Fri May 01 2026

Logo

માતૃભાષા દિવસ વિશેષ: એક એવા બ્રિટિશરની વાત કે જેણે ગુજરાતી ભણતરને ગોખણપટ્ટીમાંથી આઝાદી અપાવી!

2026-02-21 11:01:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: આજે 21 મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ છે. આજની પેઢીનો એક મોટો વર્ગ એવો છે કે જેની પાસે ગુજરાતી ભાષાનો માત્ર નામ માત્રનો જ અભ્યાસ રહ્યો છે. પોતીકી ભાષાનું જે જોમ અને પ્રભુત્વ હોવું જોઈએ તે અત્યારે જવલ્લે જ દેખાય છે. ત્યારે અહી આપણે વાત કરવી છે એક એવા બ્રિટિશ અધિકારીની કે જેણે ગુજરાતીના અભ્યાસને કંટાળાજનકને બદલે રસપ્રદ બનાવવાની પહેલ કરી હતી. 

વાત છે વર્ષ 1876ની કે જ્યારે  તત્કાલીન બ્રિટિશ શૈક્ષણિક નિરીક્ષક ટી. સી. હોપને એવું લાગ્યું કે ગુજરાતી મૂળાક્ષરો અને શબ્દો શીખવાની જૂની પદ્ધતિ બાળકો માટે કંટાળાજનક અને ભારેભરખમ બની રહી છે. એક ને એક વાત અને ગોખણપટ્ટીને કારણે બાળકો ભણતરથી કંટાળી જતા હતા. આ સમસ્યાના ઉકેલ રૂપે તેમણે 'ગુજરાતી પહેલી ચોપડી' તૈયાર કરી, જેણે શિક્ષણ જગતમાં એક મોટો 'યુ-ટર્ન' લાવવાનું કામ કર્યું. આ પુસ્તક દ્વારા તેમણે શિક્ષણને માત્ર નીરસ અભ્યાસને બદલે રસપ્રદ બનાવવાની દિશામાં નવો રાહ ચીંધ્યો હતો.

હોપની આ નવી શિક્ષણ પદ્ધતિમાં સૌથી મહત્વનો ફેરફાર શબ્દોની પસંદગીમાં હતો. અગાઉ બાળકોને વાક્ય વાંચતા પહેલા લાંબો સમય મૂળાક્ષરો, બારાખડી અને જોડાક્ષરો ગોખવા પડતા હતા, જેનાથી બાળકો થાકી જતાં હતા. પરંતુ હોપે આ ક્રમ બદલી નાખ્યો. તેમણે ભણતરની શરૂઆત જ 'મા' અને 'બા' જેવા એકદમ જાણતલ શબ્દોથી કરી. શિક્ષકો માટેની માર્ગદર્શિકામાં તેમણે લખ્યું હતું કે, જે બાળકોને જે વ્યક્તિઓ વધારે વ્હાલા છે તેમના નામથી શિક્ષણની શરૂઆત કરવાથી ભણતર યાંત્રિક લાગવાને બદલે અંગત અને આત્મીય લાગે છે.

હોપ માનતા હતા કે શિક્ષણ રસથી ભરપૂર હોવું જોઈએ. તેમણે શિક્ષકોને સ્પષ્ટ સૂચના આપી હતી કે શરૂઆતમાં જ 'કાનો' કે 'માત્રા' જેવા વ્યાકરણના જટિલ નિયમો સમજાવવાને બદલે, બાળકને સીધો આખો શબ્દ ઓળખતા શીખવવું જોઈએ. આ પદ્ધતિમાં વાંચન, લેખન અને અર્થ ગ્રહણ—આ ત્રણેય પ્રક્રિયાઓ એકસાથે થતી હતી. વળી, પાઠમાં જે વસ્તુનો ઉલ્લેખ હોય તે વસ્તુ પ્રત્યક્ષ બતાવીને તેનો પરિચય આપવાનો આગ્રહ પણ રાખવામાં આવતો હતો.

આમ, ટી. સી. હોપના પ્રયાસોથી ગુજરાતી ભાષા શિક્ષણમાં ગોખણપટ્ટીના યુગનો અંત આવ્યો અને બાળકો માટે અક્ષરજ્ઞાન મેળવવું એ એક રસની પ્રવૃત્તિ બની ગઈ. આજે પણ જ્યારે આપણે શિક્ષણને ભારવિનાનું બનાવવાની વાત કરીએ છીએ, ત્યારે 150 વર્ષ પહેલાં લેવાયેલો આ નિર્ણય ગુજરાતી ભાષાના પાયાને મજબૂત કરનારો સાબિત થયો હતો.