Tue Jul 21 2026

Logo

દેશમાં બેંકના લોકર પણ સુરક્ષિત નથી! સુરતમાં લોકરમાંથી સોનું ગાયબ, ટેસ્ટિંગ કરાવતા જ નીકળી હલકી ધાતુ!

2026-07-20 21:48:17
Author: Devayat Khatana
Article Image

સુરત: આમ તો સામાન્ય રીતે બેન્ક લૉકર એ દાગીના કે પૈસા માટે ખૂબ જ સુરક્ષિત ગણવામાં આવે પણ સુરતમાં સુરક્ષિત ગણાતા બેંક લોકરમાંથી કિંમતી દાગીના ગાયબ થવાનો કે બદલાઈ જવાનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી કેનરા બેંકના લોકરમાં રાખેલા આશરે રૂ. 45 લાખની કિંમતના સોનાના બિસ્કિટ બદલાઈ ગયા હોવાની સત્તાવાર ફરિયાદ એક દવા ઉત્પાદક વેપારી દ્વારા નોંધાવવામાં આવી છે.

લગ્નમાં મળેલ કરિયાવરને લોકરમાં રાખ્યો હતો 
મળતી માહિતી મુજબ, સુરતના દવાના વ્યવસાય સાથે સંકળાયેલા રીનમભાઈના લગ્ન વર્ષ 1994માં ખંભાતના દીપાબેન સાથે થયા હતા. લગ્ન સમયે દીપાબેનને પિયર પક્ષ તરફથી કરિયાવરમાં 100-100 ગ્રામના હોલમાર્કવાળા સોનાના ચાર બિસ્કિટ મળ્યા હતા. દંપતીએ આ કિંમતી મૂડીને સુરક્ષિત રાખવા માટે નાનપુરા સ્થિત કેનરા બેંકના લોકર નંબર 181માં મૂકી હતી.

જ્વેલર્સની તપાસમાં ભાંડો ફૂટ્યો
ગત 18 ફેબ્રુઆરી, 2026ના રોજ રીનમભાઈ અને તેમના પત્ની બેંક લોકરમાંથી પોતાનો તમામ સામાન ઘરે લાવ્યા હતા. ઘરે આવ્યા બાદ સોનાના 3 બિસ્કિટ જોઈને તેમને કંઈક શંકા ગઈ હતી. આથી તેમણે સિટી લાઈટ રોડ પર આવેલા જ્વેલર્સમાં તેની તપાસ કરાવી હતી. જ્વેલર્સના ટેસ્ટિંગમાં જે આંકડા સામે આવ્યા તેનાથી દંપતીના હોશ ઊડી ગયા હતા.

કુલ 300 ગ્રામ વજન ધરાવતા આ 3 બિસ્કિટમાં શુદ્ધ સોનું માત્ર 65 ગ્રામ જ નીકળ્યું હતું, જ્યારે બાકીનું 235 ગ્રામ અન્ય હલકી ધાતુ હોવાનું બહાર આવ્યું છે. આ બિસ્કિટ પરથી અગાઉના હોલમાર્કના નિશાન પણ ગાયબ હતા.

એક વર્ષના ગાળામાં ખેલ ખેલાયો હોવાની આશંકા
ભોગ બનનાર વેપારીના જણાવ્યા અનુસાર, અગાઉ જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં તેમણે લોકર ઓપરેટ કરીને સોના-હીરાના સેટ, બંગડીઓ અને ચાંદીની ઈંટ સહિતનો સામાન બહાર કાઢ્યો હતો, ત્યારે બધું બરાબર હતું. આથી પ્રબળ આશંકા છે કે જાન્યુઆરી 2025થી ફેબ્રુઆરી 2026 વચ્ચેના 12 મહિનાના સમયગાળામાં જ કોઈ અજાણ્યા શખ્સે લોકરમાં રાખેલા અસલી બિસ્કિટ સેરવીને નકલી ગોઠવી દીધા છે. સામાન્ય રીતે બેંક લોકરની કડક સુરક્ષા વ્યવસ્થાને જોતા આવી ચોરી થવી અશક્ય મનાય છે, જેથી આ મામલો ભારે રહસ્યમય બન્યો છે. હાલ પોલીસે ગુનો નોંધીને અલગ-અલગ ત્રણ દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.