Thu Jul 23 2026

Logo

એલિવેટેડ રોડના કામ માટે થાણેમાં ૨૪ કલાક પાણી પુરવઠો બંધ રહેશે

2026-06-11 08:40:00
Author: Sapna Desai
Article Image


(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે શહેરમાં આનંદનગરથી સાકેત સુધીના એલિવેટેડ રોડના કામને કારણે  પાઈપલાઈનને ડાઈવર્ટ કરવાનું કામ થાણે પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યુંં છે. તેથી આ કામ દરમ્યાન પાણીપુરવઠો બંધ રાખવાનું આવશ્યક હોવાથી શુક્રવારથી શનિવાર સુધીના ૨૪ કલાક દરમ્યાન થાણેના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે.

થાણે પાલિકાના પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ આનંદનગરથી સાકેત સુધી એલિવેટેડ રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ કામ દરમ્યાન  ઇન્દિરા નગર જંકશન તરફ જતી ૮૧૩ મિલીમીટર વ્યાસની પાણીની મુખ્ય પાઇપલાઇનને અસર થવાની છે.  તેથી એમએમઆરડીએ દ્વારા ૨,૨૦૦ મીટરમાંથી ૮૦૦ મીટરના અંતર સુધી ૯૦૦ મીમી વ્યાસની પાણીની મુખ્ય પાઇપલાઇન નાખવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ૮૦૦ મીટરના અંતર સુધી હાલની ૮૧૩ મિલીમીટર વ્યાસની પાણીની મુખ્ય પાઇપલાઇન બંધ કરવામાં આવી છે અને પાણીની મુખ્ય પાઇપલાઇનના જોડાણના કામ માટે નવી નાખવામાં આવેલી ૯૦૦ મિલીમીટર વ્યાસની પાણીની મુખ્ય પાઇપલાઇન બંધ કરવાની આવશ્યકતા છે. તેથી આ કામ શુક્રવાર, ૧૨, જૂનના સવારે નવ વાગ્યાથી શનિવાર, ૧૩ જૂનના  સવારે નવ વાગ્યા સુધી ચાલશે. તેથી આ  ૨૪ કલાક માટે અમુક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે.

આ સમયગાળા દરમ્યાન થાણે પાલિકાની હદમાં આવતા વિસ્તારો જેમાં ઇન્દિરાનગર, સાઠેનગર, આંબેવાડી, દાવલેનગર, સાવરકરનગર, લોકમાન્ય નગર પાડા નંબર બે અને ત્રણ, ચાર, ચૈતીનગર, પરેરાનગર, ઝાંજેનગર, શ્રીનગર, કિસનનગર, શિવટેકડી, શાંતિનગર, કૈલાસનગર, ભટવાડી, વારલીપાડા, રૂપાદેવી પાડા, રામનગર, સી.પી.તલાવ, યેઉર વિસ્તારમાં પાણી પુરવઠો ૨૪ કલાક માટે સંપૂર્ણપણે બંધ રહેશે. 

નાગરિકોએ પાણી પુરવઠો શરૂ થયા બાદ આગામી બે-ત્રણ દિવસ સુધી પાણી પુરવઠો ઓછા દબાણે રહેશે. તેથી પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની અપીલ નાગરિકોને કરવામાં આવી છે.