ભુજ: ગત સપ્તાહે રાજધાની દિલ્હીના અત્યંત ગીચ એવા માલવિયા નગર વિસ્તારમાં આવેલી એક હોટેલમાં લાગેલી ભયાનક આગમાં ૨૧ નિર્દોષ લોકોના કરુણ મોત નીપજ્યાની દુર્ઘટનાના પગલે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય હોનારત ન સર્જાય તે માટે સાવચેતીના ભાગરૂપે કચ્છ કલેક્ટર અનીલ રાણાવસિયા દ્વારા તમામ પ્રાંત અધિકારીઓને પોતપોતાના વિસ્તારની તમામ હોટેલોનું સઘન ચેકિંગ કરવાના કડક આદેશો આપવામાં આવ્યા છે.
આ આદેશ અન્વયે છેલ્લા ૫ દિવસથી સમગ્ર કચ્છ જિલ્લામાં વહીવટી તંત્રની જુદી જુદી વિશેષ ટુકડીઓ ફાયર સેફ્ટી અધિકારીઓને સાથે રાખીને નાની-મોટી હોટેલોમાં આકસ્મિક તપાસ કરી રહી છે. જિલ્લા કલેક્ટરે આ બાબતે સત્તાવાર માહિતી આપતાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, હોટેલોમાં રોકાતા સ્થાનિક અને દેશ-વિદેશના પ્રવાસીઓની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે.
આ મેગા ડ્રાઈવ અંતર્ગત હોટેલોમાં કટોકટીના સમયે બહાર નીકળવા માટેના ઈમરજન્સી એક્ઝિટ અને તેના રસ્તાઓ ખુલ્લા છે કે નહીં, અગ્નિશામક સાધનો જેવા કે ફાયર એક્સટિંગ્યુશર ચાલુ સ્થિતિમાં છે કે નહીં, કિચન તેમજ કોમર્શિયલ ગેસ સપ્લાયની સેફ્ટી, ઈલેક્ટ્રીક પેનલ અને વાયરિંગની સ્થિતિ, ઓટોમેશન અને સ્મોક એલાર્મ સિસ્ટમ તેમજ આગ ઓલવવા માટે પાણીના સંગ્રહ અને બેકઅપની સુવિધા સહિતના તમામ કાયદાકીય ફાયર એનઓસીના દસ્તાવેજોની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે.
હાલમાં સમગ્ર કચ્છના અલગ-અલગ તાલુકાઓમાં વહીવટી ટુકડીઓ દ્વારા તપાસની આ પ્રક્રિયા પુરજોશમાં ચાલુ રાખવામાં આવી છે. આગામી દિવસોમાં તમામ પ્રાંત અધિકારીઓ દ્વારા તેમના કાર્યક્ષેત્રની હોટેલોની તપાસનો વિગતવાર આખરી રિપોર્ટ કલેક્ટર કચેરી સમક્ષ રજૂ કરવામાં આવશે. જે હોટેલોમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કે અન્ય ગંભીર ક્ષતિઓ અને બેદરકારી જણાશે, તેમની સામે કાયદાકીય જોગવાઈઓ હેઠળ હોટેલ સીલ કરવા સહિતના આકરા પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી છે.
(ઉત્સવ વૈદ્ય)