Thu Jun 18 2026

Logo

15 વર્ષ પછી પિતાની હત્યા કરી ફરાર થયેલા પુત્રની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

2026-03-12 16:39:01
Author: Vimal Prajapati
Article Image

સુરતઃ ગુજરાતના સુરતમાં ક્રાઈમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાન્ચે 15 વર્ષ જૂના એક હત્યા કેસને ઉકેલી દીધો છે. વિગતે વાત કરવામાં આવે તો, 2011માં રાંધેર વિસ્તારમાં પિતાની હત્યા કરી માતાને મારવાનો પ્રયાસ કરનારા આરોપી મોહમ્મદ ઇમરાન ઇર્ફે ગુડ્ડુને પોલીસે બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના એરાઈ રામપુર ગામમાંથી પકડી પાડ્યો છે. સુરતમાં ક્રાઈમ બ્રાન્ચને મળેળી આ મોટી સફળતા છે. 

મુંબઈથી પોતાના ગામમાં આવવું આરોપીને ભારે પડ્યું

રમઝાનના પવિત્ર મહિનામાં ઘરની યાદ આવતાં મુંબઈથી પોતાના ગામમાં આવવું આરોપીને ભારે પડ્યું છે. ઘટનાની વાત કરવામાં આવે તો, 2011માં, મોહમ્મદ અતાઉર રહેમાન શેખ તેમના પરિવાર સાથે રાંદેરના ભરુચી ભાગલ વિસ્તારમાં રહેતા હતા. તેમનો પુત્ર ઇમરાન જે પોતે બેરોજગાર હતો. જેથી પિતા મોહમ્મદ અતાઉર રહેમાન શેખ તેને વારંવાર ઠપકો આપતા હતા. એક દિવસ વહેલી સવારે આ બાબતે ઝઘડો થયો અને પિતાએ પુત્રને ઘર છોડીને જવા માટે કહ્યું હતું. 

માતા-પિતા પર હુમલો કરી આરોપી ફરાર થઈ ગયો હતો

પિતાએ ઘરે છોડીને જતા રહેવા માટે કહેતા પુત્ર ભાન ભૂલ્યો અને પિતા પર હુમલો કરી દીધો હતો. લોખંડના તવા વડે પિતા પર હુમલો કર્યો હતો. આ દરમિયાન વચ્ચે આવેલી માતા પર પણ હુમલો કર્યો હતો. માતા-પિતાને આવી જ અવસ્થામાં મૂકીને તે ભાગી ગયો હતો. ગંભીર ઈજાના કારણે પિતાનું મોત થઈ જ્યારે આરોપીની માતા બચી ગયાં હતાં. આરોપી ફરાર થઈને પહેલા કોલકાતા ગયો અને પછી મુંબઈની ધારાવીમાં છૂપાઈને રહેવા લાગ્યો હતો. અહીં પોતાનું ગુજરાન ચલાવવા માટે તેણે મજૂરીકામ કરવાનું શરૂ કર્યું હતું. 

આરોપીએ પિતાની હત્યા કરી હોવાનું કબૂલ્યું

અત્રે નોંધનીય છે કે, કોર્ટે પહેલેથી જ CrPC 70 હેઠળ વોરંટ જારી કર્યો હતો. એટલે સુરત ક્રાઈમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સ્ત્રોતો દ્વારા તેને ઝડપી પાડવા માટે તપાસ કરી રહી હતી. રમઝાનમાં આરોપી પોતાના ગામમાં આવ્યો હોવાની બાતમી મળતી સુરત ક્રાઈમ બ્રાન્ચ 1,750 કિલોમીટર દૂર બિહાર ગઈ અને સ્થાનિક મદદથી ફિલ્મી સ્ટાઈલમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ પિતાની હત્યા કરી હોવાનું કબૂલ કરી લીધું હતું. હવે તેની સામે આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.