આ ઘર છોડી જઈશ.’
લગભગ છ મહિના પપ્પા અને દાદા વચ્ચે ચકમક ઝરતી રહી. પપ્પા મક્કમ હતા. એમણે એક તબક્કે મુંબઈ છોડી કાયમ માટે રાજસ્થાન જવાનું નક્કી કરી લીધું હતું. આખરે દાદાએ નમતું જોખ્યું. તેમણે કેટલીય શરતો પછી મારી મમ્મી અને મને લઈ આવવાની રજા આપી બરાબર મારી મમ્મીના જન્મ તિથિએ નમતી સાંજે જયપુરથી એક વિમાન મારી અને મમ્મીની કિસ્મતને લઈને ઉડ્યું. મારી મમ્મીનો જીવ ગભરાતો હતો. વિમાનની મુસાફરીને કારણે કે બીજા કોઈ કારણથી તેની એને ખબર નહોતી. તે મારા પપ્પાનો હાથ પકડીને બેસી રહેલી.
અમે મુંબઈમાં સાવ અજાણ્યા ઘર અને વાતવરણમાં પગ મૂક્યો ત્યારે અમને આવકારવા માટે કોઈ જ નહોતું. દાદા જાણી જોઈને બહાર ચાલ્યા ગયેલા. બે છોકરા ટીકી ટીકીને મમ્મીને તાકી રહ્યા હતા. કદાચ એમને પહેલેથી જ મમ્મી વિશે સમજાવી દેવામાં આવેલ હતું. મમ્મી વિશેનું એક વિજ્ઞપ ચિત્ર એ છોકરાઓ લઈને બેઠા હતા. (ક્રમશ:)