Tue Jul 07 2026

Logo

મુંબઈ-અમદાવાદ સહિત 49 ટ્રેન રદ: ભારે વરસાદથી વસઈ-વિરાર વચ્ચે રેલ વ્યવહાર ઠપ, પ્રવાસીઓ પરેશાન

2026-07-07 21:55:25
Author: Kshitij Nayak
Article Image

ભારે વરસાદના કારણે મુંબઈ-પુણે રેલ રુટ પણ બંધ, રેલવે પ્રશાસન દ્વારા પ્રવાસીઓને કરોડોનું રિફંડ ચૂકવાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: છેલ્લા અઠવાડિયાથી અનરાધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, જેને કારણે લોકલ સહિત લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવા પર ગંભીર અસર થઈ હતી. આજે અપેક્ષા પ્રમાણે વરસાદ નહીં પડતા મુંબઈની ત્રણેય (પશ્ચિમ, મધ્ય અને હાર્બર લાઈન) લાઈનની લોકલ ટ્રેનસેવા મોડી પણ રેગ્યુલર દોડાવાઈ હતી. પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ-વિરાર સુધીની ટ્રેનસેવા પર બ્રેક વાગી હતી, જ્યારે મધ્ય રેલવેમાં મુંબઈ-પુણે રેલ રુટ પણ મંગળવારે મોડી રાતે શરુ થાય એવી શક્યતા છે. આ ઉપરાંત, મુંબઈ સહિત પાલઘર જિલ્લામાં ભારે વરસાદને કારણે લાંબા અંતરની મુંબઈથી અમદાવાદ/સૌરાષ્ટ્રની 49 મેલ-એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી હતી જેનો ફટકો પ્રવાસીઓને પડ્યો હતો.

ચર્ચગેટથી વસઈ વચ્ચે ટ્રેન ચાલુ

ભારે વરસાદનો ફટકો ફરી એકવાર લોકલ ટ્રેન સેવાને પડ્યો છે. પશ્ચિમ રેલવેએ હાલમાં ચર્ચગેટથી વસઈ રોડ વચ્ચે જ લોકલ સેવા ચાલુ છે, જ્યારે વસઈ રોડથી વિરાર વચ્ચેની લોકલ સેવા આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવી છે. નિર્ધારિત માત્રા કરતા વધુ પાણી ટ્રેક પર હોવાથી લોકલની ટ્રેનસેવા સ્થગિત કરવામાં આવી છે.
ચર્ચગેટથી વસઈ વચ્ચે લોકલ ટ્રેનો દોડાવાય છે, પરંતુ એ અંદાજે અડધો કલાક મોડી દોડી રહી છે. વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ પર પશ્ચિમ રેલવે પ્રશાસન સતત નજર રાખી રહ્યું છે અને વરસાદનું જોર ઘટતાં જ લોકલ સેવા પૂર્વવત્ (સામાન્ય) કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ હોવાની માહિતી રેલવે પ્રશાસને જણાવ્યું હતું.

વસઈ-વિરારમાં 24 કલાક પછી વીજળી આવી

છેલ્લા બે દિવસથી મુંબઈ સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા ઉભી થઈ હતી. જેમાં વસઈ-વિરાર, નાલાસોપારા સંપૂર્ણપણે જળમગ્ન બન્યા હતા. આ વિસ્તારોમાં આવેલા ઘરો, દુકાનોમાં પણ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી, જેથી સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. અહીંના વિસ્તારોમાં લગભગ 24 કલાક પછી વીજસેવા પૂર્વવત્ બની હતી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, હજુ પણ અનેક સોસાયટી જળમગ્ન બની છે, તેનાથી સ્થાનિકોની હાલાકીમાં વધારો થયો છે.

મંગળવારે દિવસભરમાં ટ્રેનો રેગ્યુલર દોડી

હવામાન વિભાગ દ્વારા પાલઘર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, અને આગામી સમયમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પરિણામે સાવચેતીના ભાગરૂપે જિલ્લાની સ્કૂલ-કોલેજ પણ બંધ રાખવામાં આવી હતી, પરંતુ આજે અપેક્ષા પ્રમાણે વરસાદ પડ્યો નહોતો, જેથી પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.

ઓલા-કેબ ટેક્સીવાળાએ પ્રવાસીઓને લૂંટ્યા

આ લોકલ ટ્રેન સેવાઓ પર અસર થતા સાંજના સમયે મુસાફરી કરતા પ્રવાસીઓને અસર થઈ હતી, જેમાં વિરાર, નાલાસોપારા, વસઈ જેવા વિસ્તારોમાં લોકલ ટ્રેન સેવાઓમાં વિલંબ જોવા મળતા પ્રવાસીઓને બસ, ટેક્સી અને ઓનલાઇન કેબ સર્વિસ પર નિર્ભર રહેવું પડ્યું હતું, જેના લીધે માર્ગ પરિવહન વધતા ટ્રાફિકજામની સમસ્યા ઉદ્ભવી હતી. 

પ્રવાસીને 52.65 લાખનું રિફંડ ચૂકવ્યું

બે દિવસના ભારે વરસાદ વચ્ચે પશ્ચિમ રેલવેમાં મંગળવારે સવાર સુધીમાં 49 ટ્રેન રદ કરવામાં આવી હતી, જ્યારે 23 ટ્રેનને ડાઈવર્ઝન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગુજરાતમાં ભિલાડથી બોરીવલી, ભિલાડથી વાપી, સંજાણથી મુંબઈ, વાપીથી મુંબઈ, વલસાડથી મુંબઈ એમ કુલ 17 બસ મારફત 1,020 પ્રવાસીને તેમના ડેસ્ટિનેશન પહોંચાડવામાં આવ્યા હતા, જ્યારે 7135 પ્રવાસીને કુલ 52.65 લાખનું રિફંડ ચૂકવ્યું હતું.

મુંબઈ-પુણે રેલવે લાઈન હજુ પણ ઠપ, 6 કરોડનું રિફંડ ચૂકવ્યું

પુણેમાં ભૂસ્ખલન પછી મુંબઈ-પુણે રેલ વ્યવહાર ખંડિત થયા પછી મંગળવારે મોડી રાતના કદાચ ટ્રેનવ્યવહાર શરુ થઈ શકે છે. હાલના તબક્કે રેલવે પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, જેમાં એક લાઈન શરુ કરી છે, પરંતુ બીજી અને ત્રીજી માટે હજુ સમય લાગી શકે છે. મંગળવારે બપોર સુધીમાં 17 ટ્રેન રદ કરી છે, જ્યારે એક ટ્રેન આંશિક રદ કરી છે. બીજી ત્રણ શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી છે. રદ કરેલી ટ્રેનમાં પુણે-સીએસએમટી ડેક્કન એક્સપ્રેસ, ડેક્કન ક્વિન, ઈન્ટરસિટી, ઈન્દ્રાયણી એક્સપ્રેસ, સિંહગઢ એક્સપ્રેસ સહિત પુણે-સોલાપુર ટ્રેન વગેરે રદ રાખી હતી. બીજી બાજુ 80,000 પ્રવાસીને રેલવેએ લગભગ 6 કરોડનું રિફંડ આપ્યું છે.