Mon Aug 31 2026

Logo

તબીબી ચમત્કારઃ માત્ર 1.1 કિલોના નવજાત બાળકના દાંતની જટિલ સર્જરી કરાઈ!

2026-07-12 20:53:00
Author: Mumbai Samachar Team
તબીબી ચમત્કારઃ માત્ર 1.1 કિલોના નવજાત બાળકના દાંતની જટિલ સર્જરી કરાઈ!

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે શહેરની સિવિલ સંચાલિત છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં માત્ર 1.196  કિલો વજન ધરાવતા એક મહિનાના સમય પહેલા જન્મેલા બાળકના "નેટલ દાંત" કાઢવા માટે સર્જરી કરવામાં આવી હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી) દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે 10 જુલાઈના આ સર્જરી કરવામાં આવી હતી, જેનાથી શિશુ માટે ગંભીર સ્વાસ્થ્ય જોખમો દૂર થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

બાળકનો જન્મ સમય પહેલા થયો હતો અને તેના જન્મ સમયે દાંત હાજર હોવાનું જાણવા મળ્યું હતું, જે "નેટલ દાંત" તરીકે ઓળખાતી તબીબી ઘટના છે. તબીબી નિષ્ણાતોના મતે, આ સ્થિતિ દર 2,000થી 3,500 જન્મતા બાળકોમાંથી માત્ર એકમાં જોવા મળે છે, જેમાં લગભગ 85 ટકા કિસ્સાઓમાં નીચલા કેન્દ્રીય ઇન્સિઝરનો સમાવેશ થાય છે. 

મીડિયા અહેવાલમાં સમજાવવામાં આવ્યું હતું કે આ દાંત સ્તનપાનમાં અવરોધ ઊભો કરે છે, શ્વસન માર્ગ (એસ્પિરેશન)માં ખસી જવાનું અને ગળી જવાનું ઉચ્ચ જોખમ ધરાવે છે, અને ગંભીર જીભના ચાંદાનું કારણ બની શકે છે, જેને તબીબી રીતે "રીગા-ફેડે" અલ્સર તરીકે ઓળખવામાં આવે છે. 
આ પ્રક્રિયા માનદ બાળ ચિકિત્સક ડૉ. શ્રેયા બાપટ, ડૉ. પલ્લવી ખલે (પ્રોફેસર અને ડેન્ટલ વિભાગના વડા), ડૉ. ધૈર્યશીલ એડકે અને ડૉ. દિવ્યા મોકાશીના સંકલન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
(પીટીઆઈ)