થાણે: થાણે જિલ્લામાં પોલીસે બે રીઢા આરોપીને ઝડપી પાડીને ચોરેલી 58 મોટરસાઇકલ જપ્ત કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.ભિવંડી વિસ્તારમાં મોટરસાઇકલની ચોરીના કિસ્સા વધી રહ્યા હોવાથી ગુનામાં સામેલ આરોપીઓને પકડવા માટે પોલીસે કમર કસી હતી. પોલીસ ટીમે સર્વેલન્સ વધાર્યા બાદ આખરે મળેલી માહિતીને આધારે સોમવારે છટકું ગોઠવીને બે આરોપીને પકડી પાડ્યા હતા.
ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઇમ) અમરસિંહ જાધવે જણાવ્યું હતું કે આરોપીઓની પૂછપરછ બાદ પોલીસે ચોરીની 58 મોટરસાઇકલ જપ્ત કરી હતી, જે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં દાખલ 41 કેસ સાથે કડી ધરાવે છે.પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ ગણેશ ઉર્ફે ગણુ રાજુ મોરે (41) અને સાહેબઅલી ઉર્ફે છોટુ સુલતાનઅલી શેખ (19) તરીકે થઇ હતી. પોલીસ દ્વારા જપ્ત કરેલી 58 મોટરસાઇકલની કિંમત 10 લાખ રૂપિયા થાય છે. પોલીસ હવે આરોપીઓના અન્ય સાથીદારોની શોધ ચલાવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)