Sat Sep 05 2026

Logo

અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના કુટુંબને 18.96 લાખનું વળતર ચૂકવવાનો આદેશ

2026-03-14 19:14:00
Author: Yogesh D. Patel
અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના કુટુંબને 18.96 લાખનું વળતર ચૂકવવાનો આદેશ

થાણે: થાણે મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2020માં મુંબઈ-પુણે હાઇવે પર અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના કુટુંબીજનોને 18.96 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. એમએસીટીના સભ્ય કે.પી. શ્રીખંડેએ અકસ્માતમાં સામેલ કારના માલિક અને વીમા કંપનીને 28 ફેબ્રુઆરી, 2023થી મૃતકની પત્ની અને સગીર પુત્રને રકમ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે વળતર ચૂકવવાના નિર્દેશ આપ્યા હતા.

અરજી અનુસાર દૂધ વિક્રેતા બંડુ બારકુ આંદ્રે 31 જાન્યુઆરી, 2020ની રાતે મોટરસાઇકલ પર જઇ રહ્યો હતો ત્યારે માવળમાં નાયગાંવ નજીક પૂરપાટ વેગે આવનારી કારે તેની મોટરસાઇકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંડુ આંદ્રેને ગંભીર ઇજા પહોંચી હતી અને સ્થાનિક હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

વીમા કંપનીએ દાવાનો વિરોધ કરીને આક્ષેપ કર્યો હતો કે મૃતક રસ્તાની વચ્ચે બેદરકારીથી વાહન હંકારી રહ્યો હતો. જોકે ટ્રિબ્યુનલે આ માટે કોઇ પુરાવા ન હોવાનું નોંધીને વીમા કંપનીના આક્ષેપને ફગાવી દીધો હતો. (પીટીઆઇ)