(અમારા પ્રતિનિધિ તરફથી)
સુરેન્દ્રનગર: સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ ભૌગોલિકતાની સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતે પણ ખૂબ જ વિવિધતાઓથી ભરેલો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-થાન રોડ પર આવેલા નવા સૂરજદેવળ ધામ-દેવસર ખાતે 18 એપ્રિલથી કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ૩૦૦ વર્ષ જૂની પરંપરા મુજબ ભક્તિ અને શૌર્યના પ્રતીક સમાન 'સૂર્ય ઉપવાસ પર્વ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

આ પર્વનો ઇતિહાસ છેક ભારતના મુસ્લિમ શાસન સાથે જોડાયેલો છે, જ્યારે મુઘલ શાસક ઔરંગઝેબના સૈન્ય સામે મંદિરની રક્ષા કાજે કાઠી વીરોએ ત્રણ દિવસ સુધી ભયંકર યુદ્ધ ખેલી બલિદાન આપ્યા હતા. આ વીરોની સ્મૃતિમાં આજે સમાજના યુવાનો વૈશાખ સુદ એકમથી ચોથ સુધી આકરા ઉપવાસ કરી આ પરંપરાને જીવંત રાખી રહ્યા છે.

આ વર્ષના પર્વમાં વિશેષ આકર્ષણ તરીકે સૂર્યદેવના પરમ ઉપાસક ચોટીલાના દરબાર રાણીંગ બાપુ ખાચરની પ્રતિમાનું અનાવરણ તા. ૧૯/૦૪/૨૦૨૬ના દૂધરેજની જગ્યાના મહંત કનીરામદાસજી મહારાજના હસ્તે કરવામાં આવશે. આ મહોત્સવ અંતર્ગત તા. ૧૮મીએ ચોટીલા દરબારગઢથી ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં હજારો અશ્વ સવારો કેસરીયા સાફા અને રજવાડી ઠાઠ સાથે જોડાશે.

આ ઉપરાંત, પર્વ દરમિયાન સૂર્ય ચરિત્ર કથા, લોક ડાયરો અને મહાયજ્ઞ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.