Wed Aug 19 2026

Logo

વિદેશમાં નોકરીને બહાને 130થી વધુ લોકો સાથે 52.68 લાખની ઠગાઈ: આઠ વિરુદ્ધ ગુનો દાખલ

2026-07-17 17:51:30
Author: Yogesh D. Patel
Article Image

થાણે: વિદેશમાં નોકરી અપાવવાને બહાને 130થી વધુ લોકો સાથે 52.68 લાખ રૂપિયાની ઠગાઇ અચરવા બદલ થાણે જિલ્લાની રિક્રૂટમેન્ટ એજન્સી સાથે સંકળાયેલા આઠ જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર જાન્યુઆરીથી મે, 2026 દરમિયાન છેતરપિંડી આચરવામાં આવી હતી. આરોપીઓ કલ્યાણ સ્થિત ‘અલ-લિમરા ઇન્ટરનેશન’ નામની એજન્સી હેઠળ કામ કરતા હતા.

મુંબઈના રહેવાસીએ કલ્યાણના મહાત્મા ફૂલે ચોક પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે એજન્સીએ વિદેશમાં ઊંચા પગારે નોકરી અપાવવાનું આશ્ર્વાસન આપ્યું હતું અને નોકરીવાંચ્છુઓ પાસેથી રૂપિયા તથા તેમના પાસપોર્ટ લીધા હતા. જોકે તેમને નોકરી અપાવવામાં  એજન્સી નિષ્ફળ ગઇ હતી.છેતરાયેલા 130થી વધુ લોકોમાંથી કેટલાકે પોતાના પાસપોર્ટ તથા રૂપિયા ગુમાવ્યા હતા. તેઓ પોતાની અરજી અંગે પૂછપરછ કરવા માટે ગયા ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે એજન્સીએ તેની કામગીરી અચાનક બંધ કરી દીધી છે. 

પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદ પાટીલે જણાવ્યું હતું કે અત્યાર સુધી 52.68 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ પ્રકરણે આઠ જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ કેસની તપાસ ચાલી રહી છે. (પીટીઆઇ)