Wed May 06 2026

Logo

એરપંપનો ઇતિહાસ છે રોચક...

2026-05-06 13:12:00
Author: Bhatti N
Article Image

તસવીરની આરપાર - ભાટી એન.

સંપ ત્યાં જંપ અને સાઇકલ ત્યાં પંપ. આવું રમૂજી જોડકણું એક હાસ્ય પ્રચુર કાર્યમાં સાંભળવા મળતું હતું બાયસિકલ (સાઇકલ) જુનવાણી દ્વિચક્રી વાહન છે, જયારે મોટર સાઇકલ ન હતા ત્યારે લોકો હોંશે હોંશે સાઇકલ ચલાવતા. હરક્યુલીસ, હીરો, એટલસ જેવી કંપનીઓ સાઇકલ બનાવતી આજે તો સાઇકલમાં જબર ક્રાંતિ આવી છે જેની વાત જવા દો મોટા મોટા ટાયર, ગીયરવાળી સાઇકલ, અને લક્ઝુરીયસ સુવિધાવાળી બહુ કિંમતી સાઇકલ બજારમાં આવી છે, આજે મોટા પ્રમાણમાં લોકો મોટર સાઇકલ ચલાવે છે તેમ છતાં સાઇકલે પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે, પણ આજે સાઇકલમાં હવા પૂરવાનો જુનવાણી એરપંપની પદ્ધતિ કરતા સમુળગી પદ્ધતિ બદલાય ગઈ છે તેના વિશે વિસ્તૃત જાણીએ.

હવા ભરવાનાં એરપંપની વિકાસ ગાથા પણ રોચક છે. તમને નવાઈ લાગશે કે સાઇકલ, એ દ્વિચકી વાહનોમાં પ્રથમ ક્રમે આવતી હતી એટલે કે છએક દસકાઓ પહેલા આ બાઈસીકલ (સાઇકલ)માં હવા ભરવા માટે ને એરપંપ આવતા તેમાં ‘સ્ટાર’ કંપનીના એરપંપ કવોલીટીવાળા પંપ ગણાતા અને તે એરપંપનો પાઈપ પીતળનો જોવા મળતો.!. પંપની અંદર જે વોશર આવતું તે ચામડાની બનાવટનું આવતું હતું. એરપંપમાં વોશર સારું કામ કરી શકે તે માટે વોશર પર ઓઈલને બદલે ખાદ્ય તેલ લગાડવામાં આવતું. એ સમયના પંપ વજનદાર જોવા મળતા અને નાના બાળકો પંપ દ્વારા હવા ભરી શકતા નહોતા. 

જો કે હવે એરપંપમાં ચાઈના દ્વારા નવી ટેકનોલોજી ઉમેરાઈ. જૂના એરપંપોમાં હવા ભરતી વેળા હવા નળી મારફતે સાઇકલનાં વાલ્વથી ટ્યુબમાં પહોંચતી. આ ચાઈના ટેકનોલોજીમાં એરપંપમાં હવા ભરતી વેળા હવા નળી મારફતે સાઇકલનાં વાલ્વથી ટ્યુબમાં પહોંચતી. જયારે અત્યારની ચાઈના ટેક્નોલોજીમાં એરપંપમાં ડબલ બેરલની સુવિધાથી હવા એક ભૂંગળા વોશરમાંથી થઈને નાની ભૂંગળીમાં પ્રવેશે છે. આ પંપનાં વોશર ચામડાના નહીં પણ પ્લાસ્ટિકના અને તેમાં એર રિટર્ન વાલની પણ સુવિધા હોવાથી હવા નાની ભૂંગળીમાં પ્રવેશ્યા બાદ પાછી ફરી શકતી નથી, જેથી હાલના એરપંપ એવા સુવિધા સભર બન્યા છે કે નાના બાળકો પણ માત્ર સાઇકલમાં જ નહીં પણ ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહનોમાં પણ આસાનીથી એ હવા ભરી શકે છે. જો કે ફોર વ્હીલર માટે તો બેટરીથી ચાલતા મિની કંપ્રેસર ટાઈપના પંપ બજારોમાં જોવા મળે છે અને પગથી હવા ભરી શકાય તેવા ફૂટપંપ પણ બજારોમાં મળે છે. જોકે આ બન્ને પ્રકારના પંપો એટલા સફળ નથી નીવડયા. એરપંપમાં નવી ટેક્નોલોજી જોકે ચાઈનાથી આવી પણ હવે ઇન્ડિયા મેડ એરપંપ એજ ટેક્નોલોજીસભરનાં અને વ્યાપક સાઈઝોમાં ઉપલબ્ધ બન્યા છે અને સસ્તા દરે મળે છે.