મુકેશ પંડ્યા
પર્યાવરણની રક્ષા માટે જે ઉપાયો આજના વૈજ્ઞાનિકો સૂચવી રહ્યા છે તેનો તો યુગો પૂર્વે આપણા ઋષિ મુનિઓ અમલ કરી ચૂક્યા છે તો પછી મોર્ડન કોણ? આપણે કે એ લોકો?
અત્યાર સુધી આપણે જોયું કે સનાતન ધર્મ કેમ શાશ્વત છે અને કેટલો લોકશાહીથી ભરપૂર છે. હવે આપણે જોઈએ કે એ કેવી રીતે પર્યાવરણનું સંરક્ષણ કરવા કટિબદ્ધ છે.
આજના વિદ્વાનો અને વૈજ્ઞાનિકો પર્યાવરણને બચાવવા અને સુધારવા પર વારંવાર ભાર મૂકે છે કારણ કે વધતી વસતિ અને વાહનો તેમ જ ગ્લોબલ વાર્મિંગ અને કલાઈમેટ ચેન્જની અસર હેઠળ વાતાવરણ વધુ ને વધુ પ્રદૂષિત થતુ જાય છે. આપણું આજનું આધુનિક વિજ્ઞાન તો હવે જાગૃત થયુ છે પરંતુ વિચાર કરો કે આપણા પ્રાચીન ઋષિમુનિઓ કેટલા જાગૃત અને કેટલી દીર્ઘદષ્ટિ ધરાવતા હશે જેમણે હજારો વર્ષ પહેલાં પ્રકૃત્તિની ઉપાસના અને સંવર્ધન કરવાનું આપણને શીખવ્યું છે. એ સમયે આજના જેટલી પર્યાવરણની સમસ્યા ન હતી છતાંય આ બાબતે તેઓ કેટલા બધા સાવધ હતાં.
વિશ્વના સહુથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં તો પંચમહાભૂત અર્થાત્ પ્રકૃતિના પાંચ મહત્ત્વના અંગો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ તત્ત્વની પૂજા-પ્રાર્થના કરવાનું શીખવાડવામાં આવ્યુ છે. આ દરેક તત્ત્વોની પૂજા કરતી વખતે કેવી ઋચાઓનું પઠન કરવું એનું પણ વિસ્તૃત વર્ણન છે. આ વૈદિક જ્ઞાનને લીધે જ પથ્થર (પૃથ્વી, તત્ત્વ), જળ, અગ્નિ, વાયુ અને આકાશ તત્ત્વને પૂજા પ્રાર્થના કરવાની આદત આપણા લોહીમાં ઊતરી આવી છે. આપણે આ પાંચેય તત્ત્વોને દેવ ગણીને તેમને માન સન્માન આપીએ છીએ.
આપણે ત્યાં કુંભ મૂકવાનો હોય કે પૂજા પ્રસંગ, એક કળશમાં પાણી ભરીને વરૂણદેવ અર્થાત્ જળદેવતાનું આહવાન કરવામાં આવે છે. તેમની આગતા સ્વાગતા કરવામાં આવે છે. આપણો કોઈ પણ ધાર્મિક કે સામાજિક પ્રસંગ પછી એ વાસ્તુ હોય કે લગ્ન, દીપ પ્રાકટ્ય કે હોમ હવન વિના સંપન્ન થતો નથી. આ અગ્નિદેવનું પૂજન થયુ કહેવાય. આ ઉપરાંત આપણે પૂજા દરમ્યાન પાંચ પ્રકારના વાયુઓનો પણ આદર સત્કાર કરીએ છીએ.
આ પાંચેય તત્ત્વો ખુશ રહે તેનું અગાઉ ખૂબ ધ્યાન રખાતુ હતું.
વૈદિક યુગમાં બે ગામ વચ્ચે પડતર જમીન, પાદર, નદી કે તળાવ, ઉકરડો, ખેતર, પશુઓને ચરવા માટેની જમીન અને સીમ (જંગલ) અવશ્ય રહેતા. નાનપણ (1966-1976 ) માં અમે ગુજરાતના ગામડે જતા ત્યારે અમારા ગામથી ફઇના ગામ જવું હોય તો વચ્ચે ખેતર નદીઓ ઓળંગીને જવું પડતું. પ્રવાસ ભલે લાંબો થતો પરંતુ આ વ્યવસ્થાનો ફાયદો એ થતો કે દરેક ગામવાસીને તેની આજુબાજુમાંથી જ ખાવાપીવા માટે દાણા-પાણી, દૂધ, શાક-ભાજી, મસાલા, ઈંધણ માટે લાકડા, દવા માટે જડીબુટ્ટી વગેરે મળી રહેતા.
આજે મુંબઈમાં ચર્ચગેટથી બોરીવલી વચ્ચેના અનેક ગામોના ખેતરો પર મકાનો બંધાઈ ગયા છે. ખળખળ વહેતી નદીઓ અને તળાવો ગંધાતા નાળામાં પરિવર્તિત થઈ ગયા છે. પ્રાણવાયુ આપતા વૃક્ષો કપાતા જાય છે અને અંગારવાયુ આપતા માણસોની ગીચતા વધતી જાય છે.
આમ જમીન, પાણી અને વાયુ એવા દરેક ક્ષેત્રે પ્રદૂષણ વધતું જાય છે. આ ઉપરાંત ખાવા પીવાની તમામ વસ્તુઓ ખૂબ દૂરથી આવતી હોઈ ટ્રાન્સપોર્ટના નામે જે પેટ્રોલ ડિઝલના ધુમાડા થાય છે તેનાથી જીવન જરૂરી ચીજો મોંઘી થતી જાય છે અને પ્રદૂષણમાં બેફામ વધારો થાય છે એ અલગ.
વિચાર કરો કે કાંદિવલી અને બોરીવલીની વચ્ચે ખળખળ પોઈસર નદી જ વહેતી હોત અને તેના કાંપથી ખેતવાડી થતી હોત, નાના વન અને પશુપાલન વિકસ્યા હોત તો આ બન્ને ઉપનગરોને નજીકમાંથી પાણી, અન્ન, તાજા શાકભાજી, ફળો અને દૂધ મળી રહેતા હોત. કેટલા પેટ્રોલ ડિઝલ બચી ગયા હોત. આવું જ બધા ઉપનગરોની વચ્ચે થયું હોત તો? આજે બૃહદ મુંબઈમાંથી ખેતવાડી, ફણસવાડી, ગાયવાડી, કેલેવાડી જેવી વાડીઓના નામ માત્ર રહી ગયા છે. વાડીઓ ગાયબ છે. સી.પી. ટેન્ક અને ગોવાલિયા ટેન્ક પરના સુંદર તળાવો કાળની ગર્તામાં ઘકેલાઈ ગયા છે.
માનવ વસાહતોની વચ્ચે વચ્ચે પ્રમાણસર પ્રાકૃતિક સંપત્તિ જીવિત રહેવી જોઈએ એ રહી નથી પરંતુ તેનો વિનાશ કરીને તેની ઉપર જ માણસો મકાન બાંધીને રહેવા લાગ્યા છે. બે ગામની વચ્ચે પાદર, સીમ, ઓઘાં, નદી, તળાવ, ખેતર ફરજિયાત હતા એ વ્યવસ્થાની શહેરોમાંથી કેમ બાદબાકી થઈ ગઈ એ હવે સમજાય છે. આપણે અંગ્રેજોની બનાવેલી શિક્ષણ પ્રથા હેઠળ વેદની વાણી ભૂલ્યા. પ્રકૃતિની મહત્તા ભૂલ્યા. સ્વતંત્રતા મળ્યાના પંચોતેર વર્ષ પછી પણ આપણે વેદ ઉપનિષદો શાળામાં ભણાવી શક્યા નથી.
આજના વૈજ્ઞાનિકો બૂમો પાડી પાડીને કહે છે વન વિકસાવો, વધુ ને વધુ વૃક્ષો ઉગાડો ત્યારે આપણા ઋષિ-મુનિઓએ તો વેદકાળથી જ વનો અને વૃક્ષોને મહત્ત્વ આપ્યું છે. પ્રાચીન કાળમાં ભારતના મોટા ભાગના સ્થાનોએ ‘દેવરાઈ’ નામે વનપ્રદેશ વૃક્ષો માટે માટે અનામત રખાતો. પ્રકૃતિને જ ભગવાન માની સ્થાનિક કુળ કે ગ્રામ દેવ-દેવીઓની પથ્થરની મૂર્તિની પૂજા કરવામાં આવતી હતી. અહીં લાકડા કાપવાની સખત મનાઈ હતી. ભાતભાતની દુર્લભ વનસ્પતિ અને પશુપક્ષીની પ્રજાતિઓ માટે આ અભય સ્થાન સાબિત થતું હતું. કોઈ કટોકટી દરમ્યાન લાકડા કે ઔષધી માટેના છોડ લેવા હોય તો તેમની પૂજા કરીને ફક્ત જરૂર હોય એટલી માત્રામાં જ લેવામાં આવતા.
આ વ્યવસ્થાને કારણે વરસાદ પણ ખેંચાઈ આવતો અને ત્યાંની જમીનમાં પાણીના સ્તર ઊંચે આવતા. આ ઉપરાંત ઋષિમુનિઓએ આપણી સંસ્કૃતિ, રીત રિવાજો અને તહેવારો સાથે વનસ્પતિ અને વૃક્ષોને જોડી દીધા છે. પીપળે જવું, વડની પ્રદક્ષિણા કરવી, લીમડાનું પાણી પીવું, જવારા ઉગાડવા, ગણપતિને દૂર્વા ચઢાવવી, શિવને બીલીપત્ર ચઢાવવું કે વિષ્ણુને તુલસી ચઢાવવી એ આપણી દૈનિક પ્રક્રિયાનો ભાગ હતો.
આ બહાને આપણે લીલોતરીની નજીક રહેતાં અને શુદ્ધ હવા માણતાં. વાયુ પ્રદૂષણ ઘટાડવા ઘરે-મંદિરે હોમ હવન થતાં એ બધું પણ ભૂલાતું જાય છે. વાંક આપણો જ છે. આપણે વેદોના જ્ઞાનની ઉપેક્ષા કરી. સનાતન ધર્મ એ માત્ર ઉપાસના પદ્ધતિ છે એમ જ સમજ્યા પણ એ ન સમજ્યા કે એ જીવન જીવવાની કળા પણ છે. લાભકારક સામાજિક અને પર્યાવરણીય વ્યવસ્થા પણ છે. તન, મન અને વાતાવરણને શુદ્ધ રાખતું અદ્ભુત જ્ઞાન પણ છે.
પર્યાવરણની રક્ષા માટે જે ઉપાયો આજના વૈજ્ઞાનિકો સૂચવી રહ્યા છે તેનો તો યુગો પૂર્વે આપણા ઋષિ-મુનિઓ અમલ કરી ચૂક્યા છે તો પછી મોર્ડન કોણ? આપણે કે એ લોકો ?