Sun Jun 07 2026

Logo

કોર્ટે 37 વર્ષ જૂના હત્યાના પ્રયાસના કેસમાં ફરાર દંપતીને નિર્દોષ જાહેર કર્યું

2026-05-27 18:24:32
Author: Yogesh D. Patel
Article Image

કોઇ સાક્ષીદાર નથી, રેકોર્ડ પણ વાંચી શકાય તેવા નથી: કોર્ટે નોંધ્યું

થાણે: થાણેની કોર્ટે 37 વર્ષ જૂના હત્યાના પ્રયાસના કેસમાં ફરાર દંપતીને નિર્દોષ જાહેર કર્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે લાંબા વિલંબને કારણે ફરિયાદ પક્ષ એક પણ સાક્ષીદારને શોધી શક્યો નહોતો અને કેસના દસ્તાવેજો ફાટેલા તથા વાંચી શકાય તેવા નથી.

કલ્યાણ કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી.આર. અશ્તુરકરે લલિતમોહન દેવેન્દ્રનાથ દુગ્ગલ અને તેની પત્ની રીટા લલિતમોહન દુગ્ગલને નિર્દોષ જાહેર કરતી વખતે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે રેકોર્ડ પર એવું કંઇ નથી જે કેસમાં આરોપીઓની સંડોવણી અને સક્રિય સહભાગનો દૂરથી પણ સંકેત આપે.

થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં કચરાના નિકાલ અંગેના વિવાદમાં પડોશી પર એસિડ હુમલાના આરોપસર દંપતી વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને 34 (સમાન હેતુ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

1996માં કેસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી કલ્યાણ સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને કેસ લગભગ ત્રણ દાયકા સુધી પેન્ડિંગ રહ્યો હતો, કારણ કે દંપતી જામીન પર છૂટ્યું હતું અને બાદમાં ગાયબ થઇ ગયું હતું.
જૂના કેસને પ્રાથમિકતા આપવાના હાઇ કોર્ટના નિર્દેશને પગલે સેશન્સ કોર્ટે તાજેતરમાં ફરાર દંપતી વિરુદ્ધ જાહેરનામું કાશિત કર્યું હતું અને પચીસમી મેના રોજ અંતિમ ચુકાદો આપતા પહેલા ક્રિમિનલ પ્રોસીજર કોડ (સીઆરપીસી)ની કલમ 299 હેઠળ પોલીસ જુબાની નોંધી હતી. 

‘કહેવાની જરૂર નથી કે આ ઘટના બની ત્યારથી લગભગ 37 વર્ષના સમયગાળાને ધ્યાનમાં લેતાં ફરિયાદ પક્ષે એક પણ સાક્ષીદારને શોધી શક્યો નહોતો. આથી રેકોર્ડ ખૂબ જૂનો હોવાથી પાનાં સંભાળવા પણ ખૂબ જ મુશ્કેલ છે. બધા દસ્તાવેજો ફાટેલા છે અને વાંચી શકાય એવા નથી,’ એવું કોર્ટે અવલોકન કર્યું હતું.