કરંટ અને ડૂબી જવાથી બે દિવસમાં સાતના મોત
સુરત : વરસાદે સતત બીજા દિવસે સુરત શહેર અને જિલ્લાને ધમરોળ્યું હતું. સુરતમાં સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યાના બાર કલાકમાં 12.24 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે સુરત જિલ્લાના કામરેજમાં 15.87 ઇંચ વરસાદ વરસ્યો હતો અને પલસાણામાં 14 ઇંચ વરસાદ વરસ્યો હતો. મહુઆમાં 7.83 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ નવસારીમાં પણ 10 ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરત,નવસારી, તાપી, ડાંગના અન્ય 20 જેટલા તાલુકામાં ત્રણથી સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં મંગળવારે વરસાદે પોરો ખાધો હતો અને ગીર-સોમાનથ, અમરેલી, જૂનાગઢમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો.
દરમિયાન સુરતમાં વીજળી પડવાને લીધે એક બાળકીનું મોત નિપજ્યાાન અહેવાલો આવ્યા છે. આ સાથે કતારગામાં ધાબા પર ન્હાવા ગયેલી 22 વર્ષની નવવધૂનું પડી જવાથી મોત નિપજ્યું છે. આ સાથે મંદિરના મુખ્ય ટ્રસ્ટી રામ સુરેશ પાંડેનું કરંટ લાગવાથી મોત નિપજ્યું હતું. જ્યારે પાલી વિસ્તારમા આઠ વર્ષીય બે બાળકીના ડૂબી જવાથી મોતના અહેવાલો બહાર આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, કતારગામ વિસ્તારમાં ૨૨ વર્ષીય રીશિતા રાજન મિસ્ત્રી ધોધમાર વરસાદનો આનંદ માણવા માટે પોતાના ઘરના ધાબા પર નહાવા માટે ગઈ હતી. આ દરમિયાન અચાનક આકાશમાંથી વીજળી રીશિતા પર આવીને પડી હતી અને યુવતી ધાબા પર જ ઢળી પડી હતી.
પરિવારને જાણ થતા તેને હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. મળતી માહિતી અનુસાર રીશિતાના લગ્ન છ મહિના પહેલા જ થયા હતા. તો બીજી બાજુ માન દરવાજા વિસ્તારમાં રહેતી અલીના સ્કૂલેથી પરત ઘરે આવી ત્યારે ઘરના દાદરની રેલિંગમાં શૉટસર્કિટને કારણે તેને ઝટકો લાગ્યો હતો અને તે પડી ગઈ હતી. ઈજાગ્રસ્ત દીકરીને હૉસ્પિટલમાં માતા લઈ ગઈ હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં સોમવારે રાંદેર વિસ્તારમાં બે જણને કરંટ લાગતા તેમના મોત થયા હતા.
દરમિયાન વરસાદી આફતોએ સુરત, નવસારીને બાનમાં લીધું હતું. મોટાભાગના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો મોબાઈલમાં કેદ થયા હતા. રહેઠાણો સહિત બજારોમાં પણ પાણી ભરાતા વેપારીઓના માલસામાન પલળી ગયા હતા. વૃક્ષો પડી જવાની ઘટનાઓ ઘટી હતી. સ્થાનિક તંત્ર અને પોલીસ સહિતની ટીમોએ બચાવ કામગીરી કરી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વહેલી સવાર સુધી વરસાદની આગાહી છે.