Mon Sep 07 2026

Logo

અકસ્માતમાં મૃત્યુ પામેલા વેપારીના પરિવારને 24 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ...

2026-03-04 18:34:22
Author: Yogesh D. Patel
અકસ્માતમાં મૃત્યુ પામેલા વેપારીના પરિવારને 24 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ...

થાણે: થાણેમાં મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2015માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વેપારીના પરિવારને 24.49 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ટ્રિબ્યુનલનાં સભ્ય આર.વી. મોહિતેએ પચીસમી ફેબ્રુઆરીએ આપેલા આ આદેશની નકલ બુધવારે પ્રાપ્ત થઇ હતી.

રામધર ગિરિજા શર્મા (એ સમયે 47 વર્ષની વય)નું 21 જૂન, 2015ના રોજ મૃત્યુ થયું હતું, જ્યારે ભાયંદર પૂર્વમાં મારુતિ કારે તેને અડફેટમાં લીધો હતો. પોલીસે આ પ્રકરણે ભારતીય દંડસંહિતા અને મોટર વેહિકલ એક્ટ હેઠળ ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે ડ્રાઇવર દ્વારા ‘પૂરપાટ વેગે અને બેદરકારીપૂર્વક’ વાહન હંકારવાને કારણે અકસ્માત થયો હતો.ઇન્કમ ટેક્સ રિટર્નનો ઉલ્લેખ કરતા ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે આયુર્વેદિક દવાઓનો વેપાર કરનારા રામધર શર્માની વાર્ષિક આવક 2.18 લાખ રૂપિયા હતી. આદેશ અનુસાર ટ્રિબ્યુનલે કુલ 24.49 લાખ રૂપિયા વળતરની ગણતરી કરી હતી. 

ટ્રિબ્યુનલે કહ્યું હતું કે અરજીની તારીખથી નવ ટકા વાર્ષિક વ્યાજ સાથે આ રકમ કાર ડ્રાઇવર અને માલિકે એક મહિનાની અંદર સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે ચૂકવવાની રહેશે. (પીટીઆઇ)