Sat Jul 25 2026

Logo

લોક અદાલતમાં 1.80 કરોડ રૂપિયાના વળતરના દાવાનું સમાધાન

2026-07-25 18:31:15
Author: Yogesh C. Patel
Article Image

થાણે: થાણેની સ્પેશિયલ લોક અદાલતમાં શનિવારે વાહન અકસ્માતમાં 1.80 કરોડ રૂપિયાના વળતરના દાવાનું સમાધાન કરાયું હતું, જે દિવસનું સૌથી વધુ ભરપાઈનું સમાધાન હોવાનું કોર્ટ અધિકારીએ જણાવ્યું હતું.
આ સમાધાન મૃતક હેલ્થકૅર પ્રોફેશનલ વિજયકુમાર ચિન્નાદુરાઈ અદિદ્રાવિદર અને ઓરિયેન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ વચ્ચે થયું હતું.

36 વર્ષના વિજયકુમારનું બીજી ડિસેમ્બર, 2024ના રોજ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. કોર્ટ રેકોર્ડ અનુસાર વિજયકુમાર મુંબઈમાં ટાટા મેમોરિયલ સેન્ટરમાં કાયમી નર્સ હતો અને તેને માસિક 1,06,224 રૂપિયાનું વેતન હતું. ઘટનાના દિવસે તે મુંબઈ-ગોવા હાઈવે પર બાઈક પરથી પસાર થતો હતો ત્યારે પુરઝડપે આવેલા ટ્રેલરે તેની બાઈકને પાછળથી ટક્કર મારી હતી.

વિજયકુમારની પત્ની વિશાખા અદિદ્રાવિદરે થાણેની મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ (એમએસીટી)માં વળતર માટે દાવો કર્યો હતો. વિજયકુમાર પરિવારનો એકમાત્ર કમાનારો હોવાથી નુકસાન ભરપાઈની માગણી દાવામાં કરાઈ હતી.

સમાધાનની રકમનો ચેક એમએસીટી સભ્ય આર. વી. મોહિતે અને વીમા કંપનીના રિજનલ મૅનેજરની હાજરીમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આર. ડી. સાવંત દ્વારા પરિવારને સોંપવામાં આવ્યો હતો. કોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે લોક અદાલતમાં આ સમાધાન થતાં લાંબી કાનૂની પ્રક્રિયાઓને આધીન થયા વિના મૃતકના પરિવારને મહત્ત્વપૂર્ણ નાણાકીય રાહત મળી છે. (પીટીઆઈ)