Tue Apr 28 2026

Logo

એક જ દિવસમાં તરબૂચની ડિમાન્ડમાં થઈ ગયો ધરખમ ઘટાડો, જાણી લો આ કારણ...

2026-04-28 21:36:58
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મુંબઈના પાયધુની વિસ્તારમાં બિરિયાની ખાધા પછી તરબૂચ ખાવાથી એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ થયા હોવાની એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. પ્રારંભિક અંદાજ મુજબ ફૂડ પોઇઝનિંગ થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અલબત્ત મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી. જો કે, આ ઘટના પછી, તરબૂચની માંગમાં ઘટાડો થતા એની અસર વેપારીઓ અને ખેડૂતો પર પડી રહી છે.

દોકડિયા પરિવાર મુંબઈના પાયધુની વિસ્તારમાં રહેતો હતો. શનિવારે રાત્રે બધાએ બિરિયાની ખાધા પછી તરબૂચ ખાધું. રવિવારે સવારે તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. 

ત્યાર બાદ સોશિયલ મીડિયા અને મીડિયામાં એવી વાત ફરતી થઈ કે તરબૂચ ખાધા પછી ચારેયના મોત થયા છે. જોકે ચારેયના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ આ સમાચારે બધે ગભરાટ ફેલાવી દીધો છે. તરબૂચ ખાવું કે નહીં તે પ્રશ્ન સૌની સામે ઉભો થયો છે. આ ઘટના પછી તરબૂચની માંગમાં ભારે ઘટાડો થયો છે.

વાશી કૃષિ ઉત્પાદન બજાર સમિતિમાં 80થી 100 ગાડીઓ તરબૂચ આવે છે. થાણે, નવી મુંબઈ અને નજીકના શહેરોના છૂટક વેપારીઓ આ બજારમાંથી તરબૂચ ખરીદવા આવે છે. બધા તરબૂચ દિવસ દરમિયાન વેચાઈ જાય છે. 
જોકે, મુંબઈના પાયધુની વિસ્તારમાં બનેલી ઘટના બાદ તરબૂચની માંગમાં ભારે ઘટાડો થયો છે. છૂટક તરબૂચ વેચનારાઓ અને બજાર સમિતિમાંથી સીધા ખરીદવા આવતા ગ્રાહકો તરબૂચ નથી ખરીદી રહ્યા.