નીલા સંઘવી
માતા નવ મહિના બાળકને ગર્ભમાં ધારણ કરે છે. એ નવ મહિના દરમિયાન તેને કેટલી શારીરિક તકલીફ થાય છે પણ એ ઉફ સુધ્ધાં નથી કરતી. ‘ઉફ’ કરવાનું તો જવા દો તે બાળકને ગર્ભમાં ધારણ કરીને રાજી થાય છે. પ્રસૂતિની અસહ્ય પીડા હસ્તે મોઢે સહન કરે છે અને જ્યારે બાળક જન્મે છે ત્યારે પોતાનો નવો જન્મ થયો હોય તેટલી આનંદિત થાય છે. મા બાળકને કેટલો પ્રેમ કરે છે? એ જ બાળક યુવાન થાય પછી માની અવગણના કરે ત્યારે તેને માતાએ કરેલ પ્રેમ, ત્યાગ યાદ નહીં આવતા હોય?
તાજેતરમાં એક સમાચાર વાંચ્યા. કદાચ તમે સૌએ પણ વાંચ્યા જ હશે. જે દીકરાઓને માએ નવ મહિના કૂખમાં રાખ્યા અને પાળીપોષીને મોટા કર્યા તે જ દીકરાઓએ માને અંતિમ સમયમાં રઝળતી છોડી દીધી. ઓડિશાના બાલેશ્વરમાં આ શરમજનક ઘટના બની હતી.
બંસીધરદાસ અને તેમની પત્ની તુલસીદાસના પરિવારમાં તેમના ત્રણ દીકરા હતા, જેમાંથી મોટો દીકરો તો વર્ષો પહેલાં જ ઘરમાંથી ભાગી ગયો હતો.બાકીના બે દીકરાએ માતા-પિતાની જવાબદારી વહેંચી લીધી હતી. જવાબદારી લીધી તો હતી પણ કેવી રીતે? ‘બાગબાન’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને હેમામાલિનીને જેમ બે દીકરા વચ્ચે વહેંચાવું પડે છે બરાબર એ જ રીતે બંસીધરદાસ અને તેમની પત્ની તુલસીદાસ સાથે બન્યું. વચલા દીકરાએ પિતાની જવાબદારી ઉપાડી અને નાના દીકરાએ માતાની...
અહીં જવાબદારી શબ્દ વાપરવો ગમતો નથી, પણ પરિસ્થિતિ એવી છે કે આવો શબ્દ વાપરવો પડે છે. મા-બાપની સંભાળ રાખવી એ જવાબદારી શેની?? એ ફરજ નથી? અરે, પોતાનાં માતા-પિતા પ્રત્યે પ્રેમ નથી? એટલું ભાન નથી કે તમે નાના હતા ત્યારે પૈસા હોય કે ન હોય, આ જ માતા-પિતાએ તમારી બધી જરૂરિયાત પૂરી કરી હતી. તમને આંગળી પકડીને ચાલતાં શીખવાડ્યું. તમે માંદા પડતા હતા ત્યારે રાત રાત જાગીને માએ મીઠાના પાણીનાં પોતાં તમારા કપાળ પર મૂક્યાં.
પોતાં મૂકતાં-મૂકતાં તેની આંખમાંથી બોર બોર જેવડાં આંસુ પડતાં હતાં અને મનમાં ભગવાનને સતત પ્રાર્થના ચાલતી હતી કે ‘હે ભગવાન, મારા બાળકને જલદી સાજું કરી દો. ‘અરે, તમે સાજા થયા પછી ચપ્પલ કે પછી નકોરડા ઉપવાસ કરતી હતી. આ જ માતા કે પિતાને તમારી જરૂર પડે ત્યારે સંતાન મા-બાપને સાથે પણ ન રાખી શકે. મા-બાપના ભાગલા પડે એ કેવું? ત્રણ-ચાર બાળકને સાચવતાં માતા-પિતાએ તો સંતાનના ક્યાારેય ભાગ પાડ્યા ન હતા...!
ઘરડે ઘડપણ પતિ-પત્નીને અલગ રહેવું પડે, એકબીજાનો વિરહ વેઠવો પડે એ કેટલું આકરું લાગે? ‘બાગબાન’નાં અમિતાભ અને હેમામાલિનીની મનોદશા જેવી જ મનોદશા કોઈ પણ પતિ-પત્નીની આ રીતે અલગ રહેવું પડે ત્યારે થાય.
બંસીધરદાસ પરિવારના વચેટ દીકરા સાથે પિતા અને નાના દીકરા સાથે માતા રહેતી હતી. થોડા દિવસ પહેલાં બંસીધરદાસનું મૃત્યુ થઈ ગયું. હવે નાના દીકરા પાસે મા રહી ગઈ. મને-કમને ઝઘડા કરીને નાનો દીકરો માને રાખતો હતો. બીમાર મા બિચારી એક ખૂણામાં પડી રહેતી હતી. તાજેતરમાં માતાએ પણ અંતિમ શ્ર્વાસ લીધા.
અહીં દીકરાઓને માના મૃત્યુનો શોક તો હતો જ નહીં, કોઈને દુ:ખ થતું ન હતું. સૌને છૂટ્યાની પ્રતીતિ થતી હતી. આ પરિવાર વૈષ્ણવ પરંપરા સાથે જોડાયેલા હોવાને કારણે ગામના લોકોનું કહેવું હતું કે વૃદ્ધ માતાના અંતિમ સંસ્કાર ઘરના પરિસરમાં જ કરવામાં આવે. જે હોય તે, પણ ગામ લોકોએ આવી વાત કરી. આ વાત સાથે જ માતાની સંપત્તિ કોને મળશે એ બાબતે ચર્ચા ઊખળી.
બંને ભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ. વિવાદ એટલો વધ્યો કે સામે માનું નિશ્ચેતન શરીર પડ્યું છે એની આમન્યા પણ એ બન્ને દીકરા ભૂલી ગયા. સગી માના મૃત્યુનો મલાજો પણ ન રાખ્યો, ઉપરથી ઝઘડાઝઘડી ચાલી. વાત ત્યાં સુધી વણસી ગઈ કે માતાના પાર્થિવ દેહના અગ્નિ સંસ્કાર કરવાની વાત તો દૂર રહી. માતાના પાર્થિવ શરીરને હાથ અડાડવાની પણ બંને દીકરાએ ના પાડી દીધી.
ગામ લોકોએ બંને દીકરાઓને બહુ સમજાવ્યા કે ‘તમારો બંનેનો જે ઝઘડો હોય તે તમે બંને પછીથી પતાવજો. અત્યારે અહીં માની ડેડ બૉડી પડી છે તેના અગ્નિ સંસ્કાર તો કરી દો. મૃત્યુને મલાજો તો જાળવો. તમારું આવું વર્તન સૌનું માથું શરમથી ઝુકાવી દે છે... જે દીકરાઓ માના શબ સામે આવી રીતે ઝઘડે છે એના સંસ્કાર માટે શું કહેવું? અમારાં ગામમાં આવી પ્રજા છે તે જોઈને અમને ખરાબ લાગે છે. લોકોની સમજાવટનું કોઈ પરિણામ ન આવ્યું. 10 કલાક સુધી માતાનો મૃતદેહ એમ જ પડ્યો રહ્યો.
અંતે પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે પણ પરિસ્થિતિની નજાકત જોઈને બંને દીકરાઓને સમજાવવાની કોશિશ કરી, પણ પથ્થર પર પાણી. બેમાંથી એકના દિલમાંયે માના દૂધની કિંમત ચૂકવવાની લાગણી ન હતી. બંને દીકરાએ માની અર્થીને કાંધ આપવાની પણ ના પાડી દીધી. આખરે ચાર પોલીસોએ ગામ લોકોની મદદથી પાર્થિવ દેહને કાંધ આપીને અગ્નિ સંસ્કાર કર્યા.
આવા દીકરા... આ તે દીકરા કે દીપડા?