Sat Sep 26 2026

Logo

જમીન વિવાદમાં ઘેરાયા રાજકોટ ભાજપના નેતા, 9 વીઘા જમીન ખાલસા કરવાનો આદેશ

2026-06-10 14:52:00
Author: Mayur Patel
જમીન વિવાદમાં ઘેરાયા રાજકોટ ભાજપના નેતા, 9 વીઘા જમીન ખાલસા કરવાનો આદેશ

 રાજકોટઃ શહેર ભાજપના નેતા જમીન વિવાદમાં ઘેરાયા છે. તેમને 9 વીઘા જમીન ખાલસા કરવાનો આદેશ જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવ્યો છે. મળતી વિગત પ્રમાણે, રાજકોટમાં ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ બાબુભાઈ માટીયાને માલિયાસણ નજીક આવેલી આશરે 9 વિઘા જમીન, જેની અંદાજિત કિંમત ₹7 કરોડ હોવાનું કહેવાય છે, તેને ખાલસા કરવાનો જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

નવી શરતની આ જમીન સરકારની પૂર્વ મંજૂરી અને જરૂરી પ્રીમિયમ ભર્યા વિના વેચી દેવામાં આવી હોવાના આક્ષેપો છે. આ મામલે વહીવટી તપાસ બાદ જમીન ખાલસા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સમગ્ર વિવાદ વચ્ચે બાબુભાઈ માટીયાએ પોતાની પ્રતિક્રિયામાં સ્વીકાર્યું છે કે પ્રીમિયમ ભર્યા વગર જમીન વેચવામાં ભૂલ થઈ હતી. તેમણે જણાવ્યું કે,  મેં ભૂલ કરી છે, એ હું સ્વીકારું છું. પ્રીમિયમ ભર્યા વગર જમીન વેચવી મારી ભૂલ હતી.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઇસરોના અધિકારીઓ સાથે થયેલી મારામારીની ઘટનામાં બાબુભાઈના પરિવારનું નામ ચર્ચામાં આવ્યું હતું, જેના કારણે આ નવો વિવાદ પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

હાલ જમીન ખાલસા કરવાની પ્રક્રિયા અને તેના કાનૂની પાસાઓ અંગે આગળની કાર્યવાહી પર સૌની નજર છે. જિલ્લા વહીવટીતંત્રના આદેશ બાદ મામલો વધુ ગંભીર બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.