Thu Oct 01 2026

Logo

ભારતમાં ગેરકાયદે વસવાટ: શ્રીલંકાના નાગરિકને એક વર્ષની કેદ...

2026-02-25 17:44:32
Author: Yogesh D. Patel
ભારતમાં ગેરકાયદે વસવાટ: શ્રીલંકાના નાગરિકને એક વર્ષની કેદ...

થાણે: થાણે કોર્ટે ભારતમાં ગેરકાયદે વસવાટ કરવા બદલ શ્રીલંકાના નાગરિકને એક વર્ષની સખત કેદ ફટકારી હતી. એડિશનલ સેશન્સ જજ વસુધા એલ. ભોસલેએ 20 ફેબ્રુઆરીએ આપેલા આદેશમાં જણાવ્યું હતું કે સજા પૂરી થયા બાદ આરોપી અરુમહદ્દી જનિથ મદુસંઘા ડિસિલ્વા ઉર્ફે પોડી લેસ્સીને શ્રીલંકા મોકલી દેવામાં આવે.

કોર્ટે ફોરેનર્સ એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ આરોપીને દોષી ઠેરવ્યો હતો, પણ પુરાવાના અભાવે છેતરપિંડી અને ફોર્જરી સહિત અન્ય ઘણા આરોપમાંથી મુક્ત કર્યો હતો.
કોર્ટે આરોપીને એક વર્ષ, એક મહિનો અને છ દિવસની સજા ફટકારી હતી. જાન્યુઆરી, 2025માં ધરપકડ થયા બાદ આરોપી પહેલેથી આટલા દિવસો કસ્ટડીમાં વિતાવી ચૂક્યો છે. કોર્ટે આરોપીને એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે આરોપીને શ્રીલંકા પાછા મોકલી દેવાના પોલીસ કમિશનરને નિર્દેશ આપ્યા હતા.

આરોપી પાસેથી જપ્ત કરવામાં આવેલા મોબાઇલની હરાજી કરવાનો તેમ જ તેમાંથી મળેલી રકમ સરકાર પાસે જમા કરાવવાનો, જ્યારે જપ્ત કરાયેલા બોગસ આધાર કાર્ડ અને સિમકાર્ડનો નાશ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.

ડિસિલ્વા 13 જાન્યુઆરી, 2025ના રોજ મીરા રોડના કાશીગાંવમાં આવેલી હોટેલમાં પાસપોર્ટ અને વિઝા વિના રહેતો મળી આવ્યો હતો. સુનાવણી દરમિયાન આરોપીએ દાવો કર્યો હતો કે તે ભારતીય છે અને તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. જોકે તે કોઇ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયો હતો. (પીટીઆઇ)