Fri Aug 28 2026

Logo

પત્ની સાથે અનૈતિક સંબંધની શંકા પરથી વેઇટરની કરપીણ હત્યા: પતિની ધરપકડ...

2026-03-11 18:43:08
Author: Yogesh D. Patel
પત્ની સાથે અનૈતિક સંબંધની શંકા પરથી વેઇટરની કરપીણ હત્યા: પતિની ધરપકડ...

થાણે: થાણે જિલ્લામાં પત્ની સાથે અનૈતિક સંબંધની શંકા પરથી કેન્ટીનના વેઇટરની હત્યા કરવા બદલ શિળ-ડાયઘર પોલીસે પતિની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ રામચંદ્ર સકપાળના ડાયઘર સ્થિત પિંપરી ગાંવ ખાતે આવેલા ખેતરમાં મંગળવારે સવારે પ્રકાશ બિસા (40) નામના શખસનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો, જે નવી મુંબઈના મ્હાપેમાં કેન્ટીનમાં વેઇટર તરીકે કામ કરતો હતો.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા બાદ શિળ-ડાયઘર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધીને આરોપીની શોધ ચલાવવામાં આવી હતી. માટે પોલીસની બે ટીમ તૈયાર કરાઇ હતી.
દરમિયાન પોલીસ ટીમે ઘટનાસ્થળ તેમ જ આસપાસના વિસ્તારમાંના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરીને મળેલી માહિતીને આધારે રામરાવ દાસુ જાધવ (39)ને તાબામાં લીધો હતો, જેણે પૂછપરછમાં ગુનો કબૂલ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આરોપી રામરાવ જાધવને શંકા હતી કે તેની પત્ની શોભાબાઇ જાધવના મૃતક પ્રકાશ બિસા સાથે અનૈતિક સંબંધ છે. આથી રામરાવ દારૂ પીવાને બહાને પ્રકાશને પિંપરી ગાંવ ખાતે ખેતરમાં લઇ ગયો હતો, જ્યાં માથામાં હથોડો ઝીંકી તેની હત્યા કરી હતી.